ગૉથિક નવલકથા : અઢારમી સદીના ઉત્તરાર્ધમાં અને ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં પશ્ચિમી દેશોમાં લોકપ્રિય નીવડેલી વીરશૃંગારરસની કથા. ‘ગૉથિક’નો કઢંગું, અસંસ્કૃત, અસંસ્કારી કે અણઘડ એવો અર્થ કરવામાં આવતો. અઢારમી સદીના પૂર્વાર્ધના નવપ્રશિષ્ટવાદ(neoclassicism)ની અતિશય ધીરગંભીરતાના પ્રત્યાઘાત રૂપે લેખકોને આ સાહિત્યપ્રકારનું આકર્ષણ જાગ્યું. આ નવલકથાઓમાં ભયંકર, રહસ્યરંગી તથા લોકોત્તર પાત્રો-પ્રસંગો આલેખવામાં આવતાં. તે માટે અત્યંત દૂરનો સમયગાળો, ખાસ કરીને મધ્યયુગનો સમયગાળો અને પરદેશની ઘટનાભૂમિ એટલે કે મુખ્યત્વે દક્ષિણ યુરોપના કૅથલિક દેશોની પસંદગી કરવામાં આવતી. ભેંકાર મહાલયો, કબ્રસ્તાનો, ખંડિયેરો, મઠ, કિલ્લા કે ગઢ, કેદીઓ માટેની અંધારકોટડી, પર્વતીય પ્રદેશો કે વેરાન વગડાઉ સ્થળોમાં કથાવસ્તુ ગોઠવાતું. તેમાં રહસ્ય અને અદભુતતા તેમજ શૌર્ય અને શૃંગારના તાણાવાણા વણી લેવાતા; પરિણામે આ બધી સામગ્રીમાંથી અજાયબી પમાડનારું અને કલ્પનાને ઉત્તેજનારું લોકોત્તર ભાવજગત પ્રગટ થતું.
છેક 1753માં સ્મૉલેટની નવલકથા ‘ફર્ડિનાન્ડ કાઉન્ટ ફૅધમ’થી આ પ્રકારનો આવિષ્કાર થયો ગણાય; પરંતુ ઇંગ્લૅન્ડમાં તેનો નિશ્ચિત પ્રારંભ થયો ગણાય હૉરેસ વૉલપોલની ‘ધ કૅસલ ઑવ્ ઓટ્રેન્ટો’(1764)થી. આ નવલકથાની બેહદ લોકપ્રિયતાને પરિણામે લેખકો અને વાચકોમાં ગૉથિક નવલકથાઓનું અનેરું આકર્ષણ જાગ્યું. તેમની શૈલીનું સૌથી સફળ અનુકરણ કર્યું ઍન રેડક્લિફે. તેમની ‘મિસ્ટરીઝ ઑવ્ ઉડોલ્ફો’ (1794) તથા ‘ઇટાલિયન’ (1797) ગૉથિક નવલના ઉત્તમ નમૂના ગણાય છે. આ પ્રકારના અન્ય નવલકથાકારોમાં ક્લારા રીવ, વિલિયમ બૅકફર્ડ, એમ. જી. લુઈ અને સી. આર. મેચ્યુરિન ઉલ્લેખનીય છે. ભયાનકતા અને હિંસાખોરીમાં રાચનારો ગૉથિક રોમૅન્સનો તદ્દન જુદો પ્રકાર જર્મનીમાં ખૂબ પ્રચલિત હતો. એમ. જી. લુઈની ‘ધ મૉન્ક’ (1796) નામની નવલકથાથી તેનો ઇંગ્લૅન્ડમાં પ્રભાવ વધ્યો. મૅરી શેલીના ‘ફ્રૅન્કેન્સ્ટીન’(1818)માં ભયાનકતા તથા હિંસાખોરીના નિરૂપણને વૈજ્ઞાનિક ભૂમિકા મળી રહે છે. બ્રામસ્ટૉકરની ‘ડ્રેક્યુલા’ (1897) નામની કૃતિ આ ગૉથિક નવલનું ઉત્તમ અને ખૂબ જાણીતું ર્દષ્ટાંત છે.
આ પ્રકારની નવલકથાઓની પ્રારંભથી જ ટીકા થવા માંડી હતી અને શૈલીની અતિરંજકતાના કારણે એ પ્રકાર ઝાઝું જીવ્યો નહિ; પરંતુ ગૉથિક શૈલીનો પ્રભાવ પછીના છૂટાછવાયા સર્જકોમાં ડોકાતો રહે છે ખરો. આમાં રોમૅન્ટિક કવિતાના અગ્રણી કૉલરિજની ‘ક્રિસ્ટાબેલ’, ચાર્લ્સ ડિકન્સની ‘બ્લીક હાઉસ’ તથા ‘ગ્રેટ એક્સ્પેક્ટેશન્સ’ જેવી નવલકથાઓ, બ્રૉન્ટી બહેનોની નવલકથાઓ અને એડગર ઍલન પોની વાર્તાઓ આનાં લાક્ષણિક ઉદાહરણો છે. હવે આ ‘ગૉથિક’ વિશેષણ પેપરબૅક આવૃત્તિઓમાં પ્રગટ થતી ‘રોમૅન્સ’ રચનાઓ તથા મનોરંજક સામયિકોમાંની કૃતિઓ પૂરતું જ સીમિત રહ્યું છે.
મહેશ ચોકસી