કાર્ડિગન ઉપસાગર : ઇંગ્લૅન્ડના પરગણા વેલ્સની પશ્ચિમે આવેલી આયરિશ સમુદ્રની સૃષ્ટિસૌંદર્યથી ભરપૂર નયનરમ્ય ખાડી. દક્ષિણી નૈર્ઋત્યથી ઉત્તર ઈશાન સુધી તે આશરે 105 કિમી. લાંબી છે. ઉત્તરે તે લીન દ્વીપકલ્પથી તથા દક્ષિણે સેન્ટ ડેવિડના દ્વીપકલ્પથી ઘેરાયેલી છે. તેના ઉત્તર છેડે ટ્રેમેડૉગનો અખાત અને પશ્ચિમ તરફ સેન્ટ જ્યૉર્જની ખાડી આવેલાં છે. એડન અને નિયોન નદીઓના સંગમ પછીથી તૈયાર થતો નદી નામના વિસ્તાર સાથે બરમાઉથ બંદર સંકળાયેલું છે.

તેના ક્ષેત્રમાં બે રાષ્ટ્રીય ઉદ્યાનો, સ્નોડોનિયા અને પેમ્બ્રોકશાયરના કિનારાના વિસ્તારો તથા સીધા ઊભા ખડકો આવેલા છે. તેના કિનારાના વિસ્તારમાં આવેલાં મુખ્ય શહેરોમાં ઍબરીસ્ટવાઇથ, ફિશગાર્ડ તથા પ્રવાસધામોમાં ઇંગ્લૅન્ડના પૂર્વ પ્રધાનમંત્રી ડેવિડ લૉઇડ જ્યૉર્જના વતન ક્રિસિએથનો તથા પાઉલહેલીના વિહારધામનો સમાવેશ થાય છે. ઓગણીસમી સદીમાં મહાન અંગ્રેજ કવિ વિલિયમ વર્ડ્ઝવર્થ તથા લેખક જ્હૉન રસ્કિને જે પ્રવાસધામમાં આશ્રય લીધેલો હતો તે બરમાઉથ પણ આ ઉપસાગરના પ્રદેશમાં આવેલું છે. તેનો સમગ્ર કિનારો ખાંચાખૂંચીવાળો, આડાઅવળા કાપા પાડતો ને સર્પાકાર દેખાતો હોવાથી તથા રેતીના ઢૂવાવાળો હોવાથી તેના નૈસર્ગિક સૌંદર્યમાં સવિશેષ વૃદ્ધિ થયેલી છે. વેલ્સ અને આયર્લૅન્ડ વચ્ચે ફેરી સેવા કાર્યરત છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે