કાર્ટર, એલિયટ (જ. 11 ડિસેમ્બર 1908, ન્યૂયૉર્ક નગર, અમેરિકા; અ. 5 નવેમ્બર 2012, ન્યૂયૉર્ક નગર) : આધુનિક અમેરિકન સંગીતકાર અને સ્વરનિયોજક. એકસાથે એકથી વધુ લય પ્રયોજવાની તેમની મૌલિક શૈલી ‘પૉલિરીધમ’ને લીધે તેમને વિશ્વભરમાં ખ્યાતિ મળી.
ધનાઢ્ય પરિવારમાં જન્મેલા કાર્ટરે હાર્વર્ડ યુનિવર્સિટીમાં અંગ્રેજી સાહિત્યમાં સ્નાતકની પદવી હાંસલ કરી. પણ બાળપણથી જ સંગીતની લાગેલી લગનીએ હવે જોશભેર માથું ઊંચક્યું. બાળપણમાં 1924થી 1925 દરમિયાન મહાન અમેરિકન સંગીતકાર અને સ્વરનિયોજક ચાર્લ્સ આઇવ્ઝ તેમના પડોશી હતા, જેનો લાભ તેમને મળેલો. તેમણે પ્રસિદ્ધ બ્રિટિશ સંગીતકારો અને સ્વરનિયોજકો વૉલ્ટર પિસ્ટોન અને ગુસ્તાવ હૉલ્સ્ટ હેઠળ સંગીતનું શિક્ષણ લીધું હતું. પૅરિસ જઈ સંગીતકાર નાદિયા બૂલાન્જર હેઠળ પણ સંગીતનો વધુ અભ્યાસ કર્યો. ગ્રીક લોકસંગીતનો પ્રભાવ કાર્ટરના મૌલિક સંગીત પર પહેલેથી જ હતો; જેમાં ગાયકવૃંદ તથા વાદ્યવૃંદ માટેની – એમ બે પ્રકારની કૃતિઓ સમાવેશ પામે છે. 1942માં તેમણે લખેલી તેમની પ્રથમ સિમ્ફની તેમની કારકિર્દીના આરંભકાળની શ્રેષ્ઠ કૃતિ ગણાય છે. એ પછી એનાપૉલિસ ખાતે સેન્ટ સ્ટિફન કૉલેજમાં કાર્ટરે ગ્રીક ભાષાસાહિત્ય, ગણિત, સંગીત, ફિલસૂફી તથા ભૌતિકશાસ્ત્ર ભણાવવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન તેમણે બે પિયાનો અને પુરુષોના ગાયકવૃંદ માટે ‘ધ ડિફેન્સ ઑવ્ કૉરિન્થ’ નામની કૃતિ લખી. ફ્રાંસ્વા રાબેલાઈ(Francois Rabelais)ના આ જ નામના નાટકને કાર્ટરે અહીં સંગીતબદ્ધ કર્યું હતું.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કાર્ટરે અમેરિકાની ઑફિસ ઑવ્ વૉર ઇન્ફર્મેશનમાં સેવાઓ આપી. આ દરમિયાન પણ તેઓ ઉત્તમ કૃતિઓ લખતા રહ્યા. હવે તેમની કૃતિઓમાં કાઉન્ટરપૉઇન્ટ (સહઅસ્તિત્વ ધરાવતી સૂરાવલિઓની ગૂંથણી) ખૂબ સંકુલ થવા માંડ્યું.
આ તબક્કાની તેમની શ્રેષ્ઠ કૃતિઓમાં એક પિયાનો-સૉનાટા (1945-46), એક ચેલો-સૉનાટા (1948), સ્ટ્રિન્ગ-ક્વાર્ટેટ નં. 1 (1951) અને સ્ટ્રિન્ગ-ક્વાર્ટેટ નં. 2 (1959) સમાવેશ પામે છે. સ્ટ્રિન્ગ-ક્વાર્ટેટ નં. 2 માટે તેમને (સંગીતનું) પુલિત્ઝર પ્રાઇઝ મળ્યું હતું.
ત્યારબાદ કાર્ટર એક પછી એક લોકપ્રિય કૃતિઓ લખતા ગયા : ‘વેરિયેશન્સ ફૉર ઑર્કેસ્ટ્રા’ (1954-55), બે ચેમ્બર ઑર્કેસ્ટ્રા, પિયાનો અને હાર્પિસ્કૉર્ડ માટે ‘ડબલ કન્ચર્ટો’ (1961) એક ‘પિયાનો-કન્ચર્ટો’ (1964-65), એક ‘કન્ચર્ટો ફૉર ઑર્કેસ્ટ્રા’ (1970), ‘બ્રાસ-ક્વિન્ટેટ’ (1974), ‘ડ્યુઓ ફૉર વાયોલિન ઍન્ડ પિયાનો’ (1975), ‘સિમ્ફની ફૉર થ્રી ઑર્કેસ્ટ્રા’ (1977) તથા ‘સ્ટ્રિન્ગ-ક્વાર્ટેટ નં. 3’ (1973). ‘સ્ટ્રિન્ગ-ક્વાર્ટેટ નં. 3’ માટે તેમને ફરી એક વાર પુલિત્ઝર પ્રાઇઝ મળ્યું હતું. તેમણે એલિઝાબેથ બિશપનાં કાવ્યોને પણ સંગીતમાં ઢાળ્યાં છે. તેમને 1993માં ગ્રેમી ઍવૉર્ડ મળ્યો હતો.
અમિતાભ મડિયા