કાદાર, જૂનોસ (જ. 26 મે 1912, ફ્યૂમે, હંગેરી; અ. 6 જુલાઈ 1989, બુડાપેસ્ટ, હંગેરી) : હંગેરીના અગ્રગણ્ય સામ્યવાદી નેતા, પૂર્વ વડાપ્રધાન તથા વાસ્તવદર્શી આર્થિક વિચારસરણીને વરેલા રાજનીતિજ્ઞ. શ્રમજીવી કુટંબમાં જન્મ. મૂળ નામ જૂનોસ સરમાન્ક. યંત્ર-કારીગર તરીકે પ્રશિક્ષણ. 1931માં અમાન્ય સામ્યવાદી પક્ષમાં જોડાયા અને ટૂંક સમયમાં તેની મધ્યસ્થ રાજકીય સમિતિ(politbureau)ના સભ્ય બન્યા. બીજા વિશ્વયુદ્ધ (1939-45) દરમિયાન નાઝીવિરોધી આંદોલનનું આયોજન કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. વિશ્વયુદ્ધ પછી 1945માં બુડાપેસ્ટ શહેર પોલીસના નાયબ અધીક્ષક તથા સામ્યવાદી પક્ષની મધ્યસ્થ અને રાજકીય સમિતિના સભ્ય બન્યા. 1948માં ડાબેરી સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી તથા સામ્યવાદી પક્ષના વિલીનીકરણ દ્વારા રચાયેલી હંગેરિયન વર્કર્સ પાર્ટીની સ્થાપનામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. 1948-50 દરમિયાન આંતરિક બાબતોના મંત્રી બન્યા. તે દરમિયાન ‘ટીટોવાદી’ થવાના આરોપસર મૃત્યુદંડની સજા પામેલા લાસ્લોરાજકના ખટલામાં સંદિગ્ધ ભૂમિકા ભજવી. 1951-53 દરમિયાન ‘ટીટોવાદી’ હોવાના આરોપસર તેમણે પોતે જેલવાસ ભોગવ્યો. 1954માં સામ્યવાદી પક્ષમાં પુન:સ્થાપિત થયા તથા પાર્ટીના બુડાપેસ્ટ એકમના મંત્રી બન્યા. 1956માં ફરી કેન્દ્રીય રાજકીય સમિતિના સભ્યપદે ચૂંટાયા.
ઑક્ટોબર 1956માં હંગેરીમાં રશિયાવિરોધી જનઆંદોલન થયું. તે પછી રશિયાપરસ્ત ઇમ્રે નૅગીના પ્રધાનમંડળમાં મંત્રી બન્યા. સાથોસાથ હંગેરિયન કમ્યુનિસ્ટ પાર્ટીના પ્રથમ સચિવ તરીકે કાર્ય કર્યું. રશિયાના લશ્કરે હંગેરી પર આક્રમણ કર્યું તે પછી કાદારે રશિયાપરસ્ત સરકાર રચી અને ત્યારથી તે દેશની સરકારના તથા પક્ષના સર્વસ્વીકાર્ય નેતા બન્યા. 1956-58 તથા 1961-65ના ગાળામાં દેશના વડાપ્રધાન રહ્યા. રશિયા પ્રત્યે અચળ વફાદારી હોવા છતાં હંગેરીમાંથી રશિયાનું લશ્કર પાછું ખેંચી લેવા માટે તે દેશની સરકારને સમજાવી શક્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન દેશની આંતરિક બાબતોમાં ઉદાર નીતિ અપનાવવામાં આવી હતી. પૂર્વ યુરોપની રશિયાપરસ્ત સત્તા ધરાવતા દેશોમાં સૌથી ઊંચું જીવનધોરણ ધરાવતા દેશ તરીકે હંગેરીએ મેળવેલ સિદ્ધિ માટે કાદારની કુનેહભરી નેતૃત્વશક્તિને કારણભૂત ગણવામાં આવે છે. કૅથલિક ધર્મસંપ્રદાય સાથે સુલેહ સાધી શકનાર તે સમયના તે પ્રથમ સામ્યવાદી નેતા હતા.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે