કાર્યસર્દશતા (analogous action) : ઉદભવ અને રચનામાં ભિન્નતા અને કાર્યમાં સામ્ય દર્શાવતાં અંગોની પ્રવૃત્તિ. આવી રચનાઓને કાર્યસર્દશ રચનાઓ કહે છે. (1) વિહગ અને કીટકોમાં પાંખોનો ઉદભવ અને વિકાસ જુદાં જુદાં હોય છે, પરંતુ આ અંગો ઉડ્ડયનના કાર્ય સાથે સંકળાયેલાં હોય છે. વિહગમાં પાંખો અગ્ર ઉપાંગનું રૂપાંતર છે, જ્યારે કીટકોમાં તે શરીરદીવાલના બહિરુદભેદ તરીકે વિકાસ પામે છે. આ બહિરુદભેદમાંથી સ્નાયુઓ તેમજ નસોવાળી પાતળી તકતીરૂપે પાંખો વિકસે છે. આમ કીટકની પાંખો વિહગની પાંખો સાથે કાર્યસર્દશતા દર્શાવે છે. પરંતુ તે રચનાસાર્દશ્યનો નિર્દેશ કરતી નથી. (2) માછલી અને સ્તરકવચીની ઝાલરો શ્વસનાંગો છે. કાર્યસર્દશ રચનાઓ એક જ પર્યાવરણમાં વિવિધ સજીવોના અનુકૂલનને લીધે બાહ્ય રચનાકીય સામ્ય અને કાર્ય-સામ્ય દર્શાવે છે. ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં તેમનું કોઈ મહત્વ નથી, જ્યારે વિહગ, ચામાચીડિયું અને અશ્મીભૂત પ્ટેરોડેક્ટિલમાં જોવા મળતી પાંખો અગ્રઉપાંગનું રૂપાંતર છે. તેથી તે રચના-સાર્દશ્ય ધરાવતાં અંગો છે. તેમને સમજાત કે સમમૂલક (homologous) અવયવો કહે છે. ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં તેમની અગત્ય છે.
ખોરાક-સર્જનનું કાર્ય પ્રકાંડ ઉપાડી લે ત્યારે આવાં પ્રકાંડ કાર્યમાં અને ક્યારેક દેખાવમાં પર્ણ જેવાં લાગે છે. તેમને પર્ણસર્દશ પ્રકાંડ (phylloclade) કહે છે. હંમેશાં પર્ણ પાર્શ્વીય હોય અને પ્રકાંડ અગ્ર અને કક્ષકલિકામાંથી સર્જાય.
બળદેવભાઈ પટેલ