ઓસાકા : જાપાનનાં પ્રાચીન નગરોમાંનું એક. દેશનું બીજા ક્રમનું મોટું શહેર. ઉદ્યોગ-વ્યાપારનું ગંજાવર કેન્દ્ર તથા દક્ષિણ હોન્શુ ટાપુના ઓસાકા પ્રાંતનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 340 30’ ઉ. અ. અને 1350 30’ પૂ. રે.. ઓસાકા, કોબે તથા ક્યોટો આ ત્રણેના સંયુક્ત ઔદ્યોગિક વિસ્તારને કાઇહાનશીન અથવા કિંકી નામથી ઓળખવામાં આવે છે. આ નગર પૅસિફિક મહાસાગરના હોન્શુ ટાપુના તટપ્રદેશ તથા યોડો નદીના મુખત્રિકોણ પર દેશના અત્યંત ગીચ વસ્તીવાળા વિસ્તારમાં વસેલું છે. નાનીમોટી નહેરો તથા જળમાર્ગોના કારણે શહેરના જુદા જુદા વિસ્તારોને એક હજાર ઉપરાંત પુલોથી સાંકળી લેવામાં આવ્યા છે અને તે દ્વારા નગરનો આર્થિક તથા અન્ય વ્યવહાર ચાલે છે. શહેરની આ લાક્ષણિકતાને લીધે ઓસાકા પૂર્વના ‘વેનિસ’ તથા ‘જળનગર’ (city of water) તરીકે ઓળખવામાં આવે છે. વિસ્તાર : 210.9 ચોકિમી. તથા વસ્તી : 26,91,185 (2020).

ઉદ્યોગ-વ્યાપારના ક્ષેત્રે નગરના સર્વાંગી વિકાસને લીધે ઓસાકા ‘જાપાનનું શિકાગો’ ગણાય છે. એક જમાનામાં ત્યાં કાપડ-ઉદ્યોગના વિકાસને લીધે તે ‘જાપાનના મૅન્ચેસ્ટર’ તરીકે પણ ઓળખાતું હતું. કાપડ-ઉદ્યોગના ક્ષેત્રે આજે પણ આ નગર શ્રેષ્ઠ ગણાતું હોવા છતાં બીજા વિશ્વયુદ્ધ પછીના ગાળામાં ત્યાં વૈવિધ્યપૂર્ણ ઔદ્યોગિક વિકાસ થયો છે, જેમાં પાયાના ઉદ્યોગોના વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે; દા. ત., વહાણવટું, લોખંડ અને પોલાદ, યંત્રો, વીજળીનાં ઉપકરણો, રસાયણો, ખાતર, પેટ્રો-રસાયણ અને ધાતુકામ જેવા ઉદ્યોગોના વિકાસ માટે તે જાણીતું છે. નગરમાં 30,000 ઉપરાંત ઔદ્યોગિક એકમો છે (1960). એમાંથી મોટાભાગનાં મધ્યમ તથા નાના કદનાં છે. અલબત્ત, ઝડપી ઔદ્યોગિક વિકાસને લીધે શહેરમાં ગીચ વસ્તી, પાણી તથા હવાનું પ્રદૂષણ તેમજ કચરો તથા મેલા પાણીના નિકાલ જેવી સમસ્યાઓ ઊભી થઈ છે. ઓસાકા જાપાનનું સૌથી મોટું નાણાકેન્દ્ર છે. ત્યાં ટંકશાળ તથા શૅરબજાર પણ છે.

નહેરો અને નદીઓનું નગર  ઓસાકા

ઓસાકા એ માનવનિર્મિત બંદર હોવાને લીધે જમા થયેલા કાંપને સતત ઉલેચી તેની ઊંડાઈ ટકાવી રાખવી પડે છે; જેથી કોઈ પણ વિક્ષેપ વગર જળમાર્ગ તરીકે તેનો ઉપયોગ કરી શકાય. દેશના કુલ નિકાસના 30 ટકા જેટલો વ્યાપાર આ બંદર મારફત થાય છે. દેશનું તે એક મહત્વનું રેલજંક્શન છે. ત્યાંની ભૂગર્ભ રેલવે વિશ્વવિખ્યાત છે, છતાં પરાવિસ્તારના તથા પ્રાદેશિક પ્રવાસીઓની રોજિંદી અવરજવરનું ઉત્કૃષ્ટ સંચાલન ખાનગી હસ્તકના વિદ્યુત રેલમાર્ગ દ્વારા થાય છે. શહેરની ઉત્તરે ઇટામી ખાતે આંતરરાષ્ટ્રીય વિમાની મથક છે.

પ્રાચીન કાળથી આ નગર જાપાનની સંસ્કૃતિના ધામ તરીકે જાણીતું છે. સંગીત, નાટ્ય, સંગીતનાટક, કઠપૂતળીઓની રમત જેવી પ્રવૃત્તિઓ માટે શહેરમાં ભિન્ન ભિન્ન વિસ્તારમાં કેન્દ્રો ઊભાં કરવામાં આવ્યાં છે. ઉપરાંત શહેરમાં ઘણાં વિશ્વવિદ્યાલયો તથા ઉચ્ચશિક્ષણની સંસ્થાઓ છે; જેમાં ઓસાકા વિશ્વવિદ્યાલય, ઓસાકા મ્યુનિસિપલ વિશ્વવિદ્યાલય, કાનસાઈ વિશ્વવિદ્યાલય ઉપરાંત લગભગ દરેક વિદ્યાશાખા દીઠ અલાયદાં વિશ્વવિદ્યાલયો છે. આ નગર સમાચાર-માધ્યમોનું અગત્યનું રાષ્ટ્રીય કેન્દ્ર છે.

પર્યટકો માટે નગરમાં છઠ્ઠી સદીમાં બનાવેલું શિટેનોજી બૌદ્ધ મંદિર, તેનોજી પાર્ક, વનસ્પતિ તથા પ્રાણીસંગ્રહાલયો, 1583માં બંધાવેલો કિલ્લો, વસ્તુસંગ્રહાલયો તથા વિશાળ ઉદ્યાનો છે. ઉપરાંત, દરિયાકિનારા પર તથા ક્યોટોનગર પાસેના બિવા સરોવર(Lake Biwa)ની આસપાસ આનંદપ્રમોદનાં સ્થળો વિકસાવવામાં આવ્યાં છે.

જાપાનનું સર્વપ્રથમ એકસ્પો વિશ્વપ્રદર્શન (‘Expo – 70’) આ જ નગરમાં આયોજિત કરવામાં આવ્યું હતું. સાડા છ કરોડ લોકોએ તેની મુલાકાત લીધી હતી તેવો અંદાજ છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે