કારાણી, દુલેરાય લખાભાઈ (જ. 26 ફેબ્રુઆરી 1896, મુંદ્રા (કચ્છ); અ. 26 ફેબ્રુઆરી 1989) : લોકસાહિત્યના સંશોધક, સંગ્રાહક અને સર્જક. ‘જળકમળ’, ‘હસતારામ’ ઉપનામો. ‘કચ્છના મેઘાણી’ તરીકે સુખ્યાત. અભ્યાસ ધોરણ દસ સુધી. કચ્છી ભાષા ઉપરાંત ગુજરાતી, ઉર્દૂ, સિંધી, વ્રજ અને અંગ્રેજી જેવી ભાષાઓ સ્વપ્રયત્ને શીખ્યા. કારકિર્દીનો આરંભ શિક્ષક તરીકે. પાછળથી બઢતી મળતાં નાયબ શિક્ષણાધિકારી. નિવૃત્તિ પછી સોનગઢના જૈન છાત્રાલયમાં ગૃહપતિ.
કચ્છ અને કચ્છની સંસ્કૃતિ માટે અનર્ગળ પ્રીતિ. સતત પરિભ્રમણ કરીને કચ્છના આંતર-બાહ્ય વ્યક્તિત્વને પામવાનો તેમણે પ્રયત્ન કર્યો છે. પરિણામે ‘કારાણી કાવ્યકુંજ’ (ભા. 1થી 4), ‘કચ્છની રસધાર’ (1થી 5), ‘સોનલ બાવની અથવા ઘરભંગજી ગાથા’, ‘જામ ચનેસર’, ‘જામ રાવળ’, ‘જગડૂદાતાર’, ‘જામ અબડો’, ‘ઝારેજો યુદ્ધ’ વગેરે વિવિધ વિષય અને સ્વરૂપની અનેક કૃતિઓ તેમની પાસેથી મળી.
‘કચ્છ કલાધર’ના બે ભાગ અને ‘કચ્છના સંતો અને કવિઓ’ના બે ભાગ તેમની સંશોધન-સંપાદનશક્તિના દ્યોતક ગ્રંથો છે. ‘કચ્છી-ગુજરાતી શબ્દકોશ’ અને ‘કચ્છી કહેવતો’ વગેરે અન્ય ઉલ્લેખપાત્ર સંપાદન-સંશોધન. કચ્છના વિશિષ્ટ સંસ્કાર-સંસ્કૃતિને ચરિતાર્થ કરતા બીજા સંગ્રહો પણ તેમણે આપ્યા છે. કચ્છના ‘ઘરદીવડા’રૂપ કારાણીએ કચ્છને અને એ વડે ગુજરાતને પામવાનો ને પ્રસારવાનો મહત્વનો સાહિત્યિક-સાંસ્કૃતિક ઉદ્યમ કર્યો છે.
પ્રવીણ દરજી