ઓંગી આદિજાતિ : બંગાળના સમુદ્રમાં આવેલ આંદામાન-નિકોબાર ટાપુઓમાં વસતી એક આદિવાસી જાતિ. આ જાતિ નિગ્રોઇડ વર્ગની પ્રજાતિ છે. તે નાના આંદામાન ટાપુઓના મૂળ વતનીઓ છે. 1951 પછી તે અન્ય સ્થળોએ ફેલાયા છે. પરદેશીઓના સંસર્ગમાં આવતાં 1886 સુધી તેઓ દુશ્મનાવટભર્યું વર્તન રાખતા હતા. એમ. વી. પૉર્ટમૅનના મિત્રાચારીભર્યા પ્રયત્નો પછી તેમનામાં વેરભાવ ઓછો થવા લાગ્યો હતો. હાલમાં તેઓ આંદામાન અને રૂટલૅન્ડ ટાપુઓમાં વસેલા છે. શિકાર કરવાની ભૌગોલિક મર્યાદાઓને ચુસ્ત રીતે વળગી રહે છે. તે કોઈ ગામમાં સ્થાયી થઈને વસતા નથી. ઘર બાંધે છે તેના બે પ્રકારો હોય છે : એક સ્થાયી સામાજિક વસવાટનું સ્થાન અને બીજું અસ્થાયી ઝૂંપડું. ખોરાક અને પાણીની વિપુલતાને લીધે ઓંગીનું જીવન ખૂબ સરળતાથી ચાલે છે.
ઓંગીનું સામાજિક જીવન લોકતંત્રીય નિયમોને આધારે ચાલે છે. દરેક જૂથનો આગેવાન અને પ્રદેશ નક્કી થયેલા હોય છે. કોઈ રાજાનો દરજ્જો ભોગવતું નથી. આંદામાનના વહીવટી તંત્ર તરફથી પાકાં મકાનો બાંધવામાં આવ્યાં છે. શિકાર અને ખોરાક એકઠો કરીને જીવન ચલાવવાની રીતને હજી પણ તે વળગી રહ્યા છે. તેમની તંદુરસ્તી અને વંશવૃદ્ધિનું આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવે છે. તે ડુક્કર અને કાચબાનું માંસ ખાવાનું પસંદ કરે છે. એમ માનવામાં આવે છે કે ઓંગી આદિવાસીઓ દુનિયાના સૌથી સુખી લોકો છે.
કળા-કારીગરીમાં તેઓ નિપુણ હોય છે. રેસાના ગુચ્છા બનાવવા અને વણવાનું કામ સ્ત્રીઓ કરે છે. પુરુષો ઝાડના થડમાંથી હોડી, પાણી ભરવાની ડોલ, ટોપલીઓ વગેરે બનાવે છે. બધાં ઓંગી સ્ત્રી-પુરુષ કાચના ટુકડાથી માથાના વાળ ઉતારે છે. પોતાના શરીર ઉપર સફેદ માટી ચોપડે છે જેથી જીવજંતુના ડંખથી રક્ષણ મળે છે. લગ્ન નાની વયે થાય છે. પતિ-પત્ની સાથે કામ કરી જીવનનિર્વાહ કરે છે. વિધવા સ્ત્રીઓને તેઓ તિરસ્કારથી જુએ છે. તેમનાં નૃત્ય અને ગીત ઘણાં પ્રચલિત છે. તેમનાં ગીતોમાં આનંદ કરતાં દર્દનો ભાવ વધુ જોવા મળે છે.
છેલ્લાં થોડાં વર્ષોમાં તેમનામાં સારું એવું પરિવર્તન જોવા મળે છે. બાંગ્લાદેશના નિરાશ્રિતો તરફથી એક ગામ વસાવવામાં આવ્યું છે. આને લીધે પર્યાવરણની સમતુલા જોખમાઈ છે. તેને લીધે ઓંગી લોકોને શિકાર કરવાની અને ખોરાક મેળવવાની સગવડો ઓછી થઈ છે. નાળિયેર, મધ વગેરે ગૌણ વન્ય પેદાશો એકઠી કરવા માટે તેમને સરકાર તરફથી પ્રોત્સાહન મળે છે. શિકારનાં સાધનો ઓછાં થતાં જાય છે. વંશવૃદ્ધિ મંદ થવાથી એમની સંખ્યામાં ઘટાડો થતો જોવા મળે છે. એમના અસ્તિત્વને ટકાવવા અને વૃદ્ધિ કરવાના આશયથી સ્થાનિક વહીવટી તંત્ર તરફથી આયોજન થઈ રહ્યું છે.
હર્ષદ રા. ત્રિવેદી