ગોપીકૃષ્ણ (જ. 22 ઑગસ્ટ 1935, કૉલકાતા; અ. 19 ફેબ્રુઆરી 1994, મુંબઈ) : કથક નૃત્યની બનારસ શૈલીના વિખ્યાત નર્તક. પિતા રાધાકૃષ્ણ સોંથાલિયા કૉલકાતામાં વેપાર કરતા. નાની ઉંમરમાં તેમનું અવસાન થતાં ગોપીકૃષ્ણના દાદા પંડિત સુખદેવ મહારાજની નિશ્રામાં તેમનો ઉછેર થયો હતો. પંડિત સુખદેવ મહારાજ પોતે કલાપ્રેમી હોવાથી ગોપીકૃષ્ણને બાલ્યાવસ્થામાં જ નૃત્યકલાના સંસ્કાર મળ્યા હતા. અગિયાર વર્ષની ઉંમરે તેમણે તેમના દાદા પાસેથી નૃત્યનું શિક્ષણ પ્રાપ્ત કરવાની શરૂઆત કરી અને પંદર વર્ષની ઉંમરે બંગાળ સંગીત સંમેલનમાં શાસ્ત્રીય નૃત્યનો પ્રશંસનીય કાર્યક્રમ આપી ‘નટરાજ’ની ઉપાધિ પ્રાપ્ત કરી હતી. કથક શૈલીના નૃત્યની તાલીમ તેમણે વિખ્યાત કથક નૃત્યકાર શંભુ મહારાજ પાસેથી પ્રાપ્ત કરી હતી. વિખ્યાત નૃત્યાંગના સિતારાદેવી પાસેથી તેમણે નૃત્યની અન્ય શૈલીઓનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. ભરતનાટ્યમની તાલીમ આપતી જાણીતી સંસ્થા ‘રાજરાજેશ્વરી ભરતનાટ્યકલા મંદિર’ દ્વારા તેમણે ભરતનાટ્યમ્ની શિક્ષા પ્રાપ્ત કરી હતી. કથક નૃત્યશૈલીને ભારતમાં લોકપ્રિય બનાવવામાં તેમણે નોંધપાત્ર ફાળો આપ્યો હતો. મુંબઈમાં આ નૃત્યશૈલીની તાલીમ આપતી સંસ્થાના તેઓ સંચાલક હતા.

ગોપીકૃષ્ણ

1957–58માં તેમણે પૂર્વ આફ્રિકાનો તથા 1967માં તે વખતના સોવિયેત સંઘનો પ્રવાસ ખેડ્યો હતો. ઉપરાંત, ઇંગ્લૅન્ડ, અમેરિકા, કૅનેડા તથા યુરોપના કેટલાક દેશોની અવારનવાર મુલાકાત લઈ ત્યાંના લોકોને પોતાની નૃત્યકલાથી તેમણે પ્રભાવિત કર્યા હતા.

રંગમંચ ઉપરાંત ચલચિત્રો મારફત પણ તેમણે તેમની નૃત્યકલાનો પરિચય આપ્યો હતો તથા લગભગ 800 જેટલાં ચલચિત્રોનું નૃત્યદિગ્દર્શન કર્યું હતું. વિખ્યાત નિર્માતા-દિગ્દર્શક વી. શાંતારામના જાણીતા ચલચિત્ર ‘ઝનક ઝનક પાયલ બાજે’માં તેમણે નર્તક-નાયકની ભૂમિકા ભજવી હતી અને તેનાથી તેમણે અપાર લોકપ્રિયતા મેળવી હતી. તેમની અન્ય જાણીતી ફિલ્મોમાં બંગાળી ચલચિત્ર ‘ભિન્નર દેશેર મી’ તથા હિંદી ચલચિત્રો ‘સાકી’, ‘આંધિયાં’, ‘પરિણીતા’, ‘બાગી’, ‘ચાચા ચૌધરી’, ‘ચિનગારી’ તથા ‘લહરેં’ ઉલ્લેખનીય છે.

ચલચિત્રજગતના તેમના શિષ્યોમાં જાણીતી અભિનેત્રીઓ મધુબાલા, સંધ્યા, શશિકલા, નાઝ અને મીનાકુમારી તથા નૃત્યકલાની વિખ્યાત કથક-નૃત્યાંગના ઇન્દ્રાણી રહેમાનનો ઉલ્લેખ કરી શકાય.

1966માં પ્રયાગ સંગીત સમિતિએ તેમને ‘નૃત્યસમ્રાટ’ની ઉપાધિથી સન્માન્યા હતા. 1975માં ભારત સરકારે તેમને ‘પદ્મશ્રી’નો ખિતાબ એનાયત કર્યો હતો. સંગીત-નાટક અકાદમીનો પણ તેમને પુરસ્કાર મળ્યો હતો.

નવ કલાક અને ઓગણત્રીસ મિનિટ સુધી સતત નૃત્ય કરી તેમણે વિશ્વવિક્રમ સ્થાપ્યો હતો.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે