કારોં, ઍન્તૉની (જ. આશરે 1521,બુવાઈ [Beauvais], ફ્રાંસ; અ. 1519, પેરિસ, ફ્રાંસ) : મેનેરિસ્ટ શૈલીમાં ચિત્ર સર્જન કરનાર ફ્રાંસના સોળમી સદીના અગ્રણી રેનેસાંસ ચિત્રકાર. મૅનરિસ્ટ શૈલીમાં ચિત્રો ચીતરનાર ઇટાલિયન રેનેસાંસ-ચિત્રકાર ફ્રાન્ચેસ્કો પ્રિમાતિચિયો (Francesco Primaticcio) હેઠળ તેણે મદદનીશ ચિત્રકાર તરીકે 1540થી 1550 સુધી તાલીમ લીધી. ફ્રાંસના રાજા ચાર્લ્સ નવમાનું અવસાન થતાં નવા રાજા હેન્રી ત્રીજાએ કારોંને પોતાની માતા અને ઇટાલિયન પિયર ધરાવતી ફ્રાંસની રાજમાતા કૅથરિન દ મેડિચીના ભવ્ય વૈધવ્ય જીવનના નિરૂપણનું કામ સોંપ્યું. ‘સ્ટૉરી ઑવ્ આર્તેમિસ’ નામે જાણીતી બનેલી આ ચિત્રશ્રેણી પરથી પછીથી શેતરંજીઓ પણ વણાવવામાં આવી. આ ઉપરાંત કારોંએ હેન્રી ત્રીજાના દરબારના જીવનને આલેખતાં ચિત્રો પણ ચીતર્યાં. તેમાં વૈભવી ઠાઠમાઠથી દોમદોમ સાહ્યબીમાં જીવતા રાજા હેન્રી ત્રીજાની ભવ્ય ઉજાણીઓ, મિજબાનીઓ, ઑર્કેસ્ટ્રાઓ ધરાવતા સંગીતના જલસા, આદિનું ભવ્ય નિરૂપણ જોવા મળે છે. એ પછી કારોંએ ‘હિસ્ટરી ઑવ્ ધ કિન્ગ્ઝ ઑવ્ ફ્રાંસ’ નામની ચિત્રશ્રેણી ચીતરી. તેમાં ફ્રેંચ રાજાઓની ક્રુસેડનું ભવ્ય આલેખન જોવા મળે છે. આ ઉપરાંત ગ્રેકોરોમન પુરાકથાઓ અને કલ્પનોત્થ વિષયો ઉપર પણ તેણે ચિત્રો ચીતર્યાં છે. આ છેલ્લી શ્રેણીમાં બે ચિત્રો ‘ઑગસ્ટસ ઍન્ડ ધ ટિબર્ટાઈન સિબિલ’ તથા ‘ઍસ્ટ્રૉલૉજર્સ સ્ટડિઇન્ગ ઍન ઇક્લિપ્સ’ શ્રેષ્ઠ ગણાય છે.

ઍન્તોની કારોંનું ચિત્ર : ‘ઑગસ્ટસ ઍન્ડ ધ ટિબર્ટાઇન સિબિલ’

કારોંનાં ચિત્રોની માનવઆકૃતિઓ વાસ્તવ કરતાં વધુ પડતી લાંબી અને મરડાઈ ગયેલ અંગભંગિ ધરાવતી જોવા મળે છે. રંગો અને પરિપ્રેક્ષ્યની તેની ગોઠવણીમાં અતિશયોક્તિ જોવા મળે છે, તેથી તેમાં મૌલિકતા જોવાનું વલણ છે.

અમિતાભ મડિયા