કાઝી નુરુલ્લાહ શુસ્તરી (જ. 1549, શુસ્તર, ઈરાન; અ. 1610) : ફારસી અને અરબીના વિદ્વાન વિચારક. તેમણે મશહદ શહેરમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું. 1587માં ભારત આવ્યા અને લાહોરમાં સ્થાયી થયા. અકબરે તેમને લાહોરના કાઝી નીમ્યા. શિયાપંથી હોવા છતાં વિદ્વત્તા, ન્યાયવૃત્તિ અને ઉચ્ચ લાયકાતને કારણે વિરોધીઓ પણ તેમનો આદર કરતા.
ઇમામિયા ધર્મશાસ્ત્ર પ્રમાણે કાઝીસાહેબ ધાર્મિક પ્રમાણપત્ર આપતા પરંતુ શાફેઈ, હનફી, માલિકી અને હમ્બલી એ ચારમાંથી કોઈ એક સુન્ની ધર્મશાસ્ત્ર પ્રમાણે લખાયેલી પોતાની કૃતિઓ ગુપ્ત રાખતા કેમકે તેમાં નામાંકિત સુન્નીઓ વિરુદ્ધ સખત ટીકાઓ હતી.
અકબર પછી જહાંગીરના સમયમાં પણ તેમને કાઝીના હોદ્દા પર ચાલુ રાખવામાં આવ્યા. શિયાપંથના ઇતિહાસમાં અસાધારણ મહત્ત્વ ધરાવતી તેમની કૃતિ ‘મજાલિસુલ મોમિનીન’નાં અમુક લખાણોના આધારે તેમને નાસ્તિક ગણી જહાંગીરના હુકમથી 1610માં આગ્રામાં શહીદ કરી દેવામાં આવ્યા; ત્યાં જ તેમનો મકબરો છે. શિયા લોકો તેમને ‘તૃતીય શહીદ’ના બિરુદથી યાદ કરે છે.
તેમની સંખ્યાબંધ કૃતિઓમાં શ્રેષ્ઠ ‘મજાલિસુલ મોમિનીન’ ફારસીમાં છે અને ‘એહકાકુલ હક’ અરબીમાં છે. આ બંનેનું પ્રકાશન થઈ ગયું છે. ‘મજાલિસુલ મોમિનીન’માં શિયા વિદ્વાનો, ધર્મશાસ્ત્રીઓ અને વિચારકો વિશેની વિગતવાર નોંધ છે. તાત્વિક તેમજ સાહિત્યિક રીતે પણ આ પુસ્તક ઉચ્ચ કક્ષાનું છે. તેમાં કાશ્મીર, બલૂચિસ્તાન, ગુજરાત અને દક્ષિણ ભારતની ઇતિહાસપ્રસિદ્ધ શિયા વ્યક્તિઓનું ચરિત્રનિરૂપણ છે.
સૂફીવાદના વિરોધી શિયા ઇમામિયા વિચારકોનો વિરોધ કરીને તેમણે સૂફીવાદની તરફેણ કરી છે.
મહેમૂદહુસેન મોહમદહુસેન શેખ