ઔદ્યોગિક નીતિ (ભારતમાં) : કોઈ એક ચોક્કસ સમયના ગાળા દરમિયાન ઔદ્યોગિક વિકાસના હેતુ પાર પાડવા માટે સરકાર દ્વારા અપનાવાતી નીતિ. આ ર્દષ્ટિએ જોતાં બ્રિટિશ અમલ દરમિયાન ઔદ્યોગિક નીતિનો અભાવ જોવા મળે છે.

તે સમયની આર્થિક વિચારસરણીને પ્રભાવિત કરનારા શિષ્ટ અર્થશાસ્ત્રીઓ મુક્ત વ્યાપારવાદના હિમાયતી હતા, પરંતુ જર્મન અર્થશાસ્ત્રી ફ્રેડરિક લીસ્ટે ‘બાળઉદ્યોગો’(infant industry)ના રક્ષણ માટે રાજ્યની દરમિયાનગીરીની હિમાયત કરી હતી. બ્રિટને પોતાના આર્થિક હિતના રક્ષણાર્થે આ બંને નીતિનો તકવાદી ઉપયોગ કર્યો હતો. પોતાના ઉદ્યોગોના વિકાસ માટે તેઓએ સંરક્ષણાત્મક નીતિનો ઉપયોગ કર્યો હતો, જ્યારે ભારતના ઉદ્યોગોના વિકાસના સંદર્ભમાં પ્રાય: મુક્ત વ્યાપારવાદની નીતિનો અમલ કર્યો હતો.

સરકારે ઉદ્યોગોનો વિકાસ કરવા કોઈ ચોક્કસ રચનાત્મક ઔદ્યોગિક નીતિ અપનાવી ન હતી. આથી બ્રિટિશ શાસનનાં શરૂઆતનાં વર્ષો દરમિયાન ભારતમાં ઉદ્યોગોની સ્થાપના ખાનગી પ્રયાસોને પરિણામે જ થઈ. ભારતમાં હસ્તકલાકારીગરીના પારંપરિક ઉદ્યોગોના નાશ અને આધુનિક મોટા ઉદ્યોગોની શરૂઆત વચ્ચે ગણનાપાત્ર સમયગાળો રહેલો છે.

દુષ્કાળ સમિતિઓની ભલામણો અને જનતાની ચળવળ છતાં સરકારનું ભારતના ઔદ્યોગિક વિકાસ પ્રત્યેનું ઉપેક્ષાભર્યું વલણ બદલાયા વિનાનું રહ્યું. સરકાર મુક્ત અર્થતંત્ર(laissez faire)ની નીતિને વળગી રહી અને રાષ્ટ્રમાં ઉદ્યોગોના વિકાસને પ્રોત્સાહન પૂરું પાડ્યું નહિ. બ્રિટનનાં સ્થાપિત હિતોવાળા મૂડીપતિઓના વિરોધનો સામનો કરવાની બ્રિટિશ સરકારની ઇચ્છા ન હતી. બ્રિટનના ઉદ્યોગપતિઓ ઇચ્છતા હતા કે ભારતના ઔદ્યોગિક વિકાસને ભોગે બ્રિટનની ઔદ્યોગિક વસ્તુની નિકાસને પ્રોત્સાહન મળે. 19મી સદીમાં ભારતીય સરકારની ખરીદીની નીતિ પણ બ્રિટનના ઉદ્યોગોના વિકાસને પ્રોત્સાહક હતી. ભારતમાં પ્રાપ્ય હોય તે વસ્તુઓ બ્રિટનમાંથી મંગાવવામાં આવતી હતી.

પ્રથમ વિશ્વયુદ્ધ(1914-18)ને કારણે આયાતો પર અંકુશ મુકાઈ ગયા હતા. ખૂબ આવશ્યક વસ્તુઓ સિવાયની વસ્તુઓની આયાતો બંધ થઈ ગઈ હતી. રસાયણો અને યંત્રો જેવી ચાવીરૂપ વસ્તુઓની આયાતો બંધ થવાને કારણે ભારતીય ઉદ્યોગો ખૂબ મુશ્કેલીમાં મુકાઈ ગયા. વિદેશી આયાતો લગભગ બંધ થવાને કારણે તથા લશ્કરની જરૂરિયાતોમાં વૃદ્ધિ થવાને કારણે ચાલુ ઉદ્યોગોના ઉત્પાદનમાં વૃદ્ધિ કરવાનું અને અત્યાર સુધી આયાત કરાતી વસ્તુઓના ઉદ્યોગો ભારતમાં સ્થાપવાનું પ્રોત્સાહન ભારતીય ઉદ્યોગપતિઓને પ્રાપ્ત થયું.

તેને પરિણામે વિશ્વયુદ્ધ દરમિયાન અને તે પછીનાં વર્ષોમાં ઉદ્યોગોનો ગણનાપાત્ર વિકાસ થયો તથા અનેક નવા ઉદ્યોગો સ્થપાયા, પરંતુ આ વિકાસ રાષ્ટ્રની જરૂરિયાતોને પહોંચી વળવા પર્યાપ્ત ન હતો. નિયોજકોની સંખ્યામાં પણ વૃદ્ધિ થઈ; પરંતુ યુદ્ધ દરમિયાનનું સંરક્ષિત બજાર હવે રહ્યું ન હતું. પરિણામે વિદેશી રાષ્ટ્રોમાંથી સસ્તી આયાતી વસ્તુઓ આવવા લાગી. ઊંચા વિદેશી હૂંડિયામણના દરને કારણે આયાતોને પ્રોત્સાહન મળ્યું. ભારતના ઉદ્યોગોને વિદેશી ઉદ્યોગો સાથે હરીફાઈમાં ઊતરવું પડ્યું, જેમાં ભારતીય ઉદ્યોગો ટકી શક્યા નહિ. આથી ઉદ્યોગોમાં કટોકટી ઉત્પન્ન થઈ. 1919થી 1929ના સમયગાળા દરમિયાન 4,000 જેટલી કંપનીઓ ફડચામાં ગઈ. ભારતીય જનતાની સતત માંગને કારણે અને યુદ્ધને કારણે સર્જાયેલી પરિસ્થિતિને કારણે સરકારે રાષ્ટ્રના વિકાસને ઝડપી બનાવવાની નીતિ અમલમાં મૂકી અને તેના અનુસંધાનમાં 1916માં એક ઔદ્યોગિક કમિશન(Industrial Commission)ની સ્થાપના કરવામાં આવી, જેને નીચેની બાબતોમાં ભલામણ કરવાનું સૂચવવામાં આવ્યું હતું : (1) ઔદ્યોગિક અને વ્યાપારી ક્ષેત્રે ભારતીય મૂડીને નફાકારક રીતે રોકવા માટેનાં ક્ષેત્રો નક્કી કરવાં, (2) ઔદ્યોગિક વિકાસને ઉપયોગી બને એવાં સીધાં પગલાં સરકાર ભરી શકે કે કેમ તે તપાસવું.

કમિશને ભારતમાં થયેલા અપૂરતા અને એકતરફી ઔદ્યોગિક વિકાસ તરફ ધ્યાન દોર્યું અને ઔદ્યોગિક વિકાસ માટે દેશમાં ઉપલબ્ધ વિશાળ તકોના સંદર્ભમાં ઔદ્યોગિક વિકાસને પ્રેરવા માટે સક્રિય પ્રયાસો કરવા જોઈએ, દેશમાં પ્રાપ્ય હોય એવી કાચી વસ્તુઓનો ઉપયોગ કરતા ઉદ્યોગોના વિકાસ પર ભાર મૂકવો જોઈએ, કાચી વસ્તુઓની ગુણવત્તા સુધારવા સંશોધનો હાથ ધરવાં જોઈએ, ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા ટેકનિકલ શિક્ષણ વધારવું જોઈએ, તે માટે નવી સંસ્થાઓની સ્થાપના કરવી જોઈએ, બૅંકિંગ સહાય વિશે સમિતિ નીમવી જોઈએ અને કેટલાક કિસ્સાઓમાં સરકારે નાણાકીય લોન, શૅરમૂડીમાં ફાળો વગેરે સ્વરૂપે સહાય પણ કરવી જોઈએ, ભારતીય મૂડીરોકાણકારોને તક મળતી હોય એવા જ ઉદ્યોગો પૂરતી સરકારી સહાય મર્યાદિત રાખવી જોઈએ, ઉપરાંત સરકારી અને રેલવેના સ્ટોરની ખરીદી ભારતીય ઉદ્યોગો પાસેથી કરી તેમના વિકાસને પ્રોત્સાહન આપવા વ્યવસ્થા ઊભી કરવી જોઈએ વગેરે ભલામણો કમિશને કરી હતી. રાષ્ટ્રનો ઔદ્યોગિક વિકાસ મહત્વનો છે અને સરકારે ઉદ્યોગોને વિકસાવવા પગલાં ભરવાં જોઈએ. તેના વિના ઉદ્યોગો વિકસી શકશે નહિ એવું તારણ કમિશને વ્યક્ત કર્યું હતું.

1919ના સુધારાને કારણે ઔદ્યોગિક સંશોધન અને ઔદ્યોગિક શિક્ષણ સહિત ઉદ્યોગોના વિકાસનો પ્રશ્ન પ્રાંતીય સરકારોના કાબૂ હેઠળનો વિષય બનાવવામાં આવ્યો. પરંતુ કમિશનની કોઈ પણ ભલામણ પર સંપૂર્ણ અમલ કરાયો ન હતો. કમિશનની ભલામણ અનુસાર કેન્દ્રમાં ફેબ્રુઆરી, 1921માં ઉદ્યોગોનો અલાયદો વિભાગ સ્થાપવામાં આવ્યો, પણ બદલાયેલા સંજોગોમાં તેનો કાર્યપ્રદેશ મર્યાદિત હતો. આ વિભાગે ઔદ્યોગિક પરિષદોનું આયોજન, સરકારી અને ઉદ્યોગોના હિતની ચર્ચા તેમજ ઉદ્યોગ અને શ્રમના મુખપત્રનું પ્રકાશન – આ સિવાય અન્ય કોઈ કામગીરી કરી ન હતી.

ઉદ્યોગોને નાણાકીય સહાય પૂરી પાડવાના અને નિયંત્રિત કરવાના કાયદાઓ સૌપ્રથમ ચેન્નઈ (મદ્રાસ), પંજાબ, બિહાર અને ઓરિસાના પ્રાંતોમાં (1923માં) પસાર કરવામાં આવ્યા. પાછળથી અન્ય પ્રાંતોમાં પણ આવા કાયદાઓ પસાર થયા હતા; પરંતુ જે સહાય પૂરી પડાઈ તે ખૂબ ઓછી અને અપર્યાપ્ત હતી. લોન આપવા માટેની પ્રક્રિયા ખૂબ અટપટી હતી. કેટલાક પ્રાંતોમાં ગ્રામીણ ઉદ્યોગોની સહાય માટે રહેલી તકોની મોજણી કરવા અભ્યાસો હાથ ધરવામાં આવ્યા. આ ઉપરાંત 9 ઇજનેરી કૉલેજો અને કેટલીક ટેકનિકલ સંસ્થાઓ સ્થપાઈ હતી. વધુ તાલીમ માટે વિદેશ જતી વ્યક્તિઓને શિષ્યવૃત્તિ પણ કેટલાક પ્રાંતોમાં ખૂબ અલ્પ પ્રમાણમાં પૂરી પાડવામાં આવી.

વિવિધ પ્રાંતોમાં ઔદ્યોગિક ખાતાંઓ રાષ્ટ્રના ઉદ્યોગીકરણ પર ગણનાપાત્ર અસર પાડી શક્યાં ન હતાં. સાધનોની અપૂરતી ફાળવણી અને નિષ્ણાતોની અપ્રાપ્યતાથી આ વિભાગો પીડાતા હતા. નાણાકીય સાધનોના અભાવને કારણે તેઓ યોગ્ય કામ કરવા અસમર્થ હતાં. વિવિધ પ્રાંતોની નીતિઓ વચ્ચે સંકલનનો અભાવ હતો અને કેન્દ્રીય સરકાર પણ આ સંકલન સ્થાપવામાં નિષ્ફળ નીવડી હતી.

ઉદ્યોગોને સંરક્ષણ (protection) : ભારતીય નાગરિકોએ ચળવળ દ્વારા એવી માંગ કરી કે સરકારે મુક્ત અર્થતંત્ર(laissez faire)ની નીતિ તજીને સંરક્ષણવાદી નીતિ અપનાવવી જોઈએ. વિદેશી હરીફાઈની તીવ્રતા તથા ભારતીય જનતાની માગણીને ધ્યાનમાં લઈને સરકારે યોગ્ય કરવેરા અને જકાતોની નીતિ ઘડવા જકાત પંચ(tariff commission)ની નિમણૂક કરી. 1921-22માં જકાતપંચે પોતાના હેવાલમાં સંરક્ષણ આપવા માટે નીચેનાં સૂચનો રજૂ કર્યાં : (1) ઉદ્યોગને પૂરતો કાચા માલનો પુરવઠો, સસ્તી વીજળી, શ્રમિકોનો પૂરતો પુરવઠો અને વિશાળ ગૃહબજારના લાભો પ્રાપ્ત થતા હોવા જોઈએ, (2) ઉદ્યોગ એવો હોવો જોઈએ કે જે સંરક્ષણ વિના વિકસી ન શકે અથવા તો સંરક્ષણ વિના રાષ્ટ્રના હિતમાં જરૂરી હોય એટલી ઝડપથી વિકસી ન શકે, (3) ઉદ્યોગ એવો હોવો જોઈએ કે જે અંતે વિશ્વ-હરીફાઈમાં ટકી શકે.

આ ઉપરાંત પંચ દ્વારા બ્રિટિશ રાજ્યની વસ્તુઓને અગ્રિમતા આપવાની નીતિ તથા ઉદ્યોગોના વિકાસને પ્રોત્સાહન આપવા કેટલાંક વધારાનાં પગલાં સૂચવવામાં આવ્યાં. વિદેશી તાલીમી નિષ્ણાતોને બદલે સ્વદેશી નિષ્ણાત શ્રમિકો તૈયાર કરવા પર ભાર મુકાયો. રેલવેના નૂરમાં પરિવર્તનો અને વિદેશી ઉદ્યોગોની અયોગ્ય હરીફાઈથી સ્વદેશી ઉદ્યોગોને રક્ષણ આપવાનું સૂચવાયું હતું.

ઇબ્રાહીમ રહીમતુલ્લા, ટી. વી. એસ. ઐયર, જી. ડી. બિરલા, જમનાદાસ દ્વારકાદાસ અને નરોત્તમ મોરારજી જેવા કેટલાક આગેવાનોએ ભેદભાવયુક્ત સંરક્ષણનીતિનો વિરોધ કર્યો. તેમના મંતવ્ય મુજબ સરકારની નીતિ ગૂંચવાડાભરી અને મૂળ હેતુને ભૂલી જતી હતી. તેમણે એવી ભલામણ કરી કે ભારતના હિતને ધ્યાનમાં રાખીને નીતિનો અમલ કરવો જોઈએ તથા એ વિદેશી મૂડી પર નિયંત્રણ મૂકવું જોઈએ. તેમની શાહી પસંદગી(Imperial Preference)ની નીતિની અયોગ્યતા તરફ તેઓએ ધ્યાન ખેંચ્યું હતું.

પંચે ભલામણ કરેલી ભેદભાવમુક્ત સંરક્ષણની નીતિ 1923માં સ્વીકારવામાં આવી, પરંતુ પંચની ભલામણોની વિરુદ્ધ જઈને સરકારે એક તદર્થ (ad-hoc) બૉર્ડની રચના કરી. પંચ દ્વારા મહત્વનાં ગણાયેલાં બિન-રાજકોષીય પગલાંઓનો સરકારે સ્વીકાર કર્યો નહિ.

રાજકોષીય પંચ દ્વારા રજૂ થયેલી સંરક્ષણ પૂરું પાડવા માટેની શરતો ખૂબ જડ હતી. આ ઉપરાંત બ્રિટનની આયાતોમાં શાહી પસંદગીની નીતિને કારણે પણ સંરક્ષણની નીતિની અસરકારકતા ઓછી થઈ ગઈ. જો સંરક્ષણ આપવા માટેની ભૂમિકા અયોગ્ય લાગે તો સરકાર ઉદ્યોગની અરજી રદ કરવાની પણ સત્તા ધરાવતી હતી. નિર્ણયો લેવામાં ગણનાપાત્ર વિલંબ થતો હતો. કેટલાક કિસ્સાઓમાં સરકારે સંરક્ષણ માટે સૂચવેલી પંચની ફૉર્મ્યુલા સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. 1923થી 1939ના સમયગાળામાં વિવિધ ઉદ્યોગોને વિદેશી ઉદ્યોગોની સ્પર્ધા સામે રક્ષણ આપવાની જરૂરિયાત છે કે કેમ તે તપાસવા માટે 51 તપાસો હાથ ધરવામાં આવી હતી. એ તપાસોના અંતે મોટાભાગના દાખલાઓમાં વત્તાઓછા પ્રમાણમાં ઉદ્યોગોને સરકારની સંરક્ષણ નીતિનો લાભ મળ્યો હતો. તેમાંના કેટલાક અગત્યના ઉદ્યોગો આ પ્રમાણે હતા : લોખંડ અને પોલાદ, સુતરાઉ કાપડ, ખાંડ, કાગળ અને કાગળનો માવો, દીવાસળી, મીઠું, રેશમ, મૅગ્નેશિયમ ક્લોરાઇડ વગેરે.

બીજા વિશ્વયુદ્ધને કારણે આયાતો બંધ થઈ ગઈ અને લશ્કરી જરૂરિયાતોની માંગમાં અસાધારણ વૃદ્ધિ થઈ. સરકારી ખરીદીમાં પણ વૃદ્ધિ થઈ, પરિણામે ઉદ્યોગોનો વિકાસ થયો. આયાતોમાં ખૂબ ઘટાડો થયો હોવાને કારણે ઉદ્યોગોએ ખૂબ ઊંચા ભાવો લઈ ઉપભોક્તાઓનું શોષણ કર્યું. જાહેર જનતાએ સરકાર સમક્ષ ભાવનિયંત્રણ અને ઉત્પાદનનિયંત્રણની નીતિ માટેની માંગ બુલંદ કરી. જનતાના દબાણને કારણે અને ઉપસ્થિત થયેલી આર્થિક પરિસ્થિતિના સંદર્ભમાં સરકારે 1943માં નિયંત્રણોની નીતિ અપનાવી.

બીજા વિશ્વયુદ્ધને કારણે સરકારને દેશના ઉદ્યોગીકરણની જરૂરિયાત સમજાઈ. સરકારને લાગ્યું કે ઔદ્યોગિક વિકાસની પ્રક્રિયા પ્રાંતીય સરકારો પર છોડી ન શકાય અને તે માટે કેન્દ્રીય નિયમન આવશ્યક છે; જેથી ઝડપી ઉદ્યોગીકરણ હાથ ધરી શકાય. ઔદ્યોગિક વિકાસની જનતાની માંગને ધ્યાનમાં લઈ કેન્દ્રમાં એક આયોજન અને વિકાસના ખાતાની શરૂઆત થઈ. નવા ખાતાએ વિવિધ ઉદ્યોગો માટે 29 સમિતિઓની નિમણૂક કરી. પાંચ વર્ષ માટે લક્ષ્યાંક નિર્ધારિત થયા અને આ લક્ષ્યાંકો સિદ્ધ કરવાનાં પગલાં પણ આ સમિતિઓ દ્વારા સૂચવવામાં આવ્યાં.

21 એપ્રિલ, 1945ને દિવસે રાષ્ટ્રના ઉદ્યોગીકરણ માટેની ભવિષ્યની નીતિઓની રૂપરેખા આપતું એક વિધેયક રજૂ કરવામાં આવ્યું. આ નીતિનો મુખ્ય હેતુ રાષ્ટ્રનાં સાધનોનો મહત્તમ ઉપયોગ કરી ઉદ્યોગોમાં સ્થિર અને વધારે રોજગારી સર્જવાનો હતો. સરકારે લોખંડ, પોલાદ, રંગો અને રસાયણો, યંત્રઉત્પાદન, વાહનવ્યવહારનાં સાધનો વગેરે મહત્વના ઉદ્યોગો જો ખાનગી મૂડી પૂરતી ન પ્રાપ્ત થાય તો સરકાર દ્વારા વિકસાવવાનું સ્વીકાર્યું. ઇચ્છિત હેતુઓ પ્રાપ્ત કરવા ઉદ્યોગોના વિકાસદરને નિયંત્રિત કરવા સરકારે ઉદ્યોગો માટે પરવાના-નીતિ દાખલ કરવાનું સૂચવ્યું. બધા જ સંગઠિત ઉદ્યોગો પર આયોજિત અને સુસંકલિત ઔદ્યોગિક વિકાસ પ્રાપ્ત કરવા કેન્દ્રીય નિયંત્રણ જરૂરી ગણવામાં આવ્યું હતું. ઉદ્યોગોનો વિકાસ કરવા પાયાની સગવડો(intra-structure)નો વિકાસ કરવાની પૂર્ણ જવાબદારી સરકારે સ્વીકારી. ઉદ્યોગોના સમતોલ વિકાસ માટે, વધુ પડતી નફાખોરી અટકાવવા માટે, મૂડીનું કેન્દ્રીકરણ કાબૂમાં રાખવા, વસ્તુઓની ગુણવત્તા જાળવવા અને શ્રમિકોને વાજબી વેતન ચૂકવવા માટે જરૂરી ગણાય તેવાં ઓછામાં ઓછાં નિયંત્રણો રખાશે તેની ખાતરી સરકારે ઉચ્ચારી હતી. વળી ઉદ્યોગોના વિકાસ માટે આવશ્યક વાહનવ્યવહાર, વીજળી, ખાણોનાં સાધનો, વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન, ટેકનિકલ, શિક્ષણ વગેરે સેવાઓનો વિકાસ પણ સરકારે કરવાનું સ્વીકાર્યું. ઉદ્યોગોને નાણાકીય સહાય પૂરી પાડવા મૂડીરોકાણ માટેનું કૉર્પોરેશન સ્થાપવાનું પણ સરકારે સ્વીકાર્યું.

નવેમ્બર, 1945માં એક વચગાળાના ટૅરિફ બૉર્ડની નિમણૂક કરવામાં આવી, જેની મુદત બે વર્ષની હતી. આ બૉર્ડના કાર્યક્ષેત્રમાં સંરક્ષણ માટેના દાવાઓની તપાસ ઉપરાંત સંરક્ષિત ઉદ્યોગોની કાર્યક્ષમતાની તપાસ કરવાનું કાર્ય પણ હતું. ટૅરિફ બૉર્ડને જે જવાબદારીઓ સોંપાઈ હતી તેના પ્રમાણમાં તેને તેના કાર્ય માટે આવશ્યક સગવડો પૂરી પડાઈ ન હતી.

બીજા વિશ્વયુદ્ધ પછી બદલાતા આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સંજોગોએ બ્રિટનને ઔદ્યોગિક નીતિમાં નકારાત્મક વલણ છોડીને વધુ રચનાત્મક પગલાં લેવા પ્રેર્યું હતું.

સ્વતંત્ર ભારતની પ્રથમ રાષ્ટ્રીય સરકારે આર્થિક નીતિનાં કેટલાંક ધ્યેયો નક્કી કર્યાં હતાં; દા. ત., સમગ્ર પ્રજા માટે આર્થિક ન્યાય અને સમાન તક પર આધારિત નવી સમાજવ્યવસ્થા ઘડવી, દેશની સાધનસંપત્તિનો મહત્તમ અને ઇષ્ટ ઉપયોગ કરી પ્રજાના જીવનધોરણમાં ઝડપી સુધારો કરવો, રોજગારીની તકોનું વિસ્તરણ કરવું, દેશનો સંતુલિત આર્થિક વિકાસ સાધવો, આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ અટકાવવું અને તે દ્વારા આર્થિક સમાનતાને પ્રોત્સાહન આપવું વગેરે. આ ધ્યેયોને અનુલક્ષીને 1948માં ભારતની પ્રથમ ઔદ્યોગિક નીતિનો ખરડો જાહેર કરવામાં આવ્યો. આ ખરડા દ્વારા ભારતમાં મિશ્ર અર્થતંત્ર તથા નિયંત્રિત ઔદ્યોગિક વિકાસનાં મંડાણ થયાં. દેશના ઉદ્યોગો ચાર વિભાગોમાં વહેંચવામાં આવ્યા : (1) રાજ્યની સીધી માલિકી એટલે કે ઇજારો ધરાવતો વિભાગ, જેમાં સંરક્ષણ તથા વ્યૂહાત્મક રીતે મહત્વના ઉદ્યોગો ઉમેરવામાં આવ્યા; દા. ત., લશ્કર માટેનાં શસ્ત્રો, દારૂગોળો તથા અન્ય સરંજામનું ઉત્પાદન કરતા એકમો, અણુશક્તિનું ઉત્પાદન, રેલવે વગેરે. (2) પાયાના તથા ચાવીરૂપ ઉદ્યોગો, જેમાં નવા એકમો સ્થાપવા અંગેની પહેલ કરવાની જવાબદારી માત્ર રાજ્યની રહે છે, છતાં રાજ્ય ઇચ્છે તો ખાનગી ક્ષેત્રનો સહકાર મેળવી શકે; દા. ત., લોખંડ અને પોલાદ, કોલસા, વિમાન બનાવતા ઔદ્યોગિક એકમો, વહાણવટા- ઉદ્યોગ, તાર તથા સંદેશાવ્યવહાર વગેરે. આ ઉદ્યોગોમાંના ખાનગી ક્ષેત્રની માલિકી હેઠળના પ્રવર્તમાન એકમો યથાવત્ ચાલુ રહે, પરંતુ દસ વર્ષ પછી તેની સમીક્ષા કરવામાં આવે. (3) ત્રીજા વિભાગમાં 18 ઉદ્યોગો ઉમેરવામાં આવ્યા હતા, જેના પર ખાનગી માલિકી ચાલુ રાખેલ, પરંતુ તેનું નિયંત્રણ અને નિયમન કરવાનો અધિકાર સરકારનો રહે; દા. ત., કાપડ, સિમેન્ટ, ખાંડ, કાગળ, ન્યૂઝપ્રિન્ટ, ખાતર, દવા, ટ્રૅક્ટર જેવાં ખેતીનાં સાધનો, ભારે રસાયણો, વીજળી, ખનિજો, હવાઈ તથા જળમાર્ગ વગેરે. (4) અગાઉના ત્રણ વિભાગોમાં જે ઉદ્યોગોનો સમાવેશ થયો ન હતો તે બધા જ ઉદ્યોગો માત્ર ખાનગી ક્ષેત્ર માટે જ ખુલ્લા રાખેલા, જોકે તેનું પરોક્ષ નિયમન કરવાનો અધિકાર સરકાર પાસે હતો. તેમાંના જે કોઈ ઉદ્યોગની કામગીરી સામાજિક હિતના સંદર્ભમાં સંતોષકારક ન જણાય તે ઉદ્યોગોમાં સરકાર દરમિયાનગીરી કરી શકે એવી જોગવાઈ હતી.

1948ની ઔદ્યોગિક નીતિના ખરડામાં ગૃહઉદ્યોગો તથા નાના પાયાના ઉદ્યોગો, ઔદ્યોગિક સંબંધો, વિદેશી મૂડી અને ઉદ્યોગોના રાષ્ટ્રીયકરણ અંગેનો સરકારનો ર્દષ્ટિકોણ જેવી અન્ય બાબતો પણ સમાવી લેવામાં આવી હતી. ગ્રામવિસ્તારોનું ઉદ્યોગીકરણ, સહકારી ઔદ્યોગિક સાહસને પ્રોત્સાહન તથા ઉદ્યોગોનું વિકેન્દ્રીકરણ જેવા હેતુઓ સિદ્ધ કરવા માટે ગૃહ તથા નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ સ્વીકારવામાં આવ્યું. ઔદ્યોગિક કામદારોને રોજગારીની ન્યાયસંગત શરતો પ્રાપ્ત થાય અને તે દ્વારા માલિકો અને શ્રમિકો વચ્ચેના સંબંધો સુમેળભર્યા બને તેવી શ્રમનીતિ સ્વીકારવામાં આવી. તકનીકી જ્ઞાન તથા અદ્યતન ઔદ્યોગિક ટેકનૉલૉજીના સંદર્ભમાં વિદેશી મૂડીનો સક્રિય સહકાર આવકારવામાં આવ્યો, પરંતુ ઉદ્યોગોની માલિકી, તેમનું અસરકારક સંચાલન તથા તેના પર કાબૂ મહદ્અંશે ભારતીયોના હાથમાં હોવો જોઈએ તેવી શરત મૂકવામાં આવી. માત્ર વિચારસરણીના કારણસર, કોઈ જડ વલણને વશ થઈને ઉદ્યોગોનું રાષ્ટ્રીયકરણ કરાશે નહિ તેવી ખાતરી આ ખરડામાં ઉચ્ચારવામાં આવી.

1948ની આ પ્રથમ ઔદ્યોગિક નીતિમાં ઉદ્યોગો પ્રત્યેના સરકારના સામાન્ય અને બહોળા વલણનો નિર્દેશ કરવામાં આવ્યો હતો અને તેથી આર્થિક વિકાસના સંદર્ભમાં સરકાર વતી ઔદ્યોગિક વિકાસના નક્કર કાર્યક્રમની પહેલ કરવામાં આ નીતિ સફળ કે અસરકારક નીવડી ન હતી.

ભારતની બીજી પંચવર્ષીય યોજના (1956-61) ઘડાતી હતી તે દરમિયાન રાષ્ટ્રીય કૉંગ્રેસે 1954માં તેના અવાડી અધિવેશનમાં સમાજવાદી ઢબની સમાજરચના(socialistic pattern of society)ના ધ્યેયનો સ્વીકાર કર્યો. તેથી આ ધ્યેય સાથે સુસંગત ગણાય તેવી ઔદ્યોગિક નીતિની જરૂરિયાત ઊભી થઈ. ભારતની પ્રથમ પંચવર્ષીય યોજના (1951-56) મહદ્અંશે ખેતીપ્રધાન હતી, પરંતુ બીજી યોજનામાં ઔદ્યોગિક વિકાસ પર અને ખાસ કરીને પાયાના તથા ચાવીરૂપ ઉદ્યોગોના વિકાસ પર વધારે ભાર મૂકવાનો આશય હતો, જેથી ભવિષ્યના આર્થિક વિકાસ માટે દેશમાં મજબૂત પાયો નાખી શકાય. ઉપરાંત, 26 જાન્યુઆરી, 1950ના રોજ ભારતનું પ્રજાસત્તાક બંધારણ અમલમાં આવતાં તેમાં ઉલ્લેખિત રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં ઇજારાશાહી તથા આર્થિક સત્તાના કેન્દ્રીકરણને નિયંત્રિત કરવાની રાજ્યની જવાબદારીનો નિર્દેશ કરાયો હતો. આ બધાંને પરિણામે 1948ની ઔદ્યોગિક નીતિમાં ફેરફારો દાખલ કરી 1956માં નવી ઔદ્યોગિક નીતિ જાહેર કરવામાં આવી.

1956ની નીતિમાં ઔદ્યોગિક વિકાસની ઝડપ વધારવી, પાયાના તથા ચાવીરૂપ ઉદ્યોગોની સ્થાપના કરવી, જાહેર ક્ષેત્રનું વિસ્તરણ કરવું, સહકારી ક્ષેત્રમાં ઔદ્યોગિક એકમો ઊભા કરવા માટે પ્રોત્સાહનો પૂરાં પાડવાં, ખાનગી ક્ષેત્રમાં સ્થપાતી ઇજારાશાહી તથા આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ ઘટાડવા તે ક્ષેત્રના ઉદ્યોગોનું નિયંત્રણ કરવું, સંપત્તિ અને આવકની અસમાનતા ઘટાડવી તથા સમતોલ પ્રાદેશિક વિકાસને ઉત્તેજન આપવું – આ ઉદ્દેશો સ્વીકારવામાં આવ્યા. આ નીતિ હેઠળ ઉદ્યોગોનું ત્રણ વિભાગોમાં પુનર્વર્ગીકરણ કરવામાં આવ્યું : (1) જે ઉદ્યોગોની માલિકી અને સંચાલન તથા ભાવિ વિકાસ સંપૂર્ણપણે રાજ્યહસ્તક રહે તેવા 17 ઉદ્યોગોનો આ વિભાગમાં નિર્દેશ કરવામાં આવ્યો. 1948ની નીતિ હેઠળ પહેલા અને બીજા વિભાગમાં જે ઉદ્યોગો અલાયદા પાડવામાં આવ્યા હતા તે નવી નીતિ હેઠળ એક જ વિભાગમાં મૂકવામાં આવ્યા; દા. ત., લશ્કર માટેનો સરસામાન, અણુશક્તિ, લોખંડ અને પોલાદ, કોલસા, ખનિજ-તેલ, રેલવે, વહાણવટાનું બાંધકામ, તાર-ટપાલ-ટેલિફોન, વીજળી વગેરે. (2) જે ઉદ્યોગો ક્રમશ: રાજ્યહસ્તક લેવાય અને જેના નવા એકમો ઊભા કરવાની પહેલ માત્ર રાજ્ય દ્વારા જ કરી શકાય તેવા 12 ઉદ્યોગો બીજા વિભાગમાં મૂકવામાં આવ્યા. આ વિભાગના ઉદ્યોગોના વિકાસમાં ખાનગી ક્ષેત્રનો સહકાર લઈ શકાય તથા ખાનગી ક્ષેત્ર રાજ્યની કામગીરીનું પૂરક બની શકે તેવી સ્પષ્ટતા કરવામાં આવી. આ વિભાગ માટે પસંદ કરાયેલા 12 ઉદ્યોગોમાં મશીન-ટૂલ્સ, ઍલ્યુમિનિયમ, રાસાયણિક ખાતરો, પ્રતિજૈવિક દવાઓ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો. આ વિભાગને સંયુક્ત ક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. (3) ત્રીજા વિભાગમાં ઉમેરાયેલા ઉદ્યોગોનો વિકાસ ખાનગી ક્ષેત્ર પર છોડવામાં આવ્યો, છતાં રાજ્ય ઇચ્છે તો તેમાંના કોઈ ઉદ્યોગનો નવો એકમ સ્થાપવાનો રાજ્યને અધિકાર રહેશે એવી સ્પષ્ટતા કરવામાં આવી. આ વિભાગના ઉદ્યોગોનું નિયંત્રણ અને નિયમન રાજ્ય દ્વારા કરવા માટેની ભૂમિકા પણ તેમાં સ્પષ્ટ કરવામાં આવી. ઉપરાંત, આ ઉદ્યોગોને રાજ્ય વતી નાણાકીય તથા બિનનાણાકીય સહાય પૂરી પાડવા માટેની વ્યવસ્થાનો ઉલ્લેખ પણ ઔદ્યોગિક નીતિના આ ખરડામાં કરવામાં આવ્યો.

ગૃહ તથા નાના પાયાના ઉદ્યોગો રોજગારીની તાત્કાલિક તકોનું વિસ્તરણ કરવામાં, વપરાશી ચીજવસ્તુઓનું ઝડપી ઉત્પાદન કરવામાં, ગ્રામીણ વિસ્તારનાં સુષુપ્ત સાધનોને ઉત્પાદકીય પ્રવૃત્તિઓમાં સક્રિય બનાવવામાં તથા રાષ્ટ્રીય આવકની વધુ ઇષ્ટ અને ન્યાયસંગત વહેંચણી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ હોવાથી તેમને પ્રોત્સાહન આપવા માટે તથા તેમની સ્પર્ધાશક્તિમાં વધારો કરવા માટે સરકાર પ્રયત્નશીલ રહેશે તેવી સ્પષ્ટતા કરવામાં આવી. ઔદ્યોગિક વિકાસની પ્રાદેશિક અસમતુલા નિવારવા માટે સરકાર પછાત પ્રદેશોમાં ઊભા કરવામાં આવતા ઔદ્યોગિક એકમોને વીજળી, પાણી તથા વાહનવ્યવહારની સગવડો પૂરી પાડવાનો પ્રયાસ કરશે એમ પણ કહ્યું. સાથોસાથ એમ પણ કહેવામાં આવ્યું કે જે પ્રદેશોમાં વ્યાપક બેકારી પ્રવર્તે છે તે પ્રદેશોમાં ઔદ્યોગિક વિકાસ માટેની સગવડોનું ક્રમશ: વિસ્તરણ કરવામાં આવશે. દેશમાં ઔદ્યોગિક વિકાસના કાર્યક્રમોનું વિસ્તરણ થતાં તકનીકી તથા વ્યવસ્થાપન-ક્ષેત્રનું કૌશલ્ય ધરાવતી માનવસંપત્તિનું પણ સર્જન કરવાની જરૂરની આ નીતિમાં નોંધ લેવામાં આવી છે. આમ, સરકારની ઔદ્યોગિક નીતિ તથા પંચવર્ષીય યોજનામાં અંકિત કરવામાં આવેલા ઔદ્યોગિક વિકાસના કાર્યક્રમો વચ્ચે તાલમેલ સાધવામાં 1956ની નીતિ સફળ થઈ હતી.

1956ના ઔદ્યોગિક નીતિ અંગેના ઠરાવને 1973, 1980, 1988, 1990 અને છેલ્લે 1991માં સુધારવામાં આવ્યો હતો. આ સુધારાઓ પૈકી 1991માં નવી આર્થિક નીતિ કરવામાં આવેલા સુધારા ઘણા મહત્વના છે. એ સુધારાઓ દ્વારા ઔદ્યોગિક નીતિમાં આમૂળ પરિવર્તનો કરવામાં આવ્યાં. એ પરિવર્તનોની ચર્ચા કરતાં પહેલાં ઔદ્યોગિક નીતિના એક બીજા પાસાની ચર્ચા કરવી જરૂરી છે.

1951નો ઉદ્યોગોના વિકાસ અને નિયંત્રણ માટેનો કાયદો : આયોજનના પ્રથમ દસકા દરમિયાન (1951-’61) ઉદ્યોગો માટે જે બીજો અગત્યનો કાયદો કરવામાં આવ્યો હતો તે 1951નો ઉદ્યોગોના વિકાસ અને નિયંત્રણ માટેનો કાયદો હતો. આ કાયદા દ્વારા રાજ્યે ખાનગી ક્ષેત્રમાં ઔદ્યોગિક એકમો શરૂ કરતાં પહેલાં રાજ્યની મંજૂરી (પરવાનો) મેળવવાનું ફરજિયાત બનાવ્યું. ચોક્કસ ઉદ્યોગોમાં નિયત મૂડીરોકાણથી અધિક મૂડીરોકાણ કરવા ઇચ્છતા ઔદ્યોગિક એકમોને આ કાયદો લાગુ પડતો હતો; પરંતુ તે કેવળ નવા એકમોની સ્થાપનાને જ સ્પર્શતો ન હતો, ચાલુ એકમની ઉત્પાદનશક્તિમાં ગણનાપાત્ર વધારો કરવા માટે, ચાલુ એકમ દ્વારા નવી વસ્તુનું ઉત્પાદન હાથ ધરવા માટે તથા ચાલુ એકમનું સ્થળ બદલવા માટે પણ રાજ્યની મંજૂરી મેળવવાનું આવશ્યક બનાવવામાં આવ્યું. દેશમાં જે ‘પરવાના-રાજ’ તરીકે પાછળથી ઓળખાયું તેનો મુખ્ય સ્રોત આ કાયદો હતો.

શરૂઆતમાં કાયદાનો અમલ 37 ઉદ્યોગો માટે કરવામાં આવ્યો હતો. નિયત કરવામાં આવેલા એ 37 ઉદ્યોગોમાં રૂપિયા એક લાખથી વધુ મૂડીરોકાણ કરવા ઇચ્છતી પેઢીઓને આ કાયદો લાગુ પાડવામાં આવ્યો હતો. 1953થી નિયત કરવામાં આવેલા ઉદ્યોગોમાં તમામ એકમોને એ કાયદો લાગુ પાડવામાં આવ્યો, પરંતુ તેને કારણે વહીવટી જટિલતા વધી જવાથી તેમાં 1956માં સુધારો કરવામાં આવ્યો. બીજી બાજુ કાયદા નીચે આવરી લેવામાં આવેલા ઉદ્યોગોની સંખ્યા ક્રમશ: વધીને 70 પર પહોંચી હતી. આ કાયદાના અમલ નીચે આવતા ઔદ્યોગિક એકમોની વ્યાખ્યા 1960માં ફરીથી મૂડીરોકાણના કદના આધારે કરવામાં આવી. રૂ. દસ લાખ સુધીનું મૂડીરોકાણ ધરાવતા એકમોને પરવાનો લેવામાંથી મુક્તિ આપવામાં આવી. એ પછીનાં વર્ષોમાં એ મુક્તિમર્યાદા ક્રમશ: વધારવામાં આવી. 1988-89માં રૂ. પાંચ કરોડ સુધીનું મૂડીરોકાણ કરવા ઇચ્છતા એકમોને પરવાના-મુક્તિ આપવામાં આવી; એટલું જ નહિ, ચોક્કસ વિસ્તારોમાં જો ઔદ્યોગિક એકમની સ્થાપના કરવાની હોય તો રૂ. 50 કરોડના મૂડીરોકાણ સુધી પરવાનો મેળવવામાંથી મુક્તિ આપવામાં આવી હતી.

સરકારે પ્રસ્તુત કાયદો કરીને દેશમાં ઔદ્યોગિક વિકાસને આયોજિત સ્વરૂપ આપવા માટે અસરકારક સત્તા હાથ ધરી હતી. કાયદા દ્વારા સરકાર જે ઉદ્દેશો પાર પાડવા ઇચ્છતી હતી તેનો જો વિચાર કરવામાં આવે તો પ્રસ્તુત કાયદો ઘણો ઉપયોગી અને આવશ્યક માલૂમ પડે છે; દા. ત., દેશમાં મૂડી અને વિદેશી ચલણની તંગી હોવાને કારણે તેનો ઇષ્ટ ઉપયોગ થાય તે માટે યોજનામાં નક્કી કરેલાં લક્ષ્યાંકો પ્રમાણે એ સાધનોનો ઉપયોગ થવો જોઈએ, ખાનગી સાહસ ઇચ્છે તે ઉદ્યોગોના વિકાસ માટે નહિ. પછાત વિસ્તારોમાં ઔદ્યોગિક એકમોની સ્થાપના કરવાની શરતે પરવાનો આપીને સરકાર પછાત વિસ્તારોમાં ઔદ્યોગિક વિકાસને ઉત્તેજન આપી શકે. મોટાં ઔદ્યોગિક ગૃહોને પરવાના નહિ આપીને આર્થિક સત્તાના કેન્દ્રીકરણને સરકાર રોકી શકે. આમ ઔદ્યોગિક નીતિના મોટા ભાગના ઉદ્દેશો હાંસલ કરવા માટે પરવાના-પદ્ધતિ રાજ્યના હાથમાં એક અસરકારક શસ્ત્ર પુરવાર થશે એમ માનવામાં આવતું હતું; પરંતુ પરવાના-પદ્ધતિના અમલથી અપેક્ષાથી વિપરીત પરિણામો આવ્યાં. પરવાના-પદ્ધતિ તેના અપેક્ષિત ઉદ્દેશો હાંસલ કરવામાં નિષ્ફળ નીવડી, તેથી તેની કામગીરીને તપાસવા માટે 1965 અને 1967માં નિષ્ણાતોની સમિતિઓ નીમવામાં આવી હતી. એ ચર્ચાઓ અને હેવાલોના અનુસંધાનમાં 1970થી પરવાના-પદ્ધતિમાં ક્રમશ: ફેરફારો કરીને અંકુશોની માત્રા ઘટાડતાં પગલાં ભરવામાં આવ્યાં હતાં.

નવી ઔદ્યોગિક નીતિ1991 : નવી ઔદ્યોગિક નીતિ નીચે અંકુશોમાં ઘટાડો કરીને ઉદારીકરણની દિશામાં હરણફાળ ભરવામાં આવી. દેશના સંરક્ષણ અને પર્યાવરણ સાથે સંકળાયેલા સાત સિવાયના તમામ ઉદ્યોગો માટે પરવાના-પદ્ધતિ નાબુદ કરવામાં આવી એ ઉદ્યોગોમાં (1) નશીલાં પીણાં, (2) ખાંડ, (3) સિગાર અને સિગારેટ તથા તમાકુ પર આધારિત તેમની અવેજીની અન્ય પેદાશો, (4) ઇલેક્ટ્રૉનિક ઍરોસ્પેસ અને સંરક્ષણ માટેનાં ઉપકરણો, (5) ઔદ્યોગિક વિસ્ફોટકો, (6) સ્વાસ્થ્ય માટે હાનિકારક રસાયણો અને (7) ડ્રગ્સ તથા ફાર્માસ્યૂટિકલ્સનો સમાવેશ થાય છે.

1956ના ઔદ્યોગિક નીતિ અંગેના ઠરાવ દ્વારા મોટી સંખ્યામાં ઉદ્યોગોને જાહેર ક્ષેત્ર માટે અનામત રાખવામાં આવ્યા હતા. નવી ઔદ્યોગિક નીતિમાં જાહેર ક્ષેત્ર માટે અનામત ઉદ્યોગોની સંખ્યાને ખૂબ જ ઘટાડી નાખવામાં આવી. આ અનામત ક્ષેત્રમાં આવતા ઉદ્યોગો આ પ્રમાણે છે : (1) શસ્ત્ર-સરંજામ અને દારૂગોળો  સંરક્ષણને લગતાં અન્ય સાધનો, (2) અણુશક્તિ, (3) નિયત ખનિજો, અને (4)  રેલવે. આ ક્ષેત્રોમાં પણ ખાનગી ક્ષેત્રની સામેલગીરીની સરકાર છૂટ આપી શકે.

રજનીકાન્ત સંઘવી

રમેશ ભા. શાહ