કાર્ટર, જિમી (જ. 1 ઑક્ટોબર 1924, પ્લેઇન્સ, જ્યૉર્જિયા) : અમેરિકાના ઓગણચાલીસમા પ્રમુખ (1977-1980). શરૂઆતમાં નૌકાશાળામાં અભ્યાસ કરી નૌકાદળની ડૂબકનૌકામાં કામ કર્યું. પિતાના અવસાન પછી મગફળીના વાવેતરના કામમાં પરોવાયા. રાજકીય મહત્વાકાંક્ષાથી પ્રેરાઈને તે જ્યૉર્જિયા રાજ્યની સેનેટમાં ચાર વર્ષ (1962-66) માટે ચૂંટાયા. રાજ્યના ગવર્નરપદની ચૂંટણીમાં પણ ઝંપલાવ્યું. 1966માં સફળ ન થતાં તેમણે ફરીને પ્રયત્ન કર્યો અને 1970થી 1975 દરમિયાન જ્યૉર્જિયાના ગવર્નર બન્યા.

જિમી કાર્ટર

અમેરિકાના પ્રમુખ થવા માટેના તેમના પ્રયત્નો તેમણે 1972થી શરૂ કરી દીધા હતા અને તેને માટે દક્ષિણનાં રાજ્યોમાં તેમણે તે માટેની જરૂરી રાજકીય ભૂમિકાની માંડણી કરી હતી. ખાસ કરીને અશ્વેત લોકો(જેઓ દક્ષિણમાં મોટા પ્રમાણમાં હતા)ના પ્રશ્નો વિશે જાગૃતિ બતાવીને તેમના ટેકા અને સહકારનું વાતાવરણ તેમણે ઊભું કર્યું હતું. 1976ના ચૂંટણીજંગમાં તેમણે ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર તરીકેનું સ્થાન મેળવી લીધું અને ઉત્તરમાંથી વૉલ્ટર મોન્ડાલને ઉપપ્રમુખ તરીકેની ઉમેદવારી માટે પસંદ કર્યા.

આ ચૂંટણીનો ઐતિહાસિક સંદર્ભ એ હતો કે અમેરિકા 1776ની તેની પ્રથમ સ્વાતંત્ર્યઘોષણાની બસોમી જયન્તી ઊજવી રહ્યું હતું. બીજી તરફ નિકસનના સમયમાં બનેલા વૉટરગેટ કૌભાંડ તથા વિયેટનામના યુદ્ધના ઓળા ચારે બાજુ પથરાયેલા હતા. અમેરિકાની પ્રજા પરિવર્તન ઇચ્છી રહી હતી, જેમાં જિરાલ્ડ ફૉર્ડની સામે કાર્ટર ચૂંટણીમાં વધુ આકર્ષક નીવડ્યા. જાન્યુઆરી, 1977માં કાર્ટરે સત્તાનાં સૂત્રો સંભાળ્યાં.

સત્તા ઉપર આવ્યા પછી કાર્ટરે વિયેટનામના યુદ્ધમાંથી દૂર રહેલાઓને માફી બક્ષી, ઊર્જા અને શિક્ષણના નવા વિભાગો શરૂ કર્યા તથા કૅબિનેટમાં બે મહિલાઓનો સમાવેશ કર્યો. આર્થિક ક્ષેત્રે રૂઢિચુસ્ત નીતિ અખત્યાર કરવા છતાં ફુગાવાનું પ્રમાણ ઘણું વધ્યું તેમજ કૉન્ગ્રેસ સાથેના તેમના સંબંધો બગડતા રહ્યા.

વિદેશનીતિના ક્ષેત્રે માનવહકના પ્રશ્નને કાર્ટરે અગ્રિમતા આપી; પરંતુ તે અંગે તે બહુ સફળ થઈ શક્યા નહિ. અન્ય સિદ્ધિઓમાં ઇઝરાયલ અને ઇજિપ્ત વચ્ચેની શાન્તિ સમજૂતીને (26 માર્ચ, 1979) ગણાવી શકાય. સામ્યવાદી ચીનને તેમણે વિધિપુર:સર માન્યતા આપી તથા પનામા નહેરનો વહીવટ 2000ની સાલમાં પનામાને સુપરત કરવાની સમજૂતી કરી. રશિયા સાથે SALT (Strategic Arms Limitation Talks) IIની સંધિ કરવામાં તેઓ સફળ થયા; પણ ડિસેમ્બર, 1979માં રશિયાના અફઘાનિસ્તાનમાંના લશ્કરી હસ્તક્ષેપ પછી કૉન્ગ્રેસે તે કરારને માન્યતા આપવાનો ઇનકાર કર્યો. રશિયાના આ પગલાને કારણે ઠંડા યુદ્ધમાં આવી રહેલી ઓટ અને નરમાશ એકાએક દૂર થઈ અને તેનું નવું પ્રકરણ શરૂ થયું. કાર્ટરે રશિયાને અનાજ નિકાસ કરવાનું બંધ કર્યું તથા મૉસ્કોમાં રમાતી ઑલિમ્પિક રમતોનો બહિષ્કાર કર્યો.

ઈરાનના શાહની વિદાય પછી ઈરાન અને અમેરિકા વચ્ચેના સંબંધો કથળ્યા અને બાનમાં રાખેલા અમેરિકાના નાગરિકોને છોડવાનો ઈરાને ઇન્કાર કર્યો. આ નાગરિકોને છોડાવવા માટે કાર્ટર તરફથી અચાનક છત્રીદળ ઉતારીને લેવાયેલું સાહસિક પગલું તદ્દન નિષ્ફળ નીવડ્યું અને કાર્ટરની મોટી માનહાનિ થઈ. 1980ની રોનાલ્ડ રેગન સાથેની ચૂંટણીમાં તેમની હાર થઈ. જે દિવસે રેગને સત્તા ગ્રહણ કરી (જાન્યુ 20, 1980) તે જ દિવસે ઈરાને અમેરિકાના નાગરિકોને છૂટા કર્યા.

દેવવ્રત પાઠક