કાર્ડિફ : બ્રિટનના વેલ્સ પ્રદેશનું પાટનગર તથા તાફ, રિમ્ની અને ઇલી નદીઓના મુખ પર આવેલું મહત્વનું બંદર. કાર્ડિફ એ પરગણું પણ છે. તે 510 29’ ઉ.અ. અને 30 13’ પ.રે.ની આજુબાજુનો 140 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. બ્રિસ્ટલની ખાડીને મળતી સેવર્ન નદીનાળમાંનું તે મુખ્ય બંદર ગણાય છે.

આ શહેરમાં ઑટોમોબાઇલના તેમજ વીજાણુ-સાધનોના ઉદ્યોગો વિકસેલા છે. કાર્ડિફના આશરે 82% લોકો ઉદ્યોગોમાં રોકાયેલા છે. આ શહેર શિક્ષણ, ધંધાકીય પ્રવૃત્તિઓ તથા આરોગ્યસેવાઓ માટે પણ જાણીતું છે. 1920 સુધી આ બંદરેથી કોલસા અને લોખંડ-પોલાદની નિકાસ તથા લાકડાં, અનાજ, આટો, તમાકુ, માંસ અને ખાટાં ફળોની આયાત થતી હતી. કાર્ડિફ શહેર માટેનું હવાઈ મથક ત્યાંથી નૈર્ઋત્ય તરફ 19 કિમી.ને અંતરે આવેલું છે.

આ શહેરના ઇતિહાસની તવારીખ રોમનકાળ સુધી જાય છે. આજનું શહેર 18મી સદીના નૉર્મન કિલ્લાની આજુબાજુ વિકસતું ગયેલું છે. 1947 પછી તેનો વિકાસ વધવા લાગ્યો છે. યુનિવર્સિટી ઑવ્ વેલ્સ, ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ ઍન્ડ ટેકનૉલૉજી, નૅશનલ સ્કૂલ ઑવ્ મેડિસિન તથા યુનિવર્સિટી કૉલેજ ઑવ્ સાઉથ વેલ્સ આ શહેરમાં આવેલાં છે. શહેર તથા પરગણાની સંયુક્ત વસ્તી 4,81,082 (2021) જેટલી છે.

શિવપ્રસાદ રાજગોર

નીતિન કોઠારી