કાન્સ્કોરા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા જેન્શિયાનેસી કુળની એક પ્રજાતિ. તેની 22 જેટલી એકવર્ષાયુ શાકીય જાતિઓ મુખ્યત્વે ભારત, મલાયા, ઑસ્ટ્રેલિયા અને ઉષ્ણકટિબંધીય આફ્રિકામાં વિતરણ પામેલી છે.
તેની ગુજરાતમાં 6 જેટલી જાતિઓ નોંધાઈ છે. ડાંગ, પાવાગઢ, લુણાવાડા અને ગોધરામાંથી Canscora concanensis; ગઢના જૂના કાંગરા પર C. decurrens Dalz.; અંબાજી, બાલારામ જેવા ડુંગરોની ખાડમાં C. diffusa R. Br.; સૌરાષ્ટ્રના જૂના કિલ્લાઓની દીવાલ પર C. khandalensis San. અને C. perfoliata Lam. અને ઘાસનાં ખેતરોમાં બધે C. pauciflora Dalz. મળે છે.
C. decussata Schult. (સં. શંખપુષ્પી, દંડોત્પલા; હિં. શંખફૂલી, મ. સંકવેલ; બં. શંખાવલી; ગુ. ફૂદડિયું, ઝીણકું, અવતરણિયું, કરિયાતું.) નામની જાતિ સમગ્ર ભારતમાં 1,200 મી.ની ઊંચાઈ સુધી ચોમાસામાં ભેજવાળી જમીન પર થાય છે. તે લગભગ 30 સેમી. ઊંચો છોડ છે. તેનાં પર્ણો સાદાં, સંમુખ, લાંબાં, તીખાં અને તૈલી હોય છે. તેનાં પુષ્પો સફેદ કે આછા ગુલાબી હોય છે.
આયુર્વેદ અનુસાર તે દીપન, રોચક, સારક, શામક અને બલ્ય છે. તે પોષણક્રિયાઓમાં પુન:સ્થાપક છે. ઉન્માદરોગમાં 20 ગ્રા.થી 40 ગ્રા. સ્વરસ પિવરાવવાથી દસ્ત સાફ આવે છે અને મદ ઊતરી જાય છે. તેનાં મૂળ કબજિયાત, ગુલ્મ અને આફરા પર વપરાય છે. વનસ્પતિનો તાજો રસ ગાંડપણ (insanity), અપસ્માર (epilepsy) અને ચેતાતંત્રની નબળાઈ(debility)માં આપવામાં આવે છે.
C. diffusa સમગ્ર ભારતમાં થાય છે અને C. decussataની અવેજીમાં ઉપયોગમાં લેવાય છે.
બળદેવભાઈ પટેલ