ઓવિડ (જ. 20 માર્ચ ઈ. પૂ. 43, સલ્મો, ઇટાલી; ઈ. સ. 17, ટોમિસ મોશિયા) : સમર્થ રોમન કવિ. રોમન સંસ્કૃતિના ઉત્કર્ષકાળ સમા ઑગસ્ટસના શાસનકાળ દરમિયાન સાહિત્યની સમૃદ્ધ પરિપાટીનું નિર્માણ કરનાર વર્જિલ, હોરેસ અને ઓવિડ – એ ત્રણ મહાન પ્રશિષ્ટ કવિજનો – તેમાંના એક. આખું નામ પુબ્લિયસ ઓવિડિયસ નાસો. રોમના સમ્પન્ન પરિવારમાં જન્મ. તેથી બન્ને ભાઈઓને પિતાએ રોમ શિક્ષણ માટે મોકલેલ. ઓવિડની ઉંમર તે વખતે બાર વર્ષની હતી. વક્તૃત્વ અને કાવ્યકલાના પાઠ તેઓ સરસ રીતે ભણ્યા. તેમના ભાઈનું અકાળે મૃત્યુ થયું. સેનેકાએ જણાવ્યા મુજબ ઓવિડને તર્કશાસ્ત્ર કરતાં નીતિશાસ્ત્રમાં વધુ રસ હતો. તર્ક કરતાં સવિશેષ તેમની બાની ઊર્મિને અભિવ્યક્ત કરતી હતી. પોતાનું બાળપણ જ્યાં પસાર થયું તે જન્મભૂમિનાં લીલાંછમ ખેતરોની સંભારણાંનો તેમની કવિતામાં વારંવાર ઉલ્લેખ થયો છે. ઍથેન્સમાં થોડો સમય ગાળી તેમણે ગ્રીસના ટાપુઓમાં ભ્રમણ કર્યું. રાજદ્વારી નોકરીને જલદીથી છોડી તેમણે કાવ્યલેખનમાં પોતાનું દિલ જોડ્યું. પ્રોપર્શિયસ અને હોરેસ જેવા કવિઓ સાથે તેમને ઓળખાણ હતી. જોકે વર્જિલને તે કદી પણ મળી શક્યા ન હતા. ટિબ્યુલસના મૃત્યુ નિમિત્તે તેમણે કરુણ-પ્રશસ્તિકાવ્ય (elegy) લખ્યું હતું.
‘ઍમૉર્સ’ એટલે કે કામોદ્દીપક પ્રેમક્રીડાનાં વર્ણનો અને ‘લવ્ઝ’ રેખાચિત્રો દ્વારા ઓવિડે સૌપ્રથમ પ્રસિદ્ધિ મેળવી. ‘ઍમૉર્સ’ના પાંચ ભાગ છે. આમાં એલેજિયક છંદમાં પ્રિયતમા કૉરિનાને ઉદ્દેશીને લખેલ ટૂંકાં કાવ્યો છે. ‘હેરોઇડસ’ એમનો બીજો સંગ્રહ. પિનલપી, ડાયડો, મીડિયા આદિ ઇતિહાસપ્રસિદ્ધ પ્રેમિકાઓ દ્વારા પોતાના પ્રેમીજનોને ઉદ્દેશીને લખાયેલાં કાલ્પનિક પત્રકાવ્યોનો આ સંચય ઉલ્લેખપાત્ર છે, પણ ઓવિડ તેમના બે કાવ્યગ્રંથોથી વિશ્વવિખ્યાત છે : ‘આર્સ ઍમેટોરિયા’ અને ‘મેટામૉર્ફોસિસ’. રોમનાં ફૅશનેબલ વર્તુળોમાં આ અત્યંત આદરપાત્ર કવિએ રોમનાં ક્રીડાસ્થાનો, મિલનસ્થાનો, નાટ્યગૃહો, સ્પર્ધા માટેનાં સ્થળો કે જ્યાં રોમની સન્નારીઓ, સદગૃહસ્થો, યુવકો અને યુવતીઓ મળતાં તેમજ પરસ્પર આકૃષ્ટ થઈ સ્નેહભર્યા હાવભાવોથી અંતર્વૃત્તિઓ પ્રકટ કરતાં તેનું તાર્દશ આલેખન ‘આર્સ ઍમેટોરિયા’માં કર્યું છે. આ ગ્રંથના પ્રકાશને ઓવિડ માટે મુસીબત ઊભી કરી. સુબદ્ધ સમાજની પોતાની યોજનામાં બાધારૂપ લાગતા આ ગ્રંથના કવિ ઓવિડને સમ્રાટ ઑગસ્ટસે બ્લૅક સી-માં આવેલ ટોમિસ ટાપુમાં દેશનિકાલ કર્યા. તે દરમિયાન તેમણે ‘ટ્રિસ્ટિયા’ (સૉરોઝ) લખ્યું. આ જ અરસામાં કવિએ પોતાની અન્ય કીર્તિદા કૃતિ ‘મેટામૉર્ફોસિસ’ પૂરી કરી હતી. ‘મેટામૉર્ફોસિસ’ 15 ભાગમાં લખાયેલું સુદીર્ઘ કાવ્ય છે. હેક્ઝામીટર નામના છંદમાં તે લખાયું છે. પૌરાણિક દંતકથાઓ સાથે તે જોડાયું છે. પ્રથમ સર્જનથી રૂપાંતર થતાં પશુ, પંખીઓ, માનવો અને દેવોની આ વાત છે. અહીં સૃષ્ટિ પહેલાંની પ્રકૃતિની અમૂર્ત અંધાધૂંધીની સ્થિતિમાંથી વ્યવસ્થા કેમ થઈ તેનું બ્યાન છે. છેલ્લે મૃત્યુ અને દેવાંશીપણું પામેલા જુલિયસ સીઝરની વાત છે. જોકે આ મહાકાવ્યનું વસ્તુ સતતપણે ઉત્કટ મનોવિકાર છે. શિષ્ટ લૅટિન સાહિત્યનું આ કાવ્ય ઘરેણું છે. જાતેભાતે તે ગ્રીક છે અને રોમન પણ છે.
‘રેમેડિયા ઍમૉરિસ’(ક્યૉર ફૉર લવ)માં તેમણે કામોત્તેજક વર્ણનોને બદલે શુદ્ધ પ્રેમની વાતો કરી. તે પછી તેમણે ‘એપિસ્ટૂલે હીરોઇડમ’(‘લેટર્સ ફ્રૉમ હીરોઇન્સ’)માં પ્રેમ વિશે સ્વગતોક્તિઓ રજૂ કરી છે. કદાચ તેમના મહાકાવ્ય ‘મેટામૉર્ફોસિસ’નાં બીજ અહીં પડ્યાં છે.
તેમનાં ત્રણ લગ્નોના મુકાબલે છેલ્લું લગ્ન સફળ હતું. હોરેસના મૃત્યુ બાદ ઓવિડનું નામ રોમન કવિઓમાં સૌથી મોટું હતું. તેમણે લખેલું એકમાત્ર નાટક ‘મીડિયા’ જોવા મળતું નથી. જોકે વિવેચક ક્વિન્ટિલિયન અને ઇતિહાસકાર ટેસિટસે તેની પ્રશંસા કરી છે. સેનેકાની આ જ નામની નાટ્યકૃતિ પર તેની અસર અવશ્ય થઈ હશે તેમ વિવેચકો માને છે.
ઓવિડે ‘ફાસ્ટિ’ (કૅલેન્ડર) નામનું ઋતુ અને ઉત્સવકાવ્ય 12 ભાગમાં લખ્યું છે. જોકે તેના 6 ભાગ જ ઉપલબ્ધ છે. ઉત્સવોની ઉત્પત્તિનું શાસ્ત્રોક્ત વર્ણન આ પ્રકારના કાવ્યમાં થાય છે. તેને ‘ઇટિયૉલૉજિકલ’ કાવ્ય કહે છે. જોકે ‘ફાસ્ટિ’માં રાજવંશવંશાવળીની ભાટાઈ છે.
નલિન રાવળ
વિ. પ્ર. ત્રિવેદી