કાર્પેટ બીટલ : ઢાલપક્ષ (Coleoptera) શ્રેણીના Dermestidae કુળની Anthrenus scrophulariae, A. vorax અને Attagenus piceus કીટકની ઇયળો તેમજ પુખ્ત અવસ્થાના ભમરા. સંગ્રહસ્થાનોમાં રાખેલા ધાબળા, ગરમ કપડાં, ઊન, વાળ અને પીંછાંની બનાવટો, ઠાંસેલાં પ્રાણીઓના અને સંગૃહીત કીટકોના નમૂનાઓ, ચામડું, માંસ અને તેનાં ઉત્પાદનો, દૂધનો પાઉડર, સુતરાઉ અને રેશમી કાપડ વગેરેને આ ભ્રમર જીવાત નુકસાન કરે છે.
માદા ભ્રમર એકીસાથે 50થી 65 જેટલાં ઈંડાં મૂકે છે. એક અઠવાડિયામાં તેનું સેવન થતાં ઇયળો બહાર આવે છે. લાંબા કડક વાળથી ઢંકાયેલી આ ઇયળો અત્યંત ચપળ હોય છે. પાછલા ભાગમાં આવેલા વાળનો જથ્થો પૂંછડી જેવો દેખાય છે. ઇયળ પ્રકાશથી દૂર રહે છે. તે 5થી 11 વખત ‘કાંચળી’ ઉતારી મકાનનાં લાકડાં કોરીને પોતે કોશેટો બને છે. વધારે ઉપદ્રવ હોય ત્યારે લાકડું મધપૂડાની જેમ કાણાંવાળું થઈ જાય છે. અનુકૂળ સંજોગોમાં આ કીટકનું જીવનચક્ર 3થી 4 અઠવાડિયાંમાં પૂરું થાય છે. જોકે અમુક સંજોગોમાં જીવનચક્ર ત્રણ વર્ષ સુધી લંબાય પણ ખરું. પુખ્ત કીટકો બદામી કે કાળા રંગના હોય છે, અને તેમનાં શરીરની પૃષ્ઠ બાજુએ સોનેરી કે સફેદ રંગનાં ટપકાં હોય છે.
પી. એ. ભાલાણી
પરબતભાઈ ખી. બોરડ