કારા, મણિબહેન

January, 2006

કારા, મણિબહેન (જ. 1905, મુંબઈ; અ. 1979) : ભારતનાં અગ્રણી મજૂરનેતા. કાપડનો વ્યાપાર કરતા ઉચ્ચ મધ્યમવર્ગી પરિવારમાં જન્મ. પિતા આર્યસમાજના સભ્ય અને પ્રગતિશીલ વિચારસરણી ધરાવતા હતા. સમાજસુધારણાના તેઓ પ્રખર હિમાયતી હતા. માધ્યમિક શિક્ષણ મુંબઈની સેન્ટ કોલંબા હાઈસ્કૂલમાં લીધું હતું. મેટ્રિકની પરીક્ષામાં નપાસ થવાથી પિતાએ મણિબહેનને આગળ ભણવા ઇંગ્લૅન્ડ મોકલ્યાં, જ્યાં તેમણે બર્મિંગહામ યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા ઇન સોશ્યલ સાયન્સનો અભ્યાસક્રમ પૂરો કર્યો. ભારત આવ્યા પછી આર્થિક રીતે સ્વતંત્ર બનવાના હેતુથી તેમણે મુંબઈમાં પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યું. આ પ્રેસમાં ભારતના અગ્રણી ક્રાંતિકારી રાજકીય ચિંતક એમ. એન. રૉય દ્વારા લિખિત એક પુસ્તિકાના છાપકામના સંદર્ભમાં મણિબહેનનો રૉય સાથે સંપર્ક થયો. રૉયની ધરપકડ કરવા માટે પોલીસ તેમની શોધમાં હતી ત્યારે મણિબહેને તેમને ગુપ્ત રીતે આશ્રય આપેલો. રૉયના પક્ષ દ્વારા પ્રકાશિત થતી ‘ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયા’ નામની પત્રિકાનું છાપકામ પોતાના પ્રેસમાં કરવાની જવાબદારી મણિબહેને સ્વીકારી અને એ રીતે રાજકારણમાં તેમનો પ્રવેશ થયો. ભારતની મજૂર ચળવળના પિતા ગણાતા એન. એમ. જોશી સાથે મજૂર સંગઠનમાં કામ કરવાથી તેમણે તેવા સંગઠન સાથે સંકળાયેલ કેટલીક ખૂબીઓ આત્મસાત્ કરી અને મુંબઈના ભાયખળા વિસ્તારમાં રહેતા મુંબઈ નગરપાલિકાના સફાઈ-કામદારોની વસ્તીમાં તેઓ મજૂર કાર્યકર્તા તરીકે દાખલ થયાં. ત્યાં તેમણે બાળકો અને સ્ત્રીઓ માટે સ્વાસ્થ્ય-કેન્દ્ર અને સમાજકલ્યાણ-કેન્દ્રની સ્થાપના કરી તથા સ્વચ્છતા અને સાક્ષરતાની ઝુંબેશ ઉપાડી. ‘મધર્સ ક્લબ’ તરીકે ઓળખાતા આ સ્વાસ્થ્ય-કેન્દ્ર દ્વારા ગુલામીપ્રથા અને દેવાની બદી સામે પણ ચળવળ શરૂ કરી. મણિબહેનની ર્દઢ માન્યતા હતી કે મજૂર-મંડળો શ્રમિકોના માત્ર આર્થિક કલ્યાણ માટે જ નહિ, પરંતુ તેમના સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને રાજકીય ઉત્થાન માટેનું એક અસરકારક માધ્યમ બની શકે તેમ છે. તેઓ ન્યાય અને સમતાનાં પ્રખર પુરસ્કર્તા હતાં.

મુંબઈની કાપડ-મિલોમાં કામ કરતા મજૂરોની પ્રગતિ માટે તેમણે કાર્ય કર્યું એટલું જ નહિ, પરંતુ તેમની હડતાળોની આગેવાની પણ પોતાના હાથમાં લીધી. સમય જતાં તેમણે મુંબઈ શહેરના ફેરિયાઓને પણ સંગઠિત કરવાના સક્રિય પ્રયાસ કર્યા હતા. 1932-1960ના ગાળામાં મણિબહેને બે વાર – 1932 અને 1960માં – કારાવાસ પણ ભોગવ્યો હતો. 1932માં તો તેમને એકાંત કેદમાં રાખવામાં આવ્યાં હતાં. પોતાના પ્રભાવ હેઠળના મુંબઈ નગરના શ્રમિકોને ભારતની આઝાદીની ચળવળમાં સક્રિય બનાવવામાં મણિબહેનનો ફાળો નોંધપાત્ર રહ્યો છે.

રૉયિસ્ટ પાર્ટીના સભ્ય હોવાથી મણિબહેનની શ્રમિક નેતા તરીકેની મોટાભાગની કારકિર્દી તે પક્ષના પ્રભાવ હેઠળના ઇન્ડિયન ફેડરેશન ઑવ્ લેબર નામના સંગઠનની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી રહી હતી. આઝાદી પછી મણિબહેનના નેતૃત્વ હેઠળના આ સંગઠનનું સમાજવાદી મજૂર સંગઠન હિંદ મજદૂર સભા (HMS) સાથે વિલીનીકરણ થયું હતું.

મણિબહેન કારા

પશ્ચિમ રેલવે કામદાર સંઘનાં પ્રમુખ તરીકે 1948-79 દરમિયાન તેમણે સેવાઓ આપી હતી. ઉપરાંત, 1963-67 દરમિયાન તેઓ અખિલ ભારતીય રેલવે કામદાર સંઘનાં પ્રમુખ પણ રહ્યાં હતાં. અખિલ ભારતીય મહિલા પરિષદ(AIWC)ની શ્રમિકો સંબંધીની પેટા સમિતિના તથા ભારતની મહિલાઓના સામાજિક સ્થાન અંગેના કમિશનનાં પણ તેઓ સભ્ય હતાં. સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બ્લીનું સભ્યપદ પણ તેમણે શોભાવ્યું હતું.

એક ઉત્તમ વક્તા તરીકે તેમની ખ્યાતિ હતી. તેઓ ગુજરાતી, મરાઠી, હિંદી અને અંગ્રેજી પર પ્રભુત્વ ધરાવતાં હતાં.

તેમના અવસાન પછી તેમની સ્મૃતિમાં હિંદ મજદૂર સભાએ ‘મણિબહેન કારા ઇન્સ્ટિટ્યૂટ’ અને પશ્ચિમ રેલવે કામદાર સંઘે ‘મણિબહેન કારા ફાઉન્ડેશન’ની સ્થાપના કરી હતી.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે