કાર્પાચિયો, વિત્તોરે

January, 2006

કાર્પાચિયો, વિત્તોરે (Carpaccio, Vittore) (જ. આશરે 1460, વેનિસ, ઇટાલી; અ. 1525/1526, વેનિસ, ઇટાલી) : પ્રારંભિક રેનેસાંસની વેનેશિયન શાખાનો પ્રમુખ ચિત્રકાર. એ લાત્ઝારો બાસ્તિયાનીનો શિષ્ય હતો એવું અનુમાન આજે કરવામાં આવે છે અને એનાં પ્રારંભિક ચિત્રો ઉપર જેન્તિલે બેલિની અને ઍન્તૉનેલો દા મેસિનાનો પ્રભાવ

કાર્પાચિયોનું એક ચિત્ર : ‘મીટિન્ગ ઑવ્ પ્રિન્સ ઇરીયુસ ઍન્ડ સેંટ ઉર્સુલા
ઍન્ડ ધ ડિપાર્ચર ઑવ્ ધ બૅટ્રોથેડ’

જોવા મળે છે. આરંભ કાળની એની ચિત્રકૃતિઓમાંથી સૌથી વધુ જાણીતી છે : ‘સાલ્વાતોર મુન્દી ઍન્ડ ધી ફોર એવાન્જેલિસ્ટ્સ’. સાન્તા ઓર્સોલા કથીડ્રલ માટે 1490માં સેંટ ઉર્સુલાની વાયકા ઉપરથી તેણે ચિત્રો ચીતરવાં શરૂ કર્યાં. આ ચિત્રોથી તેની ખ્યાતિ ચોમેર પ્રસરી. તેમાંથી ‘ડ્રીમ ઑવ્ સેંટ ઉર્સુલા’ કાર્પાચિયોની શ્રેષ્ઠ કૃતિ ગણાય છે. આ પછી 1502થી તેણે વેનિસના સ્કુઓલા દિ સેંટ જ્યૉર્જિયો દેગ્લી શિયાવોની ચર્ચ માટે સેંટ જેરોમના જીવનપ્રસંગોને આલેખતી ચિત્રમાળા ચીતરવી શરૂ કરી. એ પછી 1504માં કાર્પાચિયોએ સ્કુઓલા દેગ્લી આલ્બાનેસી ચર્ચ માટે વર્જિન માતા મેરીના જીવનપ્રસંગો આલેખતી ચિત્રમાળા ચીતરી; પણ દુર્ભાગ્યે, આ છેલ્લી ચિત્રમાળા નષ્ટ પામી ચૂકી છે.

1511થી 1520 વચ્ચે કાર્પાચિયોએ સેંટ સ્ટિફનના જીવનપ્રસંગો આલેખતી ચિત્રમાળા ચીતરી; પરંતુ આ પણ આજે નષ્ટ પામી ચૂકી છે. એ પછી તેણે સેન્ટ જિયોબે ચર્ચ માટે ‘પ્રેઝન્ટેશન ઇન ધ ટેમ્પલ’ નામનું વેદીચિત્ર તૈયાર કર્યું.

કાર્પાચિયોનાં ચિત્રોમાં સર્જાતા વાતાવરણની અને તેજસ્વી સ્થાપત્યની ઓગણીસમી સદીમાં જોન રસ્કિને પ્રશસ્તિ કરી. કાર્પાચિયો નગરચિત્રણાનો (cityscapes) વેનિસ નગરમાં પ્રણેતા હતો.

અમિતાભ મડિયા