કાર્ડિનલ ન્યૂમન (જ. 21 ફેબ્રુઆરી 1801, લંડન; અ. 11 ઑગસ્ટ 1890, એડ્ગ-બેસ્ટન) : અંગ્રેજી ગદ્યસાહિત્યના વરિષ્ઠ લેખક, કવિ અને નવલકથાકાર, તત્વચિંતક, વક્તા, પત્રકાર તથા ધર્મવેત્તા.
1821માં ન્યૂમન ઑક્સફર્ડની ટ્રિનિટી કૉલેજમાંથી સ્નાતક થયા બાદ ઑરિયલ કૉલેજના ફેલો થયા. પુરોહિતદીક્ષા લીધા પછી તે 1827માં ઑક્સફર્ડ સેંટ મેરિસ ચર્ચના પાદરી તરીકે નિમાયા. પંદર વરસની ઉંમરે થયેલી આધ્યાત્મિક અનુભૂતિને લીધે જીવનભર બ્રહ્મજિજ્ઞાસુ રહ્યા હતા.
ખ્રિસ્તી ધર્મના ઍંગ્લિકન સંપ્રદાયના સિદ્ધાંતો તથા ધારાધોરણો એમની સત્યપિપાસા છિપાવી શક્યાં નહિ. યુરોપના અન્ય દેશોની મુસાફરી કર્યા પછી તેમણે કે. એચ. ફ્રોડ, જે. કેબલ, એચ. જે. રોસ જેવા બુદ્ધિજીવીઓ સાથે ‘ઑક્સફર્ડ મૂવમેન્ટ’ નામે જગજાહેર થયેલું ધાર્મિક આંદોલન જગાવેલું. તેને વાચા આપવા માટે તેમણે ‘ટ્રૅક્ટ્સ ફૉર ધ ટાઇમ્સ’ નામની નિબંધશ્રેણી ક્રમશ: પ્રકાશિત કરવા માંડી. તેને લીધે ઍંગ્લિકન સંપ્રદાયના એમના કેટલાક મિત્રો પણ એમની વિરુદ્ધ થઈ ગયા. ન્યૂમને 1845માં ઍંગ્લિકન સંપ્રદાય છોડીને કૅથલિક સંપ્રદાયનો સ્વીકાર કર્યો. 1851થી 1859 સુધી તેઓ ડબ્લિન યુનિવર્સિટીના કુલપતિ થયા હતા.
1879માં પોપ લિયો તેરમાએ તેમને કાર્ડિનલના હોદ્દા માટે પસંદ કર્યા. ઑરાટોરિયન પુરોહિતસંઘની સંસ્થામાં ધ્યાન, લેખન, બોધ, પીડિતોની સેવા વગેરે કાર્યોમાં તે પરોવાયેલા રહ્યા.
એમની કૃતિઓના અનુવાદ ઘણી ભાષાઓમાં થઈ ચૂક્યા છે. તેમના પ્રાર્થનાગીત ‘લીડ કાઇન્ડ્લી લાઇટ’નો ગુજરાતીમાં નરસિંહરાવ દિવેટિયાએ ‘પ્રેમળ જ્યોતિ’ શીર્ષકથી અનુવાદ કર્યો છે. 1834-43ના સમયગાળાના એમના ઉપદેશના સંગ્રહોના આઠ ભાગો પ્રકાશિત થયા છે. એમનાં પ્રવચનોના સંગ્રહો અંગ્રેજી સાહિત્યના વક્તૃત્વના ઉત્તમોત્તમ નમૂના ગણાય છે.
‘લૉસ ઍન્ડ ગેઇન’ અને ‘કલીસ્તા’ એમની બે મુખ્ય નવલકથાઓ છે. 1845માં તથા 1870માં અનુક્રમે પ્રકાશિત થયેલા ‘એન એસે ઑન ધ ડેવલપમેન્ટ ઑવ્ ડૉક્ટ્રિન’ તથા ‘એસે ઇન ઍઇડ્ ઑવ્ એ ગ્રામર ઑવ્ અસેન્ટ’ જેવાં પુસ્તકોએ આખા ખ્રિસ્તી જગતને હચમચાવી મૂકેલું. 1864માં પ્રકાશિત થયેલી એમની આત્મકથા ‘એપોલજિયા પ્રો વીતા સુવા’ સત્યની શોધની કથા છે. લૅટિન ભાષાના આ શીર્ષકનો ભાવાર્થ ‘સત્યના પ્રયોગો’ થાય છે. ડબ્લિન યુનિવર્સિટીના કુલપતિ હતા ત્યારે પ્રકાશિત થયેલી ‘આઇડિયા ઑવ્ અ યુનિવર્સિટી’ જેવી કૃતિઓ આજે પણ કેળવણીની ઉદાત્ત ભાવનાનો બોધ આપે છે.
ઈશાનંદ