કાસ : ખાંસી કે ઉધરસનો રોગ. આયુર્વેદમાં કાસ રોગની ઉત્પત્તિનાં અનેક કારણો આપ્યાં છે. મુખ, નાક, કે ગળામાં ધુમાડાનો તેમજ ધૂળનો પ્રવેશ થવાથી, વાયુ દ્વારા પ્રેરિત આમરસ મુખમાં આવી જવાથી, અતિરુક્ષ  શીત – સ્નિગ્ધ – ખાટું – ખારું ભોજન કરવાથી, અધિક વ્યાયામ કરવાથી તેમજ છીંકના વેગો રોકવાથી કાસ ઉત્પન્ન થાય છે. કાસ રોગ પાંચ પ્રકારના છે : વાતિક, પૈત્તિક, શ્લૈષ્મિક, ક્ષતજ અને ક્ષયજ. કાસ રોગમાં જો બરાબર સારવાર આપવામાં ન આવે તો દરેક કાસ ક્ષયજ કાસમાં પરિણમે છે.

પૂર્વરૂપ : ગળામાં કાંટો ભરાયો હોય તેવી વેદના, ગળામાં ખૂજલી થવી તેમજ ખાધેલા પદાર્થો ગળામાં ભરાઈ ગયા હોય તેવી સંવેદના થવી તે ઉધરસ થતા પહેલાં જણાતાં લક્ષણો છે.

કાસનાં મુખ્ય લક્ષણો : ઉધરસ આવવી એ મુખ્ય લક્ષણ છે. વાતિક કાસમાં હૃદય, માથું તથા લમણામાં શૂલ થાય છે. ખાંસી સૂકી હોય છે અને અવાજ બેસી જાય છે અથવા સ્વર ફાટી જાય છે. પૈત્તિક કાસમાં ગળામાં બળતરા થાય છે. મોઢામાં કડવો સ્વાદ રહે છે. તરસ ખૂબ લાગે છે. પીળા રંગનું પિત્તવમન થાય છે. શ્લૈષ્મિક (કફજ) કાસમાં કફ પડે છે, જે ગાઢો ચીકણો હોય છે. ભોજનમાં અરુચિ રહે છે ને ખાંસતાં કફ પડે છે. ક્ષતજ કાસમાં પ્રથમ ખાંસી સૂકી હોય છે પછી ખાંસી સાથે લોહી નીકળે છે. છાતીમાં દુખાવો થાય છે. ક્ષયજ કાસમાં રોગીનું શરીર સુકાતું જાય છે. શરીરમાં શૂલ તથા તાવ થાય છે, દાહ થાય છે, તેનાં બલ, માંસ ક્ષીણ થાય છે અને આ પ્રકારની ઉધરસ યોગ્ય ચિકિત્સા ન મળે તો પ્રાણનો નાશ પણ કરે છે.

કાસચિકિત્સા : વાતજ (દુરુક્ષ) કાસમાં દર્દીને ઘી અપાય છે. અભ્યંગ, સ્વેદ, પરિષેક, બસ્તિ, પેયા, યૂષ, દૂધ, માંસરસ તથા સ્નિગ્ધ વિરેચન ચિકિત્સા કરાય છે. કફજ ઉધરસમાં કંટકારી ઘૃત. પિપ્પલ્યાદિ ઘૃત, અગસ્ત્ય, હરીતકી અવલેહ, વાસાદિ ઘૃત, વાસકાસવ, વાસા સિરપ, સિતોપલાદિ ચૂર્ણ, તાલીસાદિ ચૂર્ણ, કાસકુઠાર રસ, લવંગાદિ વટી, યષ્ટિમધુ-વટી, વાસાદિ ક્વાથ, ભારંગ્યાદિ ક્વાથ વગેરે યોગો કાસ માટે લાભપ્રદ હોય છે. કફજ કાસમાં વમન અને પિત્તજ કાસમાં વિરેચન દ્વારા શોધન પણ કરાય છે. અરડૂસી (વાસા) કાસમાં એક ઉત્તમ ઔષધિ છે. તેમાંથી દેશી અને વિદેશી અનેક કંપનીઓએ અનેક જાતની દવાઓ બનાવી છે. ઉપરાંત જેઠીમધ, કાળાં મરી, લવિંગ, સૂંઠ, પીપર, પીપરીમૂળ, કટુફળ, ચિત્રક વગેરેનો ઉપયોગ પણ ઉધરસમાં કરવામાં આવે છે.

હરિદાસ શ્રીધર કસ્તૂરે