ગોપાલગંજ : બિહાર રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 26° 12´થી 26° 39´ ઉ. અ. અને 83° 54´થી 84° 55´ પૂ. રે.ની વચ્ચેનો 2,033 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની વાયવ્યે ઉત્તરપ્રદેશનો દેવરિયા જિલ્લો અને ઉત્તરે બિહારનો પશ્ચિમ ચંપારણ જિલ્લો, પૂર્વ તરફ ગંડક નદીથી અલગ પડતો પૂર્વ ચંપારણ જિલ્લો અને સરણ જિલ્લો, દક્ષિણ તરફ સિવાન જિલ્લો અને દેવરિયા જિલ્લો (ઉ. પ્ર.) તથા પશ્ચિમ તરફ દેવરિયા જિલ્લો આવેલા છે. જિલ્લામથક ગોપાલગંજ જિલ્લાના મધ્યભાગમાં આવેલું છે.
ભૂપૃષ્ઠ–જળપરિવાહ–આબોહવા : આ જિલ્લામાં ટેકરીઓ આવેલી નથી. અહીંનું ભૂપૃષ્ઠ સમતળ હોવા છતાં ઠેકઠેકાણે થાળાં અને પંકભૂમિના ભાગો પથરાયેલા છે. જિલ્લામાં જંગલો પણ નથી. અહીં ગંગા, ગંડક અને ઘોઘ્રા નદીઓ આવેલી છે. તેમને નાની સહાયક નદીઓ મળે છે. તેમાં આવતાં પૂરને કારણે પથરાયેલો રેતાળ કાંપ સ્થળાંતર થઈને અન્યત્ર જમા થાય છે. નદીના કંઠાર વિભાગોની જમીનો ફળદ્રૂપ રહેતી હોવાથી તેમાં વાવેતર થાય છે. આ જિલ્લો દરિયાથી દૂર હોવાથી તેની આબોહવા વિષમ રહે છે. અહીંના ઉનાળા અને શિયાળા આકરા રહે છે.
ખેતી–પશુપાલન : જિલ્લાની મોટા ભાગની જમીનો રેતાળ કાંપથી બનેલી હોવાથી ફળદ્રૂપ છે. જ્યાં પંકભૂમિના નીચાણવાળા ભાગો છે ત્યાં માટીવાળી જમીનો છે. અહીં વર્ષમાં બે વાર ડાંગરનો પાક લેવાય છે. આ ઉપરાંત ઘઉં, શેરડી, મકાઈ, કઠોળ, તેલીબિયાં, બટાટા અને તમાકુનું વાવેતર પણ થાય છે. નદીઓની નજીકના વિસ્તારો સિવાય અન્યત્ર કૂવાનાં પાણી સિંચાઈ માટે ઉપયોગમાં લેવાય છે. ભૂગર્ભજળ અહીં ઓછી ઊંડાઈએ મળી રહે છે.
ખેતી માટે ઉપયોગી પશુઓ અહીં જોવા મળે છે. તેમની ઓલાદ-સુધારણા માટે અહીં કૃત્રિમ ગર્ભાધાન કેન્દ્ર ઊભાં કરાયાં છે. જિલ્લામાં પશુદવાખાનાં, પશુચિકિત્સાલયની સગવડ ઉપલબ્ધ છે.
ઉદ્યોગો–વેપાર : અગાઉના સમયમાં અહીં વિકસેલા અફીણ, ગળી અને ખાંડના ઉદ્યોગો પૈકી આજે માત્ર ખાંડનો ઉદ્યોગ ચાલે છે. અહીં સૉલ્ટ-પીટરનું ઉત્પાદન લેવાય છે. પિત્તળ, કુંભારકામ, હાથવણાટનું કાપડ અને તેલની ઘાણીઓ જેવા નાના હુન્નરો કાર્યરત છે.
જિલ્લામાં ખાદ્યતેલ અને ખાંડનું ઉત્પાદન લેવાય છે. ખાંડ, ખાદી અને હાથવણાટની ચાદરોની નિકાસ થાય છે, જ્યારે તેલીબિયાં અને ચોખાની આયાત કરવામાં આવે છે.
પરિવહન : આ જિલ્લામાં ઈશાન વિભાગીય રેલવેની બે શાખાઓ છે; એક રેલમાર્ગ સિવાન–થાવે–ગોરખપુર જ્યારે બીજો સિવાન–થાવે–ગોપાલગંજ–છાપરાનો છે. જિલ્લાના બધા જ ઘટકોમાં મુખ્ય મથકો સડકમાર્ગોથી સંકળાયેલાં છે.
જિલ્લામાં ત્રણ કાયમી નદીઓ આવેલી હોવાથી અહીં જળમાર્ગોની સુવિધા ઉપલબ્ધ છે. જિલ્લો નિયમિત હવાઈ સેવાથી જોડાયેલો નથી. હાથવા ખાતે નાનાં વિમાનોના ઉતરાણની સગવડ છે. ગોપાલગંજ, હાથવા અને બરૌલી ખાતે ટેલિફોન એક્સ્ચેન્જ કાર્યરત છે.
પ્રવાસન : આ જિલ્લામાં થાવે, હાથવા, હુસેપુર, જાદોપુર, મીરગંજ જેવાં જાણીતાં પ્રવાસનમથકો આવેલાં છે. વારતહેવારે જિલ્લાના જુદા જુદા ભાગોમાં મેળા ભરાય છે અને ઉત્સવો યોજાય છે.
વસ્તી–લોકો : 20022 મુજબ જિલ્લાની વસ્તી 28,91,463 જેટલી છે, તે પૈકી સ્ત્રી-પુરુષોની સંખ્યા સરખી છે, જ્યારે ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 90% અને 10% જેટલું છે. જિલ્લામાં હિન્દી અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. અહીં હિંદુઓ અને મુસ્લિમોની સંખ્યા વિશેષ છે, જ્યારે ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈનો વગેરેની વસ્તી ઓછી છે. જિલ્લામાં સાક્ષરતાનું પ્રમાણ શહેરોમાં 55% અને ગામડાંમાં 40% જેટલું છે. શહેરો ઉપરાંત 60% ગામડાંઓમાં શિક્ષણ-સંસ્થાઓની સગવડ ઉપલબ્ધ છે. ગોપાલગંજ ખાતે ચાર કૉલેજો આવેલી છે. વહીવટી સરળતા માટે જિલ્લાને ઉપવિભાગોમાં અને સમાજ-વિકાસ ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં નગરો અને 1537 ગામડાં આવેલાં છે.
ઇતિહાસ : ગોપાલગંજનો ઇતિહાસ ગોપાલગંજ, સરણ અને સિવાન જિલ્લાઓથી બનેલા અગાઉના સરણ જિલ્લા સાથે સંકળાયેલો છે. વૈદિક સાહિત્યમાં જળવાયેલી નોંધ મુજબ પ્રાચીન સમયમાં આર્યો સરસ્વતી નદીના પટથી પૂર્વ તરફ આગળ ધપતા ગંડક નદી સુધી આવ્યા ત્યારે અગ્નિદેવે તેમને કહ્યું કે હજી આગળ ધપો અને સામ્રાજ્ય સ્થાપો. આર્યો પૈકી કેટલાક ગંડક નજીક રોકાયા, બીજા કેટલાક આગળ વધ્યા. આજના સરણ જિલ્લાના વિસ્તારમાં તે વખતે વસતી આદિવાસી જાતિઓને આર્યોએ હાંકી કાઢી. તેઓ અહીં વસ્યા અને શાસન કર્યું. અહીંના ટેકરાઓનાં ઉત્ખનનોમાં તેમજ કિલ્લાઓના અવશેષોમાં તેમના વખતના પુરાવાઓ મળે છે. ત્યારબાદ અહીં રજપૂતોએ પણ શાસન કરેલું.
1973માં અહીં જિલ્લાઓની પુનર્રચના કરવામાં આવી ત્યારે જૂના સંયુક્ત સરણ જિલ્લામાંથી ગોપાલગંજને અલગ પાડી તેનો જુદો જિલ્લો રચવામાં આવ્યો.
ગોપાલગંજ (શહેર) : ગોપાલગંજ સિવાન શહેરથી ઉત્તર તરફ 34 કિમી.ના અંતરે ગંડક નદીના પશ્ચિમ કિનારે આવેલું છે. તે ઈશાન વિભાગીય રેલવેનું અનાજનું મહત્વનું પીઠું છે. અહીં ડાંગર ભરડવાની મિલો, તેલની અને કઠોળની મિલો પણ છે. આ જિલ્લાનું આ એક-માત્ર મોટું શહેર છે. તે ગંગાના મેદાનની મધ્યમાં રાજ્યના વાયવ્ય ખૂણામાં ફળદ્રૂપ પ્રદેશમાં આવેલું હોવાથી તેની આજુબાજુના ભાગોમાં ડાંગર, જવ, અળસી, રાઈ, મકાઈ, શેરડીના કૃષિપાકો થાય છે. અહીં ડેરી-ઉદ્યોગ વિકસ્યો છે. ખાદ્યપ્રક્રમણના ઉદ્યોગો પણ કાર્યરત છે. ઉપરાંત, લાકડાં વહેરવાની મિલો, હાથસાળના કાપડવણાટના, ચર્મકામ અને લુહારીકામના નાના એકમો પણ આવેલા છે.
ગોપાલગંજ (બાંગ્લાદેશ) : બાંગ્લાદેશના ઢાકા પરગણાના ફરિદપુર જિલ્લામાં પદ્માની શાખા મધુમતીના કાંઠે વસેલું શહેર. તે જિલ્લામાર્ગનું અંતિમ મથક છે. અહીં ખેતીવાડીની પેદાશો, શણ, ડાંગર અને તેલીબિયાંનું કેન્દ્ર છે. અહીં ડાંગર છડવાની મિલોના મુખ્ય ઉદ્યોગો આવેલા છે. નજીકમાં વિશાળ કળણભૂમિ છે.
ગિરીશભાઈ પંડ્યા
શિવપ્રસાદ રાજગોર