ઓવેન, રૉબર્ટ (જ. 14 મે 1771, યુ. કે.; અ. 17 નવેમ્બર 1858, યુ. કે.) : ઇંગ્લૅન્ડના સમાજવાદી ઉદ્યોગપતિ અને આદર્શપ્રેમી પ્રયોગલક્ષી ચિંતક. 10 વર્ષની ઉંમરે વણકર તરીકે તાલીમ લીધી. 19 વર્ષની ઉંમરે મૅંચેસ્ટરની એક મોટી મિલમાં સુપરિન્ટેન્ડન્ટ નિમાયા. ટૂંક સમયમાં તેમણે પોતાની કાર્યદક્ષતાથી મિલને દેશની પ્રથમ પંક્તિની મિલ બનાવી. તેના મૅનેજર અને પછી ભાગીદાર બન્યા. તેમની સલાહથી ભાગીદારોએ લૅનાર્કશાયર ખાતેની ન્યૂ લૅનાર્ક મિલ ખરીદી અને ઓવેનના આદર્શોને કાર્યાન્વિત કરવા માટેની તે પ્રથમ પ્રયોગશાળા બની. શ્રમજીવી વર્ગ માટે સારાં રહેઠાણો સુલભ થાય, કારખાનાંમાં સારાં યંત્રો તથા ઓજારો ઉપલબ્ધ થાય અને બાળશ્રમિકોનું શોષણ અટકે તે માટે તેમણે ઝુંબેશ શરૂ કરી. શ્રમજીવી વર્ગનાં બાળકો માટે તેમણે શાળાઓ સ્થાપી. સસ્તા દરે જીવનજરૂરિયાતની વસ્તુઓ મળે તેવા વસ્તુભંડારો ઊભા કર્યા. સમાજસુધારાના ક્ષેત્રમાં ઓવેનની મોટામાં મોટી સિદ્ધિ બાળશિક્ષણના ક્ષેત્રે છે. ઇંગ્લૅન્ડમાં સર્વપ્રથમ શિશુશિક્ષણસંસ્થા ઊભી કરવાનો જશ તેમને ફાળે જાય છે (1816). 1813માં તેમણે શરૂ કરેલા ઉત્પાદન-પેઢીના શૅરહોલ્ડરોમાં જેરેમી બથામ તથા વિલિયમ ઍલન જેવી સુવિખ્યાત વ્યક્તિઓનો સમાવેશ થતો હતો. ઇંગ્લૅન્ડમાં 1819માં પસાર કરવામાં આવેલો ફૅક્ટરી ઍક્ટ એ શ્રમજીવી વર્ગની સ્થિતિ સુધારવા માટે ઓવેને ઉપાડેલી ઝુંબેશનું પરિણામ હતું. આદર્શ (utopian) સમાજઘટકો ઊભાં કરવા માટે તેમણે ઘણા નવતર પ્રયોગો દાખલ કર્યા તથા અન્યત્ર આ દિશામાં થતા પ્રયોગોને પ્રોત્સાહન પણ આપ્યું હતું.

રૉબર્ટ ઓવેન

ઓવેનની વિચારસરણી મુજબ માણસના ચારિત્ર્ય-ઘડતર પર તેના સંજોગો તથા સામાજિક વાતાવરણ અસર કરે છે. તેનાં દુષ્કૃત્યો માટે તે પોતે જવાબદાર ગણાય નહિ. સારા નાગરિકો તૈયાર કરવા હોય તો બાળપણથી જ તેમનામાં સારા સંસ્કારોનું સિંચન થાય તેવી કેળવણી તથા વાતાવરણ આવશ્યક છે. એ સિદ્ધાન્ત અનુસાર શિક્ષણવ્યવસ્થા તથા સામાજિક સુધારણાનું તેમણે આયોજન કર્યું. યંત્રો પર માનવનું પ્રભુત્વ રહે એમાં માનવજીવનની વિપત્તિઓનો એકમાત્ર ઉકેલ રહેલો છે તેવી તેમની ર્દઢ માન્યતા હતી. દારિદ્ર્યની નાબૂદી માટે તેમણે ‘એકતા તથા સહકાર’ પર આધારિત ગામડાંના નિર્માણ પર ભાર મૂક્યો હતો. આ આદર્શો કાર્યાન્વિત કરવા માટે તેમણે 1825માં અમેરિકાના ઇન્ડિયાના રાજ્યમાં 30,000 એકર જમીન ખરીદી હતી અને ત્યાંની વસાહતને ‘ન્યૂ હાર્મની’ નામ આપ્યું. શરૂઆતમાં આ નવતર પ્રયોગને સફળતા પણ મળી. પરંતુ સમય જતાં તેમાં અનેક સમસ્યાઓ ઊભી થવા લાગી. આ પ્રયોગમાં તેમણે પોતાની અંગત મિલકતમાંથી 40,000 પાઉન્ડ જેટલી રકમ ગુમાવતાં હતાશ થઈને 1828માં આ પ્રયોગને તિલાંજલિ આપી. દરમિયાન 1820-30ના દાયકામાં તેમના સક્રિય પ્રોત્સાહનથી ઇંગ્લૅન્ડમાં તથા અન્યત્ર તેમની વિચારસરણીને વરેલી ઘણી સંસ્થાઓ, ઉત્પાદન એકમો, શ્રમમંડળો તથા સામયિકો શરૂ કરવામાં આવ્યાં હતાં. ચીજવસ્તુઓનું વેચાણ, શોષણ કે નફાખોરી વિના થઈ શકે તે માટે 1832માં તેમના પ્રોત્સાહનથી ‘નૅશનલ એક્વિટેબલ લેબર એક્સ્ચેન્જ’ સ્થાપવામાં આવ્યું હતું. પરંતુ સરકારની દમનનીતિ, ખાનગી ઉત્પાદકોનો તીવ્ર વિરોધ અને ન્યાયતંત્રના નકારાત્મક વલણને લીધે ટૂંક સમયમાં જ ઓવેનની પ્રગતિશીલ ચળવળ નિષ્ફળ નીવડી. જીવનનાં અંતિમ વર્ષોમાં ઓવેને પોતાની પ્રવૃત્તિઓ શિક્ષણપ્રસાર, સામાજિક સુધારણા તથા નૈતિક ઉત્થાનનાં કાર્યો પૂરતી મર્યાદિત રાખી હતી.

ઓવેનની કારકિર્દીનાં શરૂઆતનાં વર્ષો દરમિયાન ન્યૂ લૅનાર્ક મિલમાં મળેલ સફળતાને લીધે તે જમાનાના રાજનીતિજ્ઞો તથા સમાજસુધારકો માટે તે (ન્યૂ લૅનાર્ક મિલ) યાત્રાધામ બન્યું હતું. સહકારના સિદ્ધાંત પર આધારિત કાર્યોમાંથી વિશ્વભરમાં ગ્રાહક સહકારી ચળવળને પ્રેરણા મળી હતી. તેથી જ ઓવેન એ સમાજવાદ અને સહકાર આ બંને વિચારસરણીઓના જનક ગણાય છે.

તેમણે લખેલા ગ્રંથોમાં ‘અ વ્યૂ ઑવ્ સોસાયટી’ (1833), ‘ધ બુક ઑવ્ ધ ન્યૂ મૉરલ વર્લ્ડ’ (1826) તથા ‘ઑટોબાયૉગ્રાફી’ (1857) ઉલ્લેખનીય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે