ઑસ્વાલ્ડ, ફ્રેડરિક વિલ્હેલ્મ (જ. 2 સપ્ટેમ્બર 1853, રિગા, લેટવિયા પ્રજાસત્તાક; અ. 4 એપ્રિલ 1932, લિપઝિગ પાસે, જર્મની) : ભૌતિક રસાયણશાસ્ત્રને એક અલગ શાખા તરીકે વિકસાવવામાં નિર્ણાયક પ્રદાન કરનાર 1909ના નોબેલ પારિતોષિક-વિજેતા વિજ્ઞાની. તેમને નાનપણથી જ રાસાયણિક પ્રયોગો કરવાનો શોખ હતો. 1878માં લેટવિયાની ઉત્તરે આવેલ રાજ્યની ડોરપટ યુનિવર્સિટી(હવે તાર્તુ સ્ટેટ યુનિવર્સિટી)માંથી ડૉક્ટરેટ પદવી મેળવી. 1882થી 1887 સુધી રિગાની પૉલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટમાં અને 1887થી 1906 સુધી લિપઝિગ યુનિવર્સિટીમાં અધ્યાપનકાર્ય કર્યું. લિપઝિગમાં તેમણે જળવિભાજન, સ્નિગ્ધતા, આયનીકરણ અને ઉદ્દીપન જેવા વિવિધ વિષયો પર સંશોધન કર્યું. 1906 પછી નિવૃત્તિ લઈ બધો જ સમય લેખનપ્રવૃત્તિમાં ગાળ્યો. શ્રેણીબદ્ધ પ્રયોગો કરવાની ર્દઢતા, વૈજ્ઞાનિક ઘટનાના હાર્દને સ્પષ્ટ કરતી અંત:પ્રેરણાની સંપ્રજ્ઞતા અને ઉત્કટ સાહિત્યિક અભિરુચિ તેમની લાક્ષણિકતા ગણી શકાય. ક્રાંતિકારી સિદ્ધાંતો રજૂ કરનાર યુવાન વૈજ્ઞાનિકો (i) સ્વાન્તે આઉગુસ્ત આરહેનિયસ અને (ii) જેકોબસ ટેન્ટિક્સ ફાન્ટહોફને તેમણે પ્રોત્સાહન આપ્યું હતું. તેમના આવા સમર્થનને કારણે જ આ સિદ્ધાંતો વિજ્ઞાનજગતમાં ઝડપથી સ્વીકારાયા. આ સિદ્ધાંતોની મદદથી રસાયણની એક આગવી શાખા ‘ભૌતિક રસાયણ’(physical chemistry)ની ર્દઢ પાયા ઉપર સ્થાપના થઈ. આ વિષયનાં સંશોધનપત્રોની પ્રસિદ્ધિ અર્થે ઑસ્વાલ્ડે Zeitschrift fur Physikalische Chemie નામનું સામયિક પ્રગટ કર્યું. લેખક અને સંપાદક તરીકે આ વિષયના વિકાસમાં તેમનો ફાળો અદ્વિતીય ગણાય છે.
બધી જ ભૌતિક ઘટનાઓના પાયામાં ઊર્જા રહેલી છે, તેવું તેમનું માનવું હતું. તેમના મકાનનું નામ પણ ઊર્જા ઉપરથી ‘Landhaus Energic’ રાખેલું; એમાં તેમની પુત્રી ગ્રેટેએ ઑસ્વાલ્ડ સંગ્રહાલય સ્થાપ્યું. ઑસ્વાલ્ડને ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત માન્ય ન હતો, તે જાણતાં આશ્ચર્ય ઊપજે તેમ છે. સંશોધનની શરૂઆત, તેમણે દ્રાવણમાં થતી પ્રક્રિયાઓની ગતિશીલતાના અભ્યાસથી કરી. પછી તેઓ વિદ્યુતરસાયણના સંશોધન તરફ વળ્યા. નિર્બળ વિદ્યુતવિભાજ્યો માટેનો તેમનો મંદન(dilution)નો નિયમ જાણીતો છે. 1894માં તેમણે ઉદ્દીપકની આધુનિક વ્યાખ્યા આપી. ગિબ્સના કાર્ય ઉપરથી તેમણે સાબિત કર્યું કે રાસાયણિક પ્રક્રિયાની સક્રિયન-ઊર્જા(energy of activation)ને નીચી લાવીને, ઉદ્દીપક તે પ્રક્રિયાને વધુ ઝડપી બનાવે છે. આ સંશોધનના પરિપાકરૂપ એમોનિયાનું ઉપચયન (oxidation) કરીને નાઇટ્રિક ઍસિડ મેળવવાની પદ્ધતિ, તેમણે 1902માં વિકસાવી. આજે સમગ્ર વિશ્વમાં નાઇટ્રેટ ખાતરોના ઉત્પાદનમાં આ પદ્ધતિ પાયાની પદ્ધતિ છે. જીવનનાં પાછલાં વર્ષોમાં તેમને ચિત્રકળામાં રસ જાગ્યો અને રંગ અંગે ભૌતિક અને મનોવૈજ્ઞાનિક ર્દષ્ટિએ સંશોધન કર્યું. ઉદ્દીપન, રાસાયણિક સમતોલન અને પ્રક્રિયાવેગ અંગેના તેમના સંશોધન બદલ 1909ના વર્ષનું રસાયણશાસ્ત્ર માટેનું નોબેલ પારિતોષિક તેમને એનાયત કરવામાં આવ્યું હતું.
Klassiker der exakten Wissen Schaften(Classics of Exact Science)માં, તેમણે ભૌતિક અને રસાયણશાસ્ત્રના અગત્યનાં સંશોધનપત્રોને પુન:ર્મુદ્રિત કર્યાં છે. તેની પાછળનો ઉદ્દેશ, યુવાવૈજ્ઞાનિકોને માર્ગદર્શન અને પ્રેરણા મળે તે હતો. તેમણે આત્મકથાના ત્રણ ભાગો પ્રસિદ્ધ કર્યા હતા (1926-27).
તેમનો પુત્ર વુલ્ફગેંગ ઑસ્વાલ્ડ (1883-1943) પણ વિજ્ઞાની હતો. તેણે કલિલ-રસાયણજ્ઞ (colloid chemist) તરીકે નામના પ્રાપ્ત કરી હતી.
ઈન્દ્રવદન મનુભાઈ ભટ્ટ