ઔદ્યોગિક પરિયોજના મૂલ્યાંકન : નવા ઔદ્યોગિક સાહસ અથવા તો કોઈ ઔદ્યોગિક એકમના વસ્તુ-મિશ્રમાં એક નવી વસ્તુનો ઉમેરો કરતી પરિયોજનાનું મૂલ્યાંકન. ખાનગી ક્ષેત્રે શરૂ કરાતી આવી પરિયોજનાઓ નફાલક્ષી (અથવા નફા સાથે થોડી સામાજિક જવાબદારીલક્ષી) હોય છે તો જાહેર ક્ષેત્રની ઔદ્યોગિક પરિયોજનાઓ સામાજિક વળતરનો દર મળે તેવી સામાજિક ઉપયોગિતાને લક્ષતી હોય છે. બંને ક્ષેત્રની આવી પરિયોજનાના જીવનચક્રમાં સ્વરૂપ-નિશ્ચિતીકરણ, રચના અને દરખાસ્ત, મંજૂરી પૂર્વેનું મૂલ્યાંકન, મંજૂરી, અમલ, અંકુશ અને પ્રતિપોષણ જેવા તબક્કા રહે છે. પરિયોજનાઓ મૂળભૂત રીતે રોકાણનો અથવા રોકાણવિસ્તરણ યોજનાનો ભાગ હોવાથી રોકાણ પૂર્વેની મંજૂરી મેળવવાના તબક્કે જ તેમનાં વ્યાપારિક ટેકનૉલૉજી-વિષયક, આર્થિક અને નાણાકીય પાસાંના વિશ્લેષણના ઝીણવટભર્યા મૂલ્યાંકનનો આગ્રહ રખાય છે. જાહેર ક્ષેત્રની પરિયોજનાઓ વધારામાં આ તબક્કે સામાજિક પડતર-લાભના વિશ્લેષણના મૂલ્યાંકન પર પણ ભાર મૂકે છે. તેમના અસરકારક મૂલ્યાંકન માટે વ્યવહારમાં નીચે મુજબનાં ધોરણ યોજાતાં રહે છે : (1) સંગઠનનાં બંધારણીય ઉદ્દેશ, નીતિઓ અને સાધનો ઊભાં કરવાની મર્યાદા, (2) પરિયોજના-પસંદગીનાં ધોરણો, (3) પરિયોજનાના સ્વરૂપ વિશેની માર્ગદર્શિકા અને (4) પરિયોજનાની યથાર્થતા મૂલવવાનાં ધોરણો.

1. નોંધણીથી કે કાયદાથી અસ્તિત્વમાં આવેલા સંગઠનના બંધારણમાં પ્રવૃત્તિ-ક્ષેત્ર અને નફાવૃત્તિ વિશે ઉદ્દેશ અને નીતિઓમાં સ્પષ્ટતા કરેલી જ હોય છે. સૂચિત પરિયોજના આવાં વ્યક્ત ઉદ્દેશ અને નીતિઓની દિશામાં છે કે નહિ તેની ખાતરી મેળવી શકાય છે. સરકારી માલિકીની પરિયોજના સામાન્યત: નિર્ધારિત ક્ષેત્રમાં જ રોકાણ, રોજગારી-વૃદ્ધિ, આવક-વૃદ્ધિ અને તેની સમાન વહેંચણી, આયાત-અવેજીકરણ અગર નિકાસ-પ્રોત્સાહન જેવાં ઉદ્દેશ અને નીતિઓની દિશામાં જ રહે છે. ઉપરાંત દરેક બંધારણમાં તે એકમ વધુમાં વધુ કેટલાં નાણાં ઊભાં કરી શકશે તેની મર્યાદા મૂકેલી હોય છે. પરિયોજનાનું અર્થકારણ આવી મર્યાદાનું ઉલ્લંઘન ન કરે તે જોવાનું હોય છે. વધુમાં સંચાલક મંડળના અને સામાન્ય સભાના ઠરાવ પણ પરિયોજના વિશેની સત્તા અને જવાબદારી મૂલવવામાં મદદ કરે છે.

2. પરિયોજનાની પસંદગી કરતી વખતે કેટલાક પ્રશ્નોના ઉત્તર મેળવવા જરૂરી હોય છે; દા. ત., ઉત્પાદન કરવા સૂચવેલ વસ્તુ કે સેવાની વાસ્તવમાં લોકોને જરૂર છે ખરી ? તે માટે અન્ય કોઈ અવેજી વસ્તુ કે સેવા હાલમાં પ્રાપ્ત છે ખરી ? તેની માંગ તેના પુરવઠા કરતાં વધારે છે ? સૂચિત પરિયોજના કોઈ વસ્તુની સ્વરૂપરચનામાં સુધારાવધારા-કરવા ધારે છે ? તે ઉત્પાદન-ખર્ચ નીચો લાવી શકશે ખરી ? તે કિંમત નીચી રાખીને હરીફાઈમાં સફળ થઈ શકશે ખરી ? ઇત્યાદિ.

3. પરિયોજના કયા સ્વરૂપે તૈયાર કરવી તેના માર્ગદર્શન માટે વિવિધ વિકલ્પ પ્રવર્તે છે :

(i) એક સામાન્ય નમૂનાની રૂપરેખા અનુસાર તેના મુસદ્દામાં નીચે પ્રમાણેની વિગતો હોવી જોઈએ એવું દર્શાવાયું છે : (1) પરિયોજનાનું નામ અને સંક્ષિપ્ત વિવરણ, (2) ઉદ્દેશ, (3) પશ્ચાદભૂમિકા, (4) યથાર્થ હોવાની દલીલો અને સાબિતી, (5) કાર્યક્રમ, (6) શરૂ કરવાના અને પૂરી કરવાના સમયના અંદાજ, (7) કર્મચારી-જરૂરિયાત, (8) પડતરનું-વિવરણ, (9) ભાવિ વિસ્તરણનો કાર્યક્રમ, (10) પડતરલાભનું ગણિત અને (11) અધિકૃતિ.

(ii) ઉદ્યોગોને સહાય કરતી ભારતની નાણાકીય સંસ્થાઓનાં અરજીપત્રમાં પરિયોજના કયા સ્વરૂપમાં તૈયાર કરવી તેની માર્ગદર્શિકા આપેલી છે. તે અનુસાર તેના મુસદ્દામાં નીચે પ્રમાણેની વિગત હોવી જોઈએ :

(1) સામાન્ય માહિતી, (2) પ્રયોજકોની વિગત, (3) એકમ વિશે અને તેની પ્રવૃત્તિઓ વિશે માહિતી, (4) તંત્ર-વિદ્યાકીય વિગત, (5) પરિયોજનાના ખર્ચનું વિવરણ, (6) નાણાંની પ્રાપ્તિ, (7) વિવરણવ્યવસ્થા, (8) નફા-શક્તિ અને રોકડના પ્રવાહના અંદાજ, (10) આર્થિક ગણતરીઓ, (11) સરકારની સંમતિ વિશે ઉલ્લેખ અને (12) કેટલાંક જાહેરનામાં અને કબૂલાત ઇત્યાદિ.

(iii) જાહેર ક્ષેત્રની ઔદ્યોગિક પરિયોજના તૈયાર કરવા માટે આયોજન પંચના પરિયોજના મૂલ્યાંકન વિભાગે (Project Appraisal Division) 1974માં એક માર્ગદર્શિકા બહાર પાડેલી છે. તે અનુસાર તેના મુસદ્દામાં નીચે પ્રમાણે વિગતો હોવી જરૂરી છે : (1) સામાન્ય માહિતી, (2) ઉદ્દેશ, (3) ઉદ્દેશ હાંસલ કરવાના વિકલ્પ અને સૂચિત પરિયોજના, ઉત્તમ વિકલ્પ કેવી રીતે તેનું સમર્થન, (4) પરિયોજનાની પ્રારંભસ્થિતિ અને તેની અવધિનો અંદાજ તેમજ સૂચિત તંત્ર-વિદ્યા, (5) માંગનું વિશ્લેષણ, (6) પ્રવૃત્તિદીઠ વર્ષવાર મૂડી ખર્ચ, (7) કાર્યકારી ખર્ચ અને (8) ઊપજ-લાભના અંદાજ.

ઉપરની માર્ગદર્શિકા પરિયોજના તૈયાર કરવાનાં અને તેનું સ્વરૂપ ચકાસવાનાં ધોરણ પૂરાં પાડે છે.

4. દરેક પરિયોજનાના મુસદ્દામાં તેની વ્યવહારક્ષમતા પુરવાર કરવા ટેકનૉલૉજી, બજારક્રિયાનું, આર્થિક, નાણાકીય અને સામાજિક નફાકારકતાનું વિશ્લેષણ કરેલું જ હોય છે. પરિયોજના મંજૂર કરતાં પહેલાં તે દરેક વિશ્લેષણનું યોગ્યતા-અયોગ્યતાલક્ષી મૂલ્યાંકન અનિવાર્ય રહે છે.

તંત્ર વિદ્યાકીય વિશ્લેષણની ચકાસણીમાં વસ્તુનું ભૌતિક, રાસાયણિક અને ઇજનેરી વર્ણન; તેના ઉત્પાદન માટે ગણતરીમાં લીધેલ રાસાયણિક અને ઇજનેરી વર્ણન; તેના ઉત્પાદન માટે ગણતરીમાં લીધેલ વિવિધ યાંત્રિક પ્રક્રિયાઓ અને યંત્રોનું વર્ણન; તેમાં પસંદ કરેલી પ્રક્રિયા અને યંત્રોનું વર્ણન, તેમના પ્રવાહ-નકશાઓ અને તે પસંદગી વાજબી હોવાનું સમર્થન; કારખાનાનું કદ અને તેની ઉત્પાદનક્ષમતા; ઉત્પાદનક્ષમતાનો ઉપયોગ કરવાના વિવિધ વિકલ્પો, કારખાનાની સ્થાપનાનો સમય; યંત્રો અને ઓજારોનું સ્વરૂપ-નિશ્ચિતીકરણ, તેમની ખરીદી માટેનાં ભાવપત્રકો અને ખરીદીની શરતો; કારખાનાના સ્થળની પસંદગીના વિવિધ વિકલ્પોનું તુલનાત્મક મૂલ્યાંકન, પસંદગી અને સમર્થન; કારખાનાનો વિન્યાસ; બાંધકામના નકશા અને ખર્ચના અંદાજ; યંત્રોની સ્થાપનાના નકશા અને ખર્ચના અંદાજ; કાચી માલસામગ્રી તથા ઉપયોગિતાની સેવાઓની પ્રાપ્યતા અને તેમના ખર્ચના અંદાજ; વિવિધ કુશળતા ધરાવતા કર્મચારીઓની પ્રાપ્યતાના અંદાજ; ઉત્પાદન-પ્રક્રિયાના સંભવિત બગાડ અને ગંદા પાણી(effluent)નો અંદાજ અને તેના નિકાલની જોગવાઈ વગેરે બાબતોનાં વિધાનોની ખાતરી કરવી જરૂરની છે.

બજાર-ક્રિયા-વિશ્લેષણની ખાતરી કરવામાં વસ્તુની પ્રવર્તમાન માંગ; માંગની સાપેક્ષતા; માંગમાં ભૂત-વર્તમાન અને ભવિષ્યનાં વલણો; વેચાણ-અસાધારણ; ગ્રાહકની વર્તણૂક (તેમની ઇચ્છા, અપેક્ષા, પ્રેરણા, રુચિ, પસંદગી, જરૂરિયાત વગેરે માહિતી); પુરવઠાના ભૂત-વર્તમાન અને ભવિષ્યનાં વલણો; વિતરણના માર્ગ; વ્યાપારી વ્યવહારોમાં પ્રવર્તતી રૂઢિઓ અને રીત-રસમો; હરીફાઈનું પ્રમાણ; આયાત-નિકાસનાં બંધનો અને પ્રોત્સાહનો; વિતરણ વિશે સરકારી સવલતો કે નિયંત્રણો વગેરે વિગતોની ઝીણવટભરી તપાસ જરૂરની છે. ઉપરાંત વેચાણના અંદાજને ખોટા પાડનાર પરિબળોની આગાહી અને તેની સામેની સૂચિત વ્યૂહરચનાઓની જોગવાઈ તપાસી જવાની જરૂર રહે છે.

આર્થિક વિશ્લેષણની યથાર્થતા મૂલવવામાં ઉત્પાદનનાં વિવિધ સાધનોના પ્રત્યક્ષ અને પરોક્ષ ખર્ચનું વિવરણ; વેચાણના વિવિધ અંદાજ સાથે વિવિધ આવકના સમાંતર અંદાજ; રોકડ પ્રવાહ અને નફાના પ્રવાહનું વિશ્લેષણ; ઉત્પાદન-ખર્ચ ઉપરાંત બજારક્રિયા અને વિતરણનું ખર્ચ; કર્મચારી વ્યવસ્થા પર થતું ખર્ચ અને નાણાપ્રવૃત્તિ વિશેનાં ખર્ચનું વિશ્લેષણ જરૂરી છે. તેમ કરવામાં અને તે માટેનાં ધોરણ વિકસાવવામાં પડતરલાભ અને સમ-તૂટ બિંદુવિશ્લેષણ, જોખમનું તથા સંવેદનશીલતાનું વિશ્લેષણ જેવી અનેક પદ્ધતિઓ મદદરૂપ થઈ શકે છે.

નાણાકીય વિશ્લેષણની ચકાસણીમાં સ્થિર અને કાર્યશીલ મૂડીની જરૂરિયાતના અંદાજ; ઊપજના, નફાના અને રોકડના પ્રવાહના અંદાજ; વિવિધ કિંમતને અનુલક્ષીને રોકાણ પર વળતરના દરના વિવિધ અંદાજ વગેરે યોગ્ય છે કે નહિ તે જોવું જરૂરનું છે. તે માટે પરત-આપ પદ્ધતિ, હિસાબી વળતરના દરની કે સરેરાશ વળતરના દરની પદ્ધતિ, ચોખ્ખા વર્તમાન મૂલ્યની પદ્ધતિ, આંતરિક વળતરના દરની પદ્ધતિ, નફાકારકતાના આંકની પદ્ધતિ, જોખમ અને સંવેદનશીલતાના વિશ્લેષણની પદ્ધતિ જેવી નાણાકીય વિશ્લેષણની અનેક પદ્ધતિઓ અસરકારક ધોરણ ઉપસાવવામાં મદદ કરી શકે છે.

જાહેર સાહસની પરિયોજનાઓમાં સામાજિક પડતર-લાભના અંદાજનો વિશેષ આગ્રહ હોવાથી જાહેર સુવિધાઓ અને સગવડ, જાહેર સુખાકારી અને જાહેર આરોગ્યની જોગવાઈ, સામાજિક અનિષ્ટોની નાબૂદી તથા પર્યાવરણ સંતુલન જેવાં ગુણાત્મક પરિબળોની ગણતરી અને વિશ્લેષણ અનિવાર્ય બન્યાં છે. સામાજિક પડતર-લાભ વિશ્લેષણની પદ્ધતિથી તેમના પરીક્ષણનાં ધોરણ હવે વિકસાવી શકાય છે. ખાનગી ક્ષેત્રની કેટલીક પરિયોજનાઓ માટે પણ આવું વિશ્લેષણ કરવાનું હવે સ્વીકારાયું છે.

પરિયોજનાના મંજૂરી પૂર્વેના મૂલ્યાંકન ઉપરાંત તેના જીવનચક્રના દરેક તબક્કાની પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન અંકુશ અને અસરકારકતા માટે અનિવાર્ય છે. દરેક તબક્કાની યોજનાઓ આવાં મૂલ્યાંકનનો આધાર પૂરો પાડે છે. અલબત્ત, પરિયોજના મૂલ્યાંકનનાં ધોરણ વિશે એવું અવલોકન ટાંકી શકાય કે ‘દરેક પરિયોજના અનન્ય હોવાથી તેના મૂલ્યાંકન માટે સાર્વત્રિક રીતે યોજી શકાય તેવી સર્વસ્વીકૃત ધોરણોની યાદી સૂચવવી મુશ્કેલ છે.’ દરેક પરિયોજનાના અને તેના દરેક તબક્કાના સ્વતંત્ર મૂલ્યાંકન માટે સંદર્ભલક્ષી વિશિષ્ટ ધોરણો રચવાનું જ ઇષ્ટ ગણાય.

જ. ઈ. ગઠિયાવાલા