ઓસમુન્ડેસી : ત્રિઅંગી વનસ્પતિઓમાં આવેલા આદિ-તનુબીજાણુધાનીય (protoleptosporangiopsida) વર્ગના ઓસમુન્ડેલિસ ગોત્રનું એકમાત્ર કુળ. આ કુળના સભ્યો સુબીજાણુધાનીય (Eusporangiopsida) અને તનુબીજાણુધાનીય(Leptosporangiopsida)નાં વચગાળાનાં લક્ષણો ધરાવતા હોઈ તે બંને વર્ગની જોડતી કડી ગણાય છે. તેઓનાં સુબીજાણુધાનીય લક્ષણો આ પ્રમાણે છે :

ઓસમુન્ડેસી (osmunda) સંપૂર્ણ છોડ

(1) બીજાણુધાનીનો વિકાસ સુબીજાણુધાનીય પ્રકારનો હોય છે. એટલે કે, તેનો વિકાસ આરંભિક (initial) કોષોના સમૂહ દ્વારા થાય છે.

(2) બીજાણુધાની સ્થૂળ (massive) હોય છે અને વિપુલ પ્રમાણમાં બીજાણુઓ ઉત્પન્ન કરે છે. બીજાણુધાનીઓ સ્પષ્ટ બીજાણુધાનીપુંજ (sorus) બનાવતી નથી.

(3) પુંધાનીઓ (antheridia) મોટા કદની હોય છે. તેમની દીવાલ ઘણા કોષોની બનેલી હોય છે અને અસંખ્ય ચલપુંજન્યુઓ (spermatozoids) ઉત્પન્ન કરે છે.

(4) પૂર્વદેહ (prothallus) મરાટિયાની જેમ જાડો, સ્થૂળ અને દીર્ઘાયુ હોય છે.

(5) સ્ત્રીધાની(archegonium)ની રચના અને વિકાસ સુબીજાણુધાનીય જેવો હોય છે.

(6) પર્ણદંડની અંત:સ્થરચનામાં અંત:સ્તર સ્પષ્ટ હોતું નથી અને વાહીપુલની પાસે શ્લેષ્મ-નલિકાઓ (mucilage-canals) જોવા મળે છે. આ લક્ષણ મરાટિયેલિસ સાથે સામ્ય ધરાવે છે.

(7) પર્ણદંડના તલભાગે ઉપપર્ણો (stipules) જેવી રચનાઓ હોય છે.

આ કુળનાં તનુબીજાણુધાનીય લક્ષણો આ પ્રમાણે છે :

(1) આદિબીજાણુક (archesporial) કોષોમાંથી પોષકસ્તર-(tapetum)ની ઉત્પત્તિ.

(2) બીજાણુધાનીમાં આદિપ્રકારનું સ્ફોટી વલય (annulus).

(3) બીજાણુધાનીની દીવાલ એકસ્તરીય.

(4) પુંધાનીઓ અને સ્ત્રીધાનીઓ પ્રક્ષેપી (projecting) પ્રકારની.

(5) પૂર્વદેહમાં અંત:જીવી (endophytic) ફૂગનો અભાવ હોય છે અને તે હૃદયાકાર હોય છે.

(6) યુગ્મનજનું પ્રથમ વિભાજન લંબવર્તી હોય છે.

આ કુળનાં સામાન્ય લક્ષણો આ પ્રમાણે છે :

(1) આ કુળના સભ્યો ભૌમિક (terrestrial) હોય છે અને જાડી, સખત અને ઊભી ગાંઠામૂળી ધરાવે છે. ગાંઠામૂળી ઉપર શલ્કો આવેલા હોતા નથી.

(2) પર્ણો મોટાં અને પિચ્છાકાર (pinnately) સંયુક્ત હોય છે. તેઓ એકપિચ્છાકાર, દ્વિપિચ્છાકાર કે બહુપિચ્છાકાર હોય છે. પર્ણતલ ગ્રંથિમય રોમ દ્વારા આવરિત હોય છે. શિરાવિન્યાસ ખુલ્લો દ્વિશાખિત (dichotomous) હોય છે. તરુણ પર્ણો અગ્રવલિત (circinate) હોય છે અને રોમ વડે આવરિત હોય છે.

(3) પર્ણતલો દીર્ઘસ્થાયી (persistent) અને ર્દઢોતકીય (sclerenchymatous) હોય છે.

(4) પ્રકાંડમાં રંભીય (stelar) આયોજન જાલરંભ (dictyoxylic) પ્રકારનું હોય છે.

(5) પ્રકાંડનો રંભ અસંખ્ય દીર્ઘસ્થાયી પર્ણતલોના અસંખ્ય રંભ દ્વારા ઘેરાયેલો હોય છે.

(6) બીજાણુધાનીઓ ધરાવતી પર્ણિકાઓ વંધ્ય પર્ણિકાઓ તદ્દન ભિન્ન હોય છે. ફળાઉ પર્ણિકાઓ કદમાં ઘણી નાની હોય છે. બીજાણુધાનીઓ વીખરાયેલી અને બહિ:સ્થ (superficial) હોય છે. તેમનો વિકાસ સમકાલિક (simultaneous) હોય છે. પુંજછદ (indusium) હોતું નથી.

(7) બીજાણુધાનીઓ ટોચ પર સ્ફોટી વલય ધરાવે છે. બીજાણુઓ ચતુષ્ફલકીય (tetrahedral) અને લીલાં હોય છે અને બીજાણુચોલ(perispore)નો અભાવ હોય છે.

(8) પૂર્વદેહ અધિભૌમિક (epiterranean), લીલો, હૃદયાકાર અને દીર્ઘાયુ હોય છે. તેનો મધ્યભાગ ખૂબ જાડો અને એકગૃહી (monoecious) હોય છે.

(9) લિંગી અંગો બહિર્ગત (emergent) હોય છે. સ્ત્રીધાનીઓ ગ્રીવાકોષોની છ ઊભી હરોળ ધરાવે છે. પુંધાનીઓ પૂર્વદેહની ધાર પર ઉત્પન્ન થાય છે. પુંધાનીઓનો વિકાસ સુબીજાણુધાનીય કે તનુબીજાણુધાનીય સાથે સામ્ય ધરાવતો નથી.

(10) ભ્રૂણ-વિકાસ બહિર્મુખી (exoscopic) કે અંતર્મુખી (endoscopic) હોતો નથી. યુગ્મનજનું પ્રથમ વિભાજન લંબવર્તી, બીજું પ્રથમને કાટખૂણે લંબવર્તી અને ત્રીજું અનુપ્રસ્થ તલમાં થાય છે.

આ કુળમાં ત્રણ જીવંત (Osmunda, Todea અને Leptopteris) અને ત્રણ અશ્મીભૂત પ્રજાતિઓ(Zalesskya, Thamnopteris અને Osmundites)નો સમાવેશ કરવામાં આવ્યો છે. Osmundaની લગભગ 12થી 14 જાતિઓ નોંધાઈ છે અને ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ પ્રદેશોમાં થાય છે. ભારતમાં તેની ત્રણ જાતિઓ (O. regalis, O. claytoniana અને O. cinnamomea) થાય છે. Todeaની એક જ જાતિ (T. barbara) ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ અને દક્ષિણ આફ્રિકામાં થાય છે. Leptopterisની છ જેટલી જાતિઓ થાય છે અને ન્યૂઝીલૅન્ડ અને પૉલિનેશિયા પૂરતું મર્યાદિત છે. તેનાં પર્ણો પાતળાં અને રંધ્રવિહીન હોય છે.

પંચમઢીની ઊંડી ખીણોના જંગલમાં Osmunda પુષ્કળ પ્રમાણમાં થાય છે. O. claytonianaના પર્ણમાં મધ્યમાં આવેલી પર્ણિકાઓ ફળાઉ હોય છે. O. cinnamomeaમાં બે પ્રકારનાં પર્ણો હોય છે. ફળાઉ પર્ણો પર બીજાણુધાનીઓ હોય છે અને વંધ્ય પર્ણો પર બીજાણુધાનીઓ ઉત્પન્ન થતી નથી. O. regalisમાં ફળાઉ પર્ણિકાઓ પર્ણના અગ્રસ્થાને જ આવેલી હોય છે.

સરોજા કોલાપ્પન

બળદેવભાઈ પટેલ