કાશીરામ દાસ (સોળમી સદી) : મધ્યકાલીન બંગાળી કવિ. તેમનો જન્મ ઘણું કરીને ઓરિસામાં વર્ધમાન જિલ્લાના ઇંદરાણી પરગણામાં કાયસ્થ જ્ઞાતિમાં થયો હતો. તેમના પિતા કમલાકાંત ત્યાં વારસાગત મિલકત ધરાવતા હતા. પાછળથી તેઓ ઓરિસામાં સ્થાયી થયેલા. એમનાથી મોટા કૃષ્ણદાસ અને નાના ગદાધર – એમ ત્રણે ભાઈઓ કવિ હતા. મોટા ભાઈ કૃષ્ણદાસે ‘શ્રીકૃષ્ણવિલાસ’ કાવ્યની રચના કરી છે, અને નાના ભાઈએ ‘જગન્નાથ મંગલ’ની.
કાશીરામનો ગ્રંથ ‘પાંડવવિજય’ અથવા ‘પાંડવવિજયકથા’ અથવા ‘ભારતપાંચાલી’ છે. એમાં પાંડવકથાનું નિરૂપણ મૂળ મહાભારત અનુસાર થયું છે. એમ મનાય છે કે એમણે આદિ, સભા, વન તથા વિરાટ એમ ચાર પર્વોની રચના કરી હતી અને બાકીનાં પર્વો એમના ભાઈ અને ભત્રીજાએ રચ્યાં હતાં. બીજા અનેક અનામી કવિઓએ એમાં ઉમેરો કર્યો છે એટલે એમાં કેટલું મૂળ છે અને કેટલું પ્રક્ષિપ્ત છે એ કહેવું મુશ્કેલ છે.
એ આખી રચનાની જોડે કાશીરામદાસનું નામ સંકળાયેલું છે અને બંગાળી મહાભારતકાર તરીકે એ અત્યંત લોકપ્રિય થયા છે. એ કૃતિ દ્વારા સરળ અને રસિક શૈલીમાં સામાન્યજનને મહાભારતનો પરિચય કરાવાયો છે. તત્વજ્ઞાન તથા રાજકારણ વિશેની ચર્ચાઓ એમણે છોડી દીધી છે. નાટ્યાત્મક પ્રસંગનિરૂપણ, રુચિર સંવાદો તથા હાસ્યની લકીરો કથાને આકર્ષક બનાવે છે. ઘણે સ્થાને સંસ્કૃત મહાભારતના શ્લોકોનો અનુવાદ મૂળના સૌંદર્યને યથાતથ રાખે છે. પયાર છંદનો સાદ્યન્ત પ્રયોગ કર્યો છે.
ચન્દ્રકાન્ત મહેતા