કાન્સોદરિયા, રતિલાલ (જ. 1961, જિલ્લો અમરેલી, ગુજરાત) : ગુજરાતના શિલ્પી. 1984માં વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાં શિલ્પના અભ્યાસ માટે વિદ્યાર્થી તરીકે દાખલ થયા. 1989માં શિલ્પનો ડિપ્લોમા તથા 1990માં તેનો પોસ્ટ ડિપ્લોમા મેળવ્યો. અહીં છાત્પર, રજનીકાન્ત પંચાલ તથા રાઘવ કનેરિયા જેવા પીઢ શિલ્પીઓએ શિક્ષકો તરીકે કાન્સોદરિયાનું ઘડતર કર્યું. 1991થી 1993 સુધી બે વરસ કાન્સોદરિયાએ આ જ માતૃસંસ્થામાં વ્યાખ્યાતા તરીકે શિલ્પનું શિક્ષણ આપ્યું. 1993થી તેઓ અમદાવાદ ખાતેની શેઠ સી. એન. કલા મહાવિદ્યાલયમાં શિલ્પવિભાગમાં વ્યાખ્યાતા છે.

સૌરાષ્ટ્રના સાવ નાનકડા ગામમાં વિતાવેલ બાળપણની સ્મૃતિઓમાંથી કાન્સોદરિયા શિલ્પસર્જનની પ્રેરણા મેળવે છે. ખાટલો ઢાળીને સૂતેલાં વૃદ્ધો, ઊંઘણશી કૂતરાં, રમતિયાળ ગલૂડિયાં, ચણ ચણતાં પંખીઓ, તેમનો શિકાર કરવાની તાકમાં ફરતી ચતુર બિલાડીઓ, ઢાળી રાખેલાં સૂપડાં, નિસરણીઓ, ખાબોચિયાં, તેમાં છબછબ કરતાં બાળકો આદિ જીવંત આલેખનો કાન્સોદરિયાનાં શિલ્પોમાં જોવા મળે છે. કાંસું (બ્રૉન્ઝ) તેમનું પ્રિય માધ્યમ છે. વળી શિલ્પની સપાટીઓ ઉપર અલગ અલગ રંગના ઢોળ (PATINA) ચઢાવી પડછાયાને વધુ ઘેરા કરી નાટ્યાત્મકતા વધારીને ચોટ ઊભી કરે છે. તેમનાં શિલ્પોમાં માનવીઓ તેમજ પશુઓ બહુધા અત્યંત કૃશકાય અને લંબાવેલાં (elongated) જોવા મળે છે. કાન્સોદરિયા ખુદ આ માટે પ્રસિદ્ધ આધુનિક યુરોપિયન શિલ્પી જ્યોકોમેતી(Giacometti)નો પ્રભાવ સ્વીકારે છે.

અમિતાભ મડિયા