ઓસ્લો : નૉર્વેનું પાટનગર. સૌથી મોટું શહેર, પ્રમુખ બંદર તથા મુખ્ય સાંસ્કૃતિક કેન્દ્ર. નૉર્વેના દક્ષિણ પૂર્વમાં, ખુલ્લા દરિયાથી આશરે 97 કિમી. દૂર, ઉદ્યોગવ્યાપારનું મહત્વનું મથક. ભૌગોલિક સ્થાન : તે 590 55′ ઉ. અ. અને 100 45′ પૂ. રે.ની આજુબાજુનો 427 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. સ્થાપના 1024. અહીં 11મી સદીમાં સર્વપ્રથમ વસાહત હેરૉલ્ડ ત્રીજા દ્વારા થયાની નોંધ મળે છે. 1624માં આગમાં ભસ્મીભૂત થયું. ડેન્માર્કના રાજા ક્રિશ્ચિયન 4ના નેતૃત્વ હેઠળ તેનું પુન: નિર્માણ થયું અને તેથી તેનું બીજું નામ ક્રિશ્ચિયાના રાખવામાં આવેલું, જે 1624થી 1924 સુધી રહેલું. 1814માં નૉર્વે અને ડેન્માર્ક તથા 1905માં નૉર્વે અને સ્વીડન જુદાં થતાં 1925થી તે પોતાના મૂળ નામ ઓસ્લોથી ઓળખાય છે. શિયાળામાં તીવ્ર ઠંડી (-4 × 30 સે.) તથા ઉનાળામાં શીતળ આબોહવા (16.40 સે.) હોય છે. વાર્ષિક સરેરાશ વરસાદ 763 મિલીમિટર. આ શહેરની વસ્તી 36,059 (2020). મેટ્રો પોલિટન વિસ્તાર સાથે વસ્તી 7,96,392 (2020). શહેરની આજુબાજુમાં બરફઆચ્છાદિત ટેકરીઓની હારમાળા. ઓસ્લોની પહાડીઓની હારમાળા છેદીને અંદર ઘૂસી ગયેલી દરિયાઈ સાંકડી ખાડી શહેરના વિશાળ બંદર તરફ વિસ્તરેલી છે. શહેર ટેકરીઓ તથા દેવદારનાં વૃક્ષોથી ઘેરાયેલું છે. બંદર જંગી જહાજોનો સમાવેશ કરવાની ક્ષમતા ધરાવે છે. દક્ષિણ નૉર્વે, સ્વીડન તથા ડેન્માર્ક મારફત યુરોપનાં મહત્વનાં સ્થળોને જોડતા બે મુખ્ય રેલમાર્ગો વિકસાવવામાં આવ્યા છે. વીજળીથી ચાલતી ટ્રેનો દ્વારા પરાવિસ્તાર સાથે સતત સંપર્ક રહે છે. નૉર્વેનાં અન્ય પ્રમુખ શહેરો, યુરોપનાં મુખ્ય સ્થળો તથા અમેરિકા સાથે આ શહેર હવાઈ માર્ગ દ્વારા જોડાયેલું છે. પર્યટકો અને સહેલાણીઓ માટે ઓસ્લો આકર્ષણનું સ્થળ છે.

શિલ્પ-કલાકૃતિઓનો ઉદ્યાન, ઓસ્લો

કાર્લ જૉહાન્સગેટ માર્ગ પર ઇબ્સનના નામ સાથે જોડાયેલું રાષ્ટ્રીય નાટ્યગૃહ, વિશ્વવિદ્યાલય તથા સંસદભવન આવેલાં છે. શહેરના મુખ્ય બજારવિસ્તારમાં ઓસ્લો કેથીડ્રલની ભવ્ય ઇમારત સત્તરમી સદીના બેનમૂન સ્થાપત્યનો પરિચય આપે છે. શહેરમાં અન્યત્ર આવેલી નભોવાણી કેન્દ્ર જેવી ઇમારતો ઓગણીસમી તથા વીસમી સદીના સ્થાપત્યના મિશ્રણરૂપ છે. શહેરના નવસોમા વાર્ષિક દિનની ઉજવણીના ભાગ રૂપે ખાસ બનાવેલ ટાઉનહૉલમાં વિખ્યાત ચિત્રકારોનાં વિશાળ ભીંતચિત્રો મૂકવામાં આવેલાં છે. ફ્રોગનર પાર્કમાં સુવિખ્યાત સ્થપતિ એડૉલ્ફ ગુસ્તાવ વિગલૅન્ડનાં કલાત્મક શિલ્પોનો અદ્વિતીય સંગ્રહ છે. વૈભવશાળી સંગ્રહાલયો આ શહેરની ખાસ વિશિષ્ટતા છે; એમાં દેશના જુદા જુદા વિસ્તારોમાંની 150 જેટલી લાકડાની જૂની ઇમારતોના ભાગ અહીં લાવી, તેમને ફરી એકત્રિત કરી મૂળ સ્થિતિમાં ઊભા કરવામાં આવેલા છે. નૅશનલ ગેલેરીમાં એડ્વર્ડ મંચનાં ચિત્રોનું કાયમી પ્રદર્શન છે. શહેરમાં ઘણાં નાટ્યગૃહો તથા સિનેમાગૃહો છે. અહીંનાં વાઇકિંગ મ્યુઝિયમ, 13મી સદીનો કિલ્લો, 17મી સદીનું કથીડ્રલ અને રાષ્ટ્રીય ગેલેરી જોવાલાયક છે.

અહીં મૂડીમાલ તથા વપરાશી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતાં કારખાનાં છે, વિવિધ વસ્તુઓની નિકાસ તેના બંદર મારફત થાય છે. વહાણવટા ઉપરાંત ઇમારતી લાકડું, કાપડ તથા ધાતુની ચીજવસ્તુઓનું પ્રક્રમણ ત્યાં થાય છે. અહીંનું બંદર ઓસ્લો ફિયૉર્ડના મથાળે બાંધવામાં આવેલું છે. શિયાળામાં તે ઠરી જતું હોવાથી બરફ તોડવાનાં સાધનો દ્વારા બરફને તોડીને બારાને ખુલ્લું રાખવામાં આવે છે.

શિયાળામાં બરફ પર સરકવાની રમતો ત્યાં ખૂબ લોકપ્રિય છે. અહીં દર વર્ષે માર્ચ મહિનામાં આ રમતોની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓનું આયોજન થાય છે; એમાં એક લાખથી પણ વધુ સ્પર્ધકો ભાગ લે છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે