ગોપાલકૃષ્ણન, અદૂર (જ. 3 જુલાઈ 1941, અદૂર, કેરળ) : મલયાળમ ચલચિત્રોના વિખ્યાત દિગ્દર્શક, પટકથા અને સંવાદલેખક તથા નિર્માતા. જન્મ કેરળના જમીનદાર કુટુંબમાં. કેરળની જાણીતી ગાંધીગ્રામ સંસ્થાના અર્થશાસ્ત્ર-રાજ્યશાસ્ત્ર વિષય સાથે સ્નાતક. શાળામાં ભણતા ત્યારથી ચલચિત્ર કરતાં નાટકમાં વિશેષ રસ. આઠ વર્ષની ઉંમરે એક નાટકમાં ગૌતમ બુદ્ધની ભૂમિકા ભજવી અને તે દ્વારા કલાક્ષેત્રમાં પદાર્પણ કર્યું. શાળાના શિક્ષણ દરમિયાન નાટકો લખવાની અને રંગમંચ પર ભજવવાની શરૂઆત કરી. વાર્તાઓ, નિબંધો અને વ્યાખ્યાનો વાંચવાનો તેમને ઘણો શોખ હતો. નાનપણમાં તેમણે થોડાંક લાંબાં નાટકો પણ લખ્યાં છે.

અદૂર ગોપાલકૃષ્ણન્

1962માં પુણેની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ થયા. પુણેની સંસ્થામાં પ્રવેશ માટેની પરીક્ષામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું અને વિશેષયોગ્યતા શિષ્યવૃત્તિ મેળવી. દિગ્દર્શન અને પટકથા-લેખનના અભ્યાસક્રમમાં 1965માં સંસ્થાની સ્નાતક પદવી પ્રાપ્ત કરી. 1962–65ના અભ્યાસકાળ દરમિયાન પ્રથમ પંક્તિનાં ચલચિત્રો ઉપરાંત સત્યજિત રે તથા ઋત્વિક ઘટક જેવા વિખ્યાત બંગાળી દિગ્દર્શકોનાં ચલચિત્રસર્જનોથી ખૂબ પ્રભાવિત થયા.

કેરળ પાછા આવ્યા પછી તરત જ મલયાળમ ચલચિત્રક્ષેત્રમાં સક્રિય બન્યા. 1965માં ત્યાં ફિલ્મ સોસાયટી ચળવળનો પ્રારંભ કર્યો અને 1965–80 દરમિયાન ચિત્રલેખા ફિલ્મ કો-ઑપરેટિવના સ્થાપક અધ્યક્ષ રહ્યા. 1980–83 દરમિયાન નૅશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કૉર્પોરેશનના નિયામકપદે કાર્ય કર્યું. 1978–80 દરમિયાન રાષ્ટ્રીય ચલચિત્ર દફતર સંગ્રહાલયની સલાહકાર સમિતિમાં રહ્યા. તે પહેલાં 1976–78 દરમિયાન પુણેની ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટની નિયામક સમિતિના સભ્ય રહ્યા. 1974માં રાષ્ટ્રીય ચલચિત્ર મહોત્સવ તથા 1983માં નવી દિલ્હી ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય ચલચિત્ર મહોત્સવની નિર્ણાયક સમિતિના સભ્ય રહ્યા.

1968–90ના ગાળામાં તેમણે કુલ 12 જેટલાં ચલચિત્રોનું નિર્માણ કર્યું છે અને તે દરેકને રાષ્ટ્રીય તથા રાજ્યકક્ષાના પુરસ્કાર મળ્યા છે. તેમના ‘યેલિપદયમ્’ ચલચિત્રને 1982માં બ્રિટિશ ફિલ્મ ડિરેક્શન ઍવૉર્ડ મળ્યો હતો. 1984માં ભારત સરકારે તેમને ‘પદ્મશ્રી’નો ખિતાબ આપેલો. નાટકો ઉપરાંત નાટક અને નાટ્યલેખન પરનાં બે પુસ્તકોના તેઓ સહલેખક છે.

1968–93 સુધીનાં તેમનાં ચલચિત્રોમાં ‘ઍન્ડ મૅન ક્રિયેટેડ’ (1968), ‘સ્વયંવરમ્’ (1972), ‘ગુરુ ચેન્ગન્નુર’ (1974), ‘ધ મિથ’ (1977), ‘કોડિયાટ્ટમ્’ (1977), ‘યક્ષગાન’ (1979), ‘ચોલા હેરિટેજ’ (1980), ‘કૃષ્ણનાથન્’ (1982), ‘યેલિપદયમ્’ (1982), ‘મુગમ્ મુગમ્’ (1984), ‘અનંતરામ’ (1987), ‘મથિલુકલ’ (1990), તથા ‘વિધેયન’ (1993), આ તેર ચલચિત્રોનો સમાવેશ થાય છે. કૉલકાતા ખાતે જાન્યુઆરી 1994માં આયોજિત પચીસમા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં ભારતીય જીવનના વિભાગમાં સમીક્ષકોએ તેમના ચલચિત્ર ‘વિધેયન’ને સર્વોત્તમ કૃતિ તરીકે બિરદાવ્યું હતું. આ જ ચલચિત્રને કેરળ રાજ્યના 1993નાં છ પારિતોષિકો એનાયત થયાં હતાં, જેમાં ઉત્તમ દિગ્દર્શનનું પારિતોષિક પણ સામેલ હતું. તેમને 1984માં પદ્મશ્રી, 2004માં દાદાસાહેબ ફાળકે ઍવોર્ડ તેમ જ 2006માં પદ્મવિભૂષણ એનાયત થયો છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે