ઔચિત્યવિચારચર્ચા : ક્ષેમેન્દ્ર (અગિયારમી શતાબ્દી) દ્વારા વિરચિત કાવ્યસમીક્ષાને લગતો મહત્વપૂર્ણ ગ્રંથ. તેમાં કાવ્યના આત્મારૂપ રસની ચર્વણામાં સહાયક બનતા ‘ઔચિત્ય’નો વિચાર કરાયો છે. ગુણ, અલંકાર આદિના ઉચિત સન્નિવેશને લીધે રસચર્વણામાં ચમત્કૃતિ લાવનાર રસના જીવિતભૂત તત્વને ક્ષેમેન્દ્રે ઔચિત્ય કહ્યું છે. પદ, વાક્ય, પ્રબન્ધાર્થ, ગુણ, અલંકાર, રસ, ક્રિયા, લિંગ, વચન, ઉપસર્ગ, કાલ, દેશ આદિ અનેક રીતે ઔચિત્યનો વિચાર કરી શકાય. વસ્તુત:

‘‘अनौचित्यादृते नान्यद्रसभङ्गस्य कारणम् ।

प्रसिद्धौचित्यबन्धस्तु रसस्योपनिषत् परा.. ।।

‘અનૌચિત્ય સિવાય રસભંગનું કોઈ કારણ નથી. લોકપ્રસિદ્ધ ઔચિત્યયુક્ત નિરૂપણ એ રસનું પરમ રહસ્ય છે.’ (ધ્વન્યાલોક 3-15) એ આનન્દવર્ધનના મતને અનુસરીને ક્ષેમેન્દ્રે ‘ઔચિત્યવિચારચર્ચા’ની રચના કરી છે. ક્ષેમેન્દ્ર પણ રસને જ કાવ્યનો આત્મા માને છે. કાવ્યશાસ્ત્રની રસ, અલંકાર, રીતિ, ધ્વનિ, વક્રોક્તિ આદિની જેમ ‘ઔચિત્ય’ એક વિચારપરંપરા છે, કોઈ સ્વતંત્ર સમ્પ્રદાય કે સિદ્ધાન્ત નથી, પણ ભરત, આનન્દવર્ધન અને અભિનવગુપ્તના ગ્રંથોમાં મળતો મહત્વનો વિચાર છે. ‘ઔચિત્યવિચારચર્ચા’માં ક્ષેમેન્દ્રે તેને વિસ્તારપૂર્વક નિરૂપ્યો છે. વાસ્તવમાં ‘ઔચિત્ય’ એટલે રસલક્ષી ઔચિત્ય; જેનું ભરત, ભામહ, દંડી વગેરેએ યથેષ્ટ ગૌરવ કર્યું છે. ભરતથી માંડી કુન્તક અને મહિમ ભટ્ટ સુધીના ક્ષેમેન્દ્ર પૂર્વેના આચાર્યોએ કોઈ ને કોઈ સ્વરૂપે ઔચિત્યવિચાર ચર્ચ્યો છે. જોકે એ બધામાં ‘ઔચિત્ય’ એવો નામોલ્લેખ મળતો નથી. પણ ઉચિતતાના ભાવ વિશે તો બધા જ સભાન છે.

ઔચિત્ય વિશેનો પ્રથમ વ્યવસ્થિત નિર્દેશ આનન્દવર્ધને જ કર્યો છે. ‘રસધ્વનિવ્યંજના’ સિદ્ધાન્તમાં તેણે ગુણ, અલંકાર, રીતિ, વૃત્તિ, સંઘટના આદિ કાવ્યતત્વોનો સન્નિવેશ કરીને ‘રસધ્વનિ’ના ઔચિત્યને પુષ્ટ કર્યું છે. આમ ઔચિત્યપૂર્ણ શબ્દાર્થવિનિયોગ એ જ મોટું કવિકર્મ છે. સાવધાન કવિ રસવિરોધનો પરિહાર કરી ઔચિત્ય જાળવે છે. અભિનવગુપ્ત પણ ‘ઉચિત’ શબ્દથી રસધ્વનિરૂપ આત્માના અનુસંધાનમાં જ ઔચિત્યનો વિચાર કરે છે. આમ તે ઔચિત્યને સિદ્ધાન્ત કે સ્વતંત્ર અથવા નિરપેક્ષ વાદ માનતા નથી. ક્ષેમેન્દ્ર પણ તેમના શિષ્ય હોવાને નાતે ધ્વનિવાદી જ છે. પણ ઔચિત્યવિચાર ‘बालानां सुखबोधाय નવા નિશાળિયાને સુગમતાથી સમજાય તે સારુ’ અને વિચારને વિશેષ સ્ફુટ કરવા સારુ તેમણે ‘ઔચિત્યવિચારચર્ચા’ની રચના કરી છે.

ઔચિત્ય એક સંબંધ છે. મૂલ વસ્તુ રસાદિ જ છે. રસાદિ વિના ઔચિત્યનું મૂલ્ય ન આંકી શકાય. રસ અને ઔચિત્યનો ગાઢ સંબંધ છે. રસ आत्मा (soul) છે અને ઔચિત્ય प्राण (life) છે. ક્ષેમેન્દ્ર પોતે પણ કહે છે, ‘ઔચિત્ય’ ‘રસસિદ્ધ’ કાવ્યનું જીવિત છે. આથી રસને આત્મસ્થાનેથી ખસેડી ત્યાં ‘ઔચિત્ય’ મૂકવાનું નથી. પણ તે રસરૂપી આત્માની સ્થિતિ માટે પ્રાણરૂપ જીવનાધાયક ઔષધ રૂપે ઔચિત્યનું મહત્વ છે. મ. મ. કુપ્પુસ્વામી શાસ્ત્રીએ ઔચિત્યને સર્વસ્પર્શી કહ્યું છે; જે રસ, ધ્વનિ, વક્રોક્તિ વગેરે સર્વ પરંપરાઓને આશ્લેષે છે. ડૉ. રેવાપ્રસાદ દ્વિવેદી ઔચિત્યનું મહત્વ રસવિઘ્નને દૂર કરવામાં રહ્યું છે એમ માને છે.

તપસ્વી નાન્દી