ઓલિમ્પિક રમતોત્સવ : આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાતો રમતોનો સ્પર્ધાત્મક ઉત્સવ. ઓલિમ્પિક રમતોના ઉદભવ વિશે ઘણી દંતકથાઓ પ્રચલિત છે. છતાં લિખિત નોંધને આધારે પ્રાચીન ઓલિમ્પિક રમતોત્સવની શરૂઆત ઈ. પૂ. 776માં થઈ હતી. ઈ. સ. 393 સુધી તે સમયાંતરે યોજાતી રહી. આ રમતોત્સવ દર ચાર વર્ષે ગ્રીસમાં ઓલિમ્પસ પર્વતની તળેટીમાં ઓલિમ્પિયાના મેદાનમાં યોજાતો હતો, તેથી તેનું નામ ‘ઓલિમ્પિયન’ પડ્યું હતું. આ ‘ઓલિમ્પિયન’ શબ્દ ઉપરથી હાલનો ‘ઓલિમ્પિક’ ઊતરી આવ્યો છે. પ્રથમ સ્પર્ધાનું મેદાન 643’ × 97’ જેટલું હતું જેની આજુબાજુ 40,000 પ્રેક્ષકો બેસી શકે તેવી વ્યવસ્થા હતી. પ્રથમ રમતોત્સવમાં એલિસનો યુવાન કોરોબસ વિજેતા થયો હતો. શરૂઆતમાં આ રમતોત્સવ ઘણી જ સાદાઈથી યોજાતો હતો અને વિજેતાઓને પવિત્ર ઓલિવ વૃક્ષની ડાળીઓનો તાજ બનાવીને પહેરાવવામાં આવતો હતો. તે જમાનામાં સ્ત્રીઓ માટે આ રમતોત્સવમાં ભાગ લેવાની તેમજ તે જોવાની મનાઈ હતી. પ્રાચીન ઓલિમ્પિક રમતોત્સવ 600 વર્ષથી પણ વધુ સમય સુધી યોજાયો હતો. પછી ધીમે ધીમે આ રમતોત્સવમાં રમત પ્રત્યેની સદભાવનાનો લોપ થવાથી, નૈતિકતાનું ધોરણ નીચું જવાથી અને ધંધાદારી સ્પર્ધકોનો પ્રવેશ થતાં આ રમતોત્સવને ઈ.સ. 375માં રોમન શહેનશાહ થિયોડોસિયસે બંધ કર્યો.

ઑલિમ્પિક રમતોનું પ્રતીક

આધુનિક ઓલિમ્પિક રમતોત્સવ શરૂ કરવાનું શ્રેય ફ્રેંચ ઉમરાવ બેરન દ. કુબરટિનને ફાળે જાય છે. તે ચોક્કસપણે માનતા કે આ રમતોત્સવ આંતરરાષ્ટ્રીય મૈત્રી અને શાંતિ સ્થાપવામાં ખૂબ જ અસરકારક નીવડશે. ઓલિમ્પિક રમતોત્સવના ઉત્થાન માટે તેમણે પોતાની યોજના 1892ના નવેમ્બરની 25મી તારીખે પૅરિસમાં યોજાયેલ ફ્રેંચ યુનિયનની ખેલકૂદ સભામાં રજૂ કરી. 1894માં તેમણે પૅરિસમાં એક આંતરરાષ્ટ્રીય અધિવેશન બોલાવ્યું. આ અધિવેશનમાં 13 દેશો હાજર હતા અને બીજા 21 દેશોએ સંમતિ મોકલી હતી. આ અધિવેશનમાં પ્રતિ ચાર વર્ષે ગ્રીક ઓલિમ્પિક રમતોના ધોરણે વિશ્વ ઓલિમ્પિક ઉત્સવ યોજવાનું નક્કી થયું અને તે પ્રમાણે 1896ની છઠ્ઠી એપ્રિલે ઍથેન્સ મુકામે પ્રથમ આધુનિક ઓલિમ્પિક રમતોત્સવનો પ્રારંભ થયો.

કુબરટિને પોતે ઓલિમ્પિક ધ્વજની રૂપરેખા તૈયાર કરી, એમાં શ્વેત કાપડ (શ્વેત રંગ શાંતિનો સૂચક છે.) ઉપર લાલ, લીલા, પીળા, વાદળી અને કાળા રંગનાં પાંચ વર્તુળ એકબીજામાં સાંકળીને ડબલ્યુ આકારે દર્શાવવામાં આવ્યાં છે. આ પાંચે વર્તુળ યુરોપ, અમેરિકા, એશિયા, આફ્રિકા અને ઑસ્ટ્રેલિયા ખંડનાં સૂચક છે. આ વર્તુળોની નીચે ઓલિમ્પિકનો મુદ્રાલેખ લૅટિન ભાષામાં ત્રણ શબ્દોમાં લખાયો છે ‘‘સાઇટિયસ (citius), અલ્ટિયસ (altius), ફોર્ટિયસ (forius)’’ જેનો અનુક્રમે અર્થ થાય છે : વધુ ઝડપે, વધુ ઊંચે અને વધુ તાકાતથી. ખેલાડીઓને વધુ ઝડપે દોડવાની, વધુ ઊંચે કૂદવાની અને વધુ તાકાતથી ફેંકવાની પ્રેરણા તેમાં અભિપ્રેત છે. આ ધ્વજ પહેલવહેલો 1920માં એન્ટવર્પમાં ફરકાવવામાં આવ્યો હતો.

સ્પર્ધાઓના ઉદઘાટન પ્રસંગે ‘ઓલિમ્પિક ગીત’ વગાડવામાં આવે છે, તથા ખેલાડીઓ નૈતિક અને માનસિક રીતે આ રમતોત્સવની ભાવના અને પવિત્રતા સમજે તેટલા માટે બધા જ ખેલાડીઓ આ પ્રસંગે ‘પ્રતિજ્ઞા’ લે છે. આ પ્રતિજ્ઞાવાચનની પ્રણાલિકા પણ 1920માં એન્ટવર્પ મુકામે યોજાયેલા રમતોત્સવથી શરૂ થઈ છે. યજમાન દેશનો ઉત્તમ ખેલાડી બધા વતી શપથ ગ્રહણ કરે છે. 1936માં બર્લિન મુકામે યોજવામાં આવેલા અગિયારમા ઓલિમ્પિક રમતોત્સવમાં સૌપ્રથમ ‘આતશ’(olympic flame)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. લોકોનો આવકાર મળતાં આ વિધિ કાયમી બની. આ આતશજ્યોત રમતોત્સવ દરમિયાન સન્માન સાથે જલતી રાખવામાં આવે છે. રમતોત્સવની પૂર્ણાહુતિ વખતે ભાવપૂર્વક તેને ઓલવવાની ક્રિયા સાથે આગામી ઓલિમ્પિક ક્યાં યોજાશે તેની જાહેરાત કરવામાં આવે છે.

ઓલિમ્પિક રમતોત્સવના ઉદઘાટન અને પૂર્ણાહુતિ સમારંભ દરમિયાન ઓલિમ્પિક શિષ્ટાચાર(protocol)નું પાલન કરવાનું હોય છે. ઉદઘાટન પ્રસંગે બધા દેશો વર્ણાનુક્રમે ગોઠવાઈને કૂચ કરે છે. ગ્રીસ તથા યજમાન દેશ તેમાં અપવાદ છે. રમતોત્સવના સ્થાપક તરીકે ગ્રીસ કૂચમાં હમેશાં મોખરે હોય છે. અને યજમાન દેશ સૌથી છેલ્લે હોય છે. જે સ્થળ ઉપર રમતોત્સવનું ઉદઘાટન થયું હોય તે જ સ્થળ ઉપર પૂર્ણાહુતિ સમારંભ રાખવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના પ્રમુખ રમતોત્સવના સમાપનની સત્તાવાર જાહેરાત કરે છે.

ઑલિમ્પિક રમતોના પ્રણેતા બૅરન પિયર દ કુબર્ટિન

સમગ્ર ઓલિમ્પિક રમતોત્સવનું સંચાલન આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ કરે છે; તે સંપૂર્ણ રીતે બિનરાજકીય સંસ્થા છે. ઓલિમ્પિક સિદ્ધાન્તોની રક્ષા કરીને આ રમતોત્સવનું વિશ્વકક્ષાએ નિયમન પણ આ સમિતિ કરે છે. આ સમિતિના સભ્ય થવાનું પ્રથમ બહુમાન ભારતના સર દોરાબજી જમશેદજી તાતાને 1920માં મળ્યું હતું. ત્યારબાદ આજ સુધીમાં જી. ડી. સોંધી, રાજા ભલિન્દરસિંઘ અને અશ્વિનીકુમારને આ બહુમાન પ્રાપ્ત થયું છે.

આધુનિક ઓલિમ્પિક રમતોનું વિહંગાવલોકન કરીએ તો 1896ની છઠ્ઠી એપ્રિલે પ્રથમ ઓલિમ્પિક રમતોત્સવ ઍથેન્સના પાનએથેનૈકા સ્ટેડિયમ પર યોજવામાં આવ્યો હતો. આમાં 12 દેશોના 500 જેટલા સ્પર્ધકોએ સાત સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. ગ્રીસ માત્ર મેરેથોન દોડમાં વિજય પ્રાપ્ત કરી શક્યું હતું. 1900માં પૅરિસમાં વિશ્વપ્રદર્શનની સાથે સાથે ઓલિમ્પિક પણ યોજવામાં આવ્યું હતું. આથી તે મુખ્ય આકર્ષણ મેળવી શક્યું નહોતું. આ રમતોત્સવમાં 20 દેશોના આશરે 1,000 ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ રમતોત્સવમાં વૉટર પોલો અને યૉટિંગની રમતો ઉમેરવામાં આવી હતી અને મહિલાઓએ લૉન ટેનિસના ખેલાડીઓ તરીકે પ્રથમ વાર ભાગ લીધો હતો. 1904ની ત્રીજી ઓલિમ્પિક સેન્ટ લુઈસમાં યોજાઈ હતી, જેમાં 10 દેશોના આશરે 500 ખેલાડીઓએ ભાગ લીધો હતો. મોટાભાગના સ્પર્ધકો યજમાન દેશ અમેરિકાના જ હતા અને તેથી વધુમાં વધુ ચંદ્રકો પણ તેમને ફાળે ગયા હતા. 1908માં લંડન ઓલિમ્પિક્સમાં 22 દેશોના 2,023 રમતવીરોએ ભાગ લીધો હતો. આ રમતોત્સવમાં ફૂટબૉલ, ડાઇવિંગ, ફીલ્ડ હૉકી અને આઇસ હૉકીને પ્રથમ વાર સ્થાન અપાયું. 1912માં આ રમતોત્સવ સ્વીડનના પાટનગર સ્ટૉકહોમમાં યોજવામાં આવ્યો હતો. આ રમતોત્સવમાં વિશ્વના તમામ ખંડો ભેગા થયા હતા અને 57 મહિલા સહિત 28 દેશોના 2,484 ખેલાડીઓએ તેમાં ભાગ લીધો હતો.

1916માં છઠ્ઠો રમતોત્સવ જર્મનીમાં બર્લિન મુકામે પ્રથમ વિશ્વયુદ્ધને કારણે યોજી શકાયો નહિ. 1920માં સાતમો રમતોત્સવ બેલ્જિયમના પાટનગર એન્ટવર્પમાં યોજાયો હતો. પ્રથમ વિશ્વયુદ્ધના વિજેતા દેશોના ખેલાડીઓને જ ભાગ લેવાની છૂટ અપાઈ હતી. અને આ રીતે 29 દેશોના 2,543 રમતવીરોએ તેમાં ભાગ લીધો હતો. 1920માં પહેલી વાર ભારતના 4 એથલીટ અને 2 કુસ્તીબાજોએ બિનસત્તાવાર રીતે ભાગ લીધો હતો. આ રમતોત્સવે ફિન્લૅન્ડના ‘ઊડતા ફિન’ તરીકે ખ્યાતિ પામેલા પાવો નુર્મી નામના એક ગજબનાક રમતવીરનો પરિચય કરાવ્યો હતો. તેણે ત્રણ ઓલિમ્પિક 1920, 1924 અને 1928માં કુલ દસ રમતોમાં ભાગ લઈ સાત વાર પ્રથમ અને ત્રણ વાર બીજું સ્થાન મેળવ્યું હતું. 1924માં ઓલિમ્પિક રમતો બીજી વાર પૅરિસમાં યોજવામાં આવી. આ રમતોત્સવમાં પણ પ્રથમ વિશ્વયુદ્ધના વિજેતા 44 દેશોના 5,533 ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ રમતોત્સવમાં એચ. સી. બકના નેતૃત્વ હેઠળ ભારતના 9 ખેલાડીઓએ ભાગ લીધો હતો. 1924થી જ ઓલિમ્પિક ઇતિહાસમાં પહેલી જ વાર અલગ શિયાળુ ઓલિમ્પિક રમતોત્સવની શરૂઆત થઈ હતી.

નવમી ઓલિમ્પિક રમતો 1928માં આમસ્ટર્ડામમાં યોજાઈ હતી. આમાં મહિલાઓએ પ્રથમ વાર ઍથલેટિક્સમાં ભાગ લીધો હતો. આ રમતોત્સવમાં 46 દેશોના 2,725 ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ રમતોત્સવમાં ભારતે પ્રથમ વાર હૉકીમાં ભાગ લઈ ઓલિમ્પિકનો પ્રથમ સુવર્ણચંદ્રક જીત્યો હતો. 1932માં અમેરિકાના લૉસ એન્જિલસ મુકામે દશમો રમતોત્સવ યોજવામાં આવ્યો હતો. આ રમતોત્સવમાં એથ્લેટિક્સમાં 19 નવા વિક્રમો સ્થપાયા હતા અને ભારતે હૉકીમાં સુવર્ણચંદ્રક જાળવી રાખ્યો હતો. 1936માં બર્લિન ખાતે અગિયારમો રમતોત્સવ યોજાયો હતો; એમાં 50 દેશોએ ભાગ લીધો હતો. આ રમતોત્સવમાં જેસી ઑવેન્સે 100 મીટર, 200 મીટર, લાંબો કૂદકો અને 4 × 100 મીટરની ટપ્પાદોડમાં ભાગ લઈ 4 સુવર્ણચંદ્રકો જીત્યા હતા. ભારતે ‘હૉકીના જાદુગર’ ધ્યાનચંદની સરદારી હેઠળ સતત ત્રીજી વાર હૉકીમાં સુવર્ણચંદ્રક જીત્યો હતો. બારમી વિશ્વ ઓલિમ્પિક સ્પર્ધા 1940માં ટોકિયો મુકામે અને 1944માં તેરમી સ્પર્ધા હેલ્સિન્કી મુકામે યોજવામાં આવનાર હતી પણ બીજા વિશ્વયુદ્ધને કારણે યોજી શકાઈ નહોતી. 1948માં ચૌદમો રમતોત્સવ ફરીથી લંડન ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં 59 દેશોનાં 4,000થી વધુ પુરુષ અને 438 મહિલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ રમતોત્સવમાં હૉલેન્ડની ફેની બ્લૅન્કર્સ-કૉપેન નામની બે બાળકોની માતાએ 100 મીટર, 200 મીટર, 80 મીટરની વિઘ્નદોડ અને 4 × 100 મીટરની ટપ્પાદોડમાં વિજયી નીવડી, કુલ ચાર સુવર્ણચંદ્રક જીત્યા હતા. ભારતે હૉકીમાં તેની સર્વોપરિતા જાળવી રાખી અને ચોથો સુવર્ણચંદ્રક જીત્યો. 1952માં રમતોત્સવ હેલ્સિન્કી મુકામે યોજવામાં આવ્યો ત્યારે તેમાં 61 દેશોએ ભાગ લીધો હતો. આ રમતોત્સવમાં સર્વશ્રેષ્ઠ દેખાવ ચેકોસ્લૉવૅકિયાના ઝાટોપેક (Zatopek) દંપતીનો રહ્યો હતો. એમીલ ઝાટોપેકે 10,000 મીટર; 5,000 મીટર અને મૅરેથૉન દોડમાં સુવર્ણચંદ્રક મેળવ્યા હતા જ્યારે તેમની પત્નીએ બરછી-ફેંકમાં સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. ભારતે સતત પાંચમી વાર હૉકીમાં સુવર્ણચંદ્રક જાળવી રાખ્યો હતો અને ભારતના કુસ્તીબાજ કે. ડી. યાદવે કાંસ્યચંદ્રક મેળવ્યો હતો, જે ભારતનો ઓલિમ્પિકમાં હૉકી સિવાયનો એકમાત્ર બીજો ચંદ્રક છે. 1956માં ઓલિમ્પિક રમતો મૅલબૉર્ન મુકામે યોજાઈ હતી. ભારતે ફરીવાર હૉકીમાં સુવર્ણચંદ્રક જીત્યો. ભારતની ફૂટબૉલ ટીમે પ્રથમ વાર સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો અને બલ્ગેરિયા સામે હારી જવાને કારણે ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું. 1960ની રમતો રોમ ખાતે યોજવામાં આવી ત્યારે 84 રાષ્ટ્રોના 6,000 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ રમતોત્સવમાં ભારતના મિલ્ખાસિંઘે 400 મીટરમાં ઓલિમ્પિક વિક્રમ તો તોડ્યો, પણ ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું જે આજ સુધીમાં ભારત તરફથી પુરુષ ખેલાડીનો સર્વશ્રેષ્ઠ દેખાવ છે. હૉકીમાં ભારતે પહેલી જ વાર પાકિસ્તાન સામે હારીને 32 વર્ષ સુધી જાળવેલી સર્વોપરિતા ગુમાવી. 1964માં અઢારમી વિશ્વ ઓલિમ્પિક પ્રથમ વાર એશિયા ખંડના ટોકિયો શહેરમાં યોજવામાં આવી; એમાં 94 દેશોએ ભાગ લીધો હતો. ભારતે પાકિસ્તાનને એક ગોલથી હરાવી હૉકીનું વિજેતાપદ પાછું મેળવ્યું હતું. 1968ની વિશ્વ ઓલિમ્પિક 2240.0 મીટરની ઊંચાઈએ આવેલા મેક્સિકો શહેરમાં યોજવામાં આવી હતી. આ રમતોત્સવમાં 112 દેશોના 7,886 ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ રમતોત્સવમાં અમેરિકાના ડિક ફોસ્બરીએ પોતાની નિરાળી પદ્ધતિથી 2.24 મીટર ઊંચો કૂદકો મારી નવો વિક્રમ સ્થાપ્યો હતો અને ‘ફોસ્બરી ફ્લૉપ’ની નવી પદ્ધતિ વિશ્વને આપી હતી. એવી રીતે અમેરિકાના બૉબ બિર્માને 8.9 મીટર લાંબો કૂદકો મારી વિશ્વવિક્રમ સ્થાપ્યો હતો. ભારતે હૉકીમાં કાંસ્યચંદ્રક મેળવ્યો હતો.

ઑલિમ્પિક રમતનું એક ર્દશ્ય

1972માં મ્યૂનિક ખાતે રમતોત્સવ યોજાયો હતો, જેમાં 9,000 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. ભારતે હૉકીમાં કાંસ્ય ચંદ્રક જાળવી રાખ્યો. આ ઉત્સવ દરમિયાન પૅલેસ્ટાઇન તરફી હુમલાખોરોએ ઇઝરાયલના 9 ખેલાડીઓનું અપહરણ કર્યું હતું જેમને છોડાવવા જતાં બાનમાં લીધેલા 9 ખેલાડીઓ ઉપરાંત 5 આતંકવાદીઓ તથા પશ્ર્ચિમ જર્મનીનો એક પોલીસ માર્યા ગયા હતા. આ રમતોત્સવમાં 99 ચંદ્રકો સાથે સોવિયત સંઘ પ્રથમ, અમેરિકા દ્વિતીય અને પૂર્વ જર્મની તૃતીય સ્થાને રહ્યા હતા. 1976માં ઓલિમ્પિક રમતો કૅનેડાના મૉન્ટ્રિયલ ખાતે યોજવામાં આવી હતી. આ રમતોત્સવમાં રોમાનિયાની 14 વર્ષની નાદિયા કોમોનેચીએ જિમ્નાસ્ટિક્સમાં 10માંથી 10 ગુણ મેળવીને ચમત્કાર સર્જ્યો હતો. પહેલી જ વાર હૉકીમાં ન્યૂઝીલૅન્ડ પ્રથમ સ્થાને આવ્યું હતું અને ભારતને સાતમું સ્થાન પ્રાપ્ત થયું હતું. આ રમતોત્સવમાં પૂર્વ જર્મનીનો દેખાવ ખૂબ જ સારો રહ્યો હતો અને 90 ચંદ્રકો સાથે અમેરિકાને પાછળ મૂકી સોવિયત સંઘ પછી બીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. 1980માં આ રમતો પ્રથમ વાર સામ્યવાદી દેશ રશિયાના પાટનગર મૉસ્કો ખાતે યોજવામાં આવી હતી. આ રમતોત્સવમાં ભારતના 62 ખેલાડીઓએ ભાગ લીધો હતો. ભારતે 16 વર્ષ પછી હૉકીમાં સુવર્ણચંદ્રક મેળવ્યો હતો.

1984માં ત્રેવીસમો રમતોત્સવ ફરી એક વાર અમેરિકાના લૉસ એન્જિલસ મુકામે 28 જુલાઈથી 12 ઑગસ્ટ સુધી યોજાયો હતો. આ રમતોત્સવ પાછળ આશરે 50 કરોડ ડૉલર જેટલો જંગી ખર્ચ કરવામાં આવ્યો હતો. આ રમતોત્સવમાં અમેરિકાના કાર્લ લુઈસે ચાર સુવર્ણચંદ્રકો પ્રાપ્ત કરીને જેસી ઑવૅન્સની બરાબરી કરી હતી. આ રમતોત્સવમાં ભારતના 48 ખેલાડીઓએ ભાગ લીધો હતો પરંતુ ફક્ત પી. ટી. ઉષાનો દેખાવ શ્રેષ્ઠ રહ્યો હતો. તેમણે 400 મીટરની વિઘ્નદોડમાં ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. 1988માં ચોવીસમો ઓલિમ્પિક રમતોત્સવ દક્ષિણ કોરિયામાં સોલ (Seol) શહેરમાં યોજાયો હતો. તેમાં 161 દેશના ખેલાડીઓએ ભાગ લીધો હતો. ભારત એમાં એક પણ ચંદ્રક ન મેળવી શક્યું. છેલ્લે 132 ચંદ્રકો સાથે રશિયા પ્રથમ, 102 ચંદ્રકો સાથે પૂર્વ જર્મની દ્વિતીય, 94 ચંદ્રકો સાથે અમેરિકા તૃતીય અને યજમાન દેશ દક્ષિણ કોરિયા 33 ચંદ્રકો સાથે ચોથા સ્થાને રહ્યા હતા.

1992માં 25મા ઓલિમ્પિક રમતોત્સવનું આયોજન 25 જુલાઈથી 8 ઑગસ્ટ દરમિયાન સ્પેનમાં બાર્સેલોના મુકામે કરવામાં આવ્યું હતું. આ રમતોત્સવમાં 9,364 ખેલાડીઓએ 24 રમતોમાં ભાગ લીધો હતો. વિવિધ સ્ટેડિયમો પર આ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. બાર્સેલોના ઓલિમ્પિક્સને એક યાદગાર રમતોત્સવ બનાવવા માટે સ્પેનની સરકાર તથા પ્રજાએ ન કલ્પી શકાય તેવી જહેમત ઉઠાવી હતી. આ ઓલિમ્પિક્સમાં એશિયાઈ દેશોનો દેખાવ સારો રહ્યો હતો. આ રમતોત્સવમાં ઍથ્લેટિક્સમાં સર્વશ્રેષ્ઠ દેખાવ અમેરિકાનો રહ્યો હતો. બાર્સેલોના ઓલિમ્પિક્સમાં ભારતના 85 ખેલાડીઓએ 12 રમતોમાં ભાગ લીધો હતો; પરંતુ ભારતનો કોઈ પણ ખેલાડી ચંદ્રક મેળવવામાં સફળ થયો ન હતો.

1996માં 26મા ઓલિમ્પિક રમતોત્સવનું અમેરિકામાં ચોથી વાર ઍટલાન્ટા મુકામે 19 જુલાઈથી 4 ઑગસ્ટ દરમિયાન સફળ રીતે આયોજન કરવામાં આવ્યું હતું. એ રીતે વિશ્વના સૌથી મહાન રમતોત્સવે 100 વર્ષ પૂરાં કર્યાં હતાં. આ શતાબ્દી રમતોત્સવ માટે ઍટલાન્ટા શહેરને એક દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું હતું. આ રમતોત્સવમાં 27 રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉદઘાટન અને સમાપન 23 કરોડ ડૉલરના ખર્ચે તૈયાર થયેલ સ્ટેડિયમ પર કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં ક્યારેય ઉપયોગમાં ન લેવાઈ હોય એવી ઇલેક્ટ્રૉનિક સિસ્ટમનો ઉપયોગ એમાં કરવામાં આવ્યો હતો. ઍટલાન્ટા શતાબ્દી ઓલિમ્પિક રમતોત્સવનું ભવ્ય અને રંગદર્શી ઉદઘાટન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ શ્રી બિલ ક્લિન્ટને કર્યું હતું. આ 26મા ઓલિમ્પિક રમતોત્સવની પવિત્ર જ્યોત 1960ના સુવર્ણચંદ્રક વિજેતા બૉક્સર મોહમ્મદ અલીએ ધ્રૂજતા હાથે (પાર્કિન્સન્સના રોગના કારણે) પ્રજ્વલિત કરી હતી. આ શતાબ્દી ઓલિમ્પિકના ઉદઘાટન પ્રસંગે આજ સુધી યોજાઈ ગયેલ તમામ ઓલિમ્પિક રમતોત્સવોને યાદ કરવામાં આવ્યા હતા. આ સાથે ઓલિમ્પિકના જન્મદાતા શ્રી બેરન ડી. કુબરટિનને દર્શાવી સ્મરણાંજલિ આપવામાં આવી હતી. વળી આ શતાબ્દી ઓલિમ્પિક રમતોત્સવના ઉદઘાટન પ્રસંગે ઓલિમ્પિક રમતોત્સવના યાદગાર અને ઐતિહાસિક ખેલાડીઓને પણ ખાસ યાદ કરવામાં આવ્યા હતા અને તેમને ડ્રીમલૅન્ડ પર બોલાવી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ઍટલાન્ટા ઓલિમ્પિકમાં ભારતના કુલ 84 ખેલાડીઓએ 13 રમતોમાં ભાગ લીધો હતો. આ રમતોત્સવમાં પણ ભારતનો દેખાવ સામાન્ય હતો. ફક્ત ટેનિસમાં ભારતના લિયેન્ડર પેસે કાંસ્ય ચંદ્રક મેળવવામાં સફળતા મેળવી હતી અને આ રીતે ભારતનું નામ ‘મેડલ ટેલી’માં સોળ વર્ષ પછી મુકાયું હતું. વ્યક્તિગત રીતે જોઈએ તો ભારત માટે લિયેન્ડર પેસે આ સિદ્ધિ 44 વર્ષ પછી એટલે કે 1952ના હેલ્સિન્કી ઓલિમ્પિક પછી મેળવી હતી.

નવી સદસ્રાબ્દિના પ્રથમ અને સળંગ 27મા ઓલિમ્પિક રમતોત્સવનું આયોજન 15મી સપ્ટેમ્બરથી 1 ઑક્ટોબર દરમિયાન ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સની રાજધાની સિડની ખાતે ખૂબ જ ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું. ઑસ્ટ્રેલિયામાં 44 વર્ષ પહેલાં એટલે કે 1956માં મેલબોર્ન મુકામે સોળમો ઓલિમ્પિક રમતોત્સવ પણ સફળ રીતે યોજવામાં આવ્યો હતો. મહિલાઓને સૌપ્રથમ 1900માં પૅરિસ ખાતે આયોજિત બીજા ઓલિમ્પિક્સથી ભાગ લેવાની પરવાનગી આપવામાં આવી હતી અને ફક્ત 12 મહિલા-ખેલાડીઓએ આ રમતોત્સવમાં ભાગ લીધો હતો અને આ રીતે 2000ના વર્ષમાં સિડની ઓલિમ્પિક્સ મહિલાઓ માટેનો શતાબ્દી રમતોત્સવ બન્યો હતો અને તેથી જ છેલ્લી ઘડી સુધી કોઈને પણ ખબર ન પડે તે રીતે ઉદઘાટન-સમારંભ દરમિયાન સ્ટેડિયમમાં ઓલિમ્પિક આતશ લઈને દોડનાર, ઓલિમ્પિક આતશ પ્રગટાવનાર તેમજ ખેલાડીઓ તરફથી પ્રતિજ્ઞા લેનાર પણ મહિલા-ખેલાડી હતાં; એટલું જ નહિ, પણ સિડની ઓલિમ્પિક્સમાં 42 % એટલે કે 4,400થી વધુ મહિલા-ખેલાડી હતી. આ સાચા અર્થમાં સિડની ઓલિમ્પિક્સની એક યાદગાર બાબત ગણાય છે. સિડની ઓલિમ્પિક્સમાં 199 દેશોના 11,000થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. સિડની ઓલિમ્પિક્સમાં પ્રથમ વાર સો ટકા ‘સૌર ઊર્જા’નો ઉપયોગ ‘ઓલિમ્પિક વિલેજ’માં કરવામાં આવ્યો હતો. સિડની ઓલિમ્પિક સારી રીતે યોજી શકાય તે ર્દષ્ટિએ 660 હેક્ટર જમીન ઓલિમ્પિક માટે અનામત રાખવામાં આવી હતી. સિડની ઓલિમ્પિકનું માસ્કોટ યાને શુભંકર ‘ઓલી, મિલિ અને સિડ’ પસંદ કરવામાં આવ્યું હતું. સિડની ઓલિમ્પિક્સમાં ભારતે કુલ 13 રમતોમાં ભાગ લીધો હતો. આ રમતોત્સવમાં પણ ભારતનો દેખાવ સામાન્ય રહ્યો હતો. ભારત માટે એકમાત્ર કાંસ્ય ચંદ્રક કરન્નામ મલ્લેશ્વરીએ વેઇટ લિફ્ટિંગમાં અપાવ્યો હતો. આ રીતે ઓલિમ્પિક રમતોત્સવના 104 વર્ષના ઇતિહાસમાં તેઓ સર્વપ્રથમ ભારતની ઓલિમ્પિક ચંદ્રક વિજેતા મહિલા-ખેલાડી બની હતી. એક કાંસ્યચંદ્રક સાથે સિડની ઓલિમ્પિક્સની ‘મેડલ ટેલી’માં ભારતનું સ્થાન 74મું રહ્યું હતું.

2004માં 28મા ઓલિમ્પિક રમતોત્સવનું આયોજન ગ્રીસ દેશમાં ઍથેન્સ મુકામે થનાર છે અને આ રીતે 108 વર્ષ પછી ઍથેન્સ બીજી વાર આધુનિક રમતોત્સનું યજમાન શહેર બન્યુ હતું.

એથેન્સના રમતોત્સવમાં 201 દેશોમાંથી 10,625 ખેલાડીઓએ ભાગ લીધો હતો. 28 રમતોમાં 301 ચંદ્રકો આપવામાં આવ્યા હતા. અમેરિકાએ 36 સુવર્ણચંદ્રકો સાથે કુલ 101 ચંદ્રકો મેળવીને પ્રથમ ક્રમ જાળવી રાખ્યો હતો. 32 સુવર્ણચંદ્રક સહિત 63 ચંદ્રકો સાથે ચીન બીજા અને 28 સુવર્ણચંદ્રક સાથે કુલ નેવું ચંદ્રકો મેળવીને રશિયા ત્રીજા ક્રમે રહ્યું હતું. 201માંથી 74 દેશો ચંદ્રકો મેળવવા સફળ રહ્યા હતા. ભારતે 48 પુરુષ અને 28 મહિલા ખેલાડીઓને મોકલ્યાં હતાં, એમાંથી માત્ર રાજ્યવર્ધનસિંહ રાઠોડે શૂટિંગમાં રજત ચંદ્રક  મેળવ્યો હતો. એક ચંદ્રક સાથે ભારતનું સ્થાન 65મું હતું.

2008માં 29મા ઑલિમ્પિક રમતોત્સવનું આયોજન ચીનના બેજિંગ શહેરમાં થયું હતું. કુલ 204 દેશોના કે ઑલિમ્પિક કમિટીના 10,942 ખેલાડીઓ એમાં ભાગીદાર બન્યા હતા. ચીનમાં પહેલી વાર ઑલિમ્પિક રમતોત્સવનું આયોજન થયું હતું. 28 રમતોમાં 302 ચંદ્રકો અપાયા હતા. એ રમતોત્સવમાં 125 ઑલિમ્પિક વિક્રમો સર્જાયા હતા, જેમાં 37 વિશ્વવિક્રમનો સમાવેશ થાય છે.

રમતોત્સવમાં 87 દેશોએ ચંદ્રક મેળવવામાં સફળતા મેળવી હતી. યજમાન દેશ ચીને સૌથી વધુ 48 સુવર્ણચંદ્રકો સાથે પ્રથમ ક્રમ મેળવ્યો હતો. અમેરિકાએ 112 ચંદ્રકો સાથે બીજો અને રશિયાએ ત્રીજો ક્રમ મેળવ્યો હતો. ભારતે બેજિંગ ઑલિમ્પિકમાં 12 રમતોમાં 57 ખેલાડીઓ મોકલ્યા હતા. 1928 પછી પહેલી વખત હૉકી ટીમ ઑલિમ્પિક રમતોત્સવમાં પ્રવેશ મેળવી શકી ન હતી. અભિનવ બિન્દ્રાએ શૂટિંગમાં સુવર્ણચંદ્રક મેળવીને ઇતિહાસ રચ્યો હતો. વ્યક્તિગત રીતે ખેલાતી રમતોમાં સુવર્ણચંદ્રક મેળવનાર અભિનવ બિન્દ્રા એકમાત્ર ભારતીય ખેલાડી બન્યા હતા. અભિનવ ઉપરાંત ભારતને બીજા બે ચંદ્રકો મળ્યા હતા. સુશીલકુમારે રેસ્લિંગમાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો. વિજેન્દ્રસિંહે બૉક્સિંગમાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો. ભારત ત્રણ ચંદ્રક મેળવવામાં ચંદ્રક પ્રાપ્ત કરનાર દેશોની યાદીમાં થોડું આગળ વધીને 51મું થયું હતું.

2012માં બ્રિટનના લંડનમાં 30મો ઑલિમ્પિક રમતોત્સવ યોજાયો હતો. 27મી જુલાઈથી 12 ઑગસ્ટ દરમિયાન યોજાયેલા આ રમતોત્સવમાં 204 દેશોના 10,768 ખેલાડીઓએ ભાગ લીધો હતો.  46 સુવર્ણચંદ્રક સાથે અમેરિકાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. 36 સુવર્ણચંદ્રક સહિત 91 ચંદ્રકો સાથે ચીન બીજા અને 29 સુવર્ણચંદ્રક સહિત 65 ચંદ્રક મેળવીને બ્રિટન ત્રીજા ક્રમે રહ્યાં હતાં. ભારતે બે રજત અને 4 કાંસ્ય ચંદ્રક સાથે કુલ 6 ચંદ્રકો પ્રાપ્ત કર્યા હતા. ભારતનું સ્થાન મેડલ ટેબલમાં 57મું હતું. શૂટિંગમાં વિજયકુમારે સિલ્વર અને ગગન નારંગે બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. કુસ્તીમાં સુશીલકુમારે રજત ચંદ્રક અને યોગેન્દ્ર દત્તે કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો. તે સિવાય મેરી કૉમે કાંસ્ય ચંદ્રક અને બૅડમિન્ટનમાં સાઇના નેહવાલે કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો.

2016માં બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં ઑલિમ્પિક રમતોત્સવ યોજાયો હતો. આ 31મા ‘રિયો ઑલિમ્પિક’માં 207 દેશોમાંથી 11,000 ખેલાડીઓએ ભાગ લીધો હતો. 28 રમતોમાં 306 ચંદ્રક અપાયા હતા. આ ઑલિમ્પિકમાં પહેલી વખત રેફ્યૂજી ઑલિમ્પિક ટીમ પણ સામેલ થઈ હતી. 2016માં 46 સુવર્ણચંદ્રક સહિત અમેરિકાએ 121 ચંદ્રકો મેળવીને પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો. 27 સુવર્ણચંદ્રક સાથે બ્રિટને બીજો અને 26 સુવર્ણચંદ્રક સાથે ત્રીજો નંબર મેળવ્યો હતો. 2012ના ઑલિમ્પિકની સરખામણીએ ભારતના તમામ ખેલાડીઓનો દેખાવ અત્યંત કંગાળ રહ્યો હતો.

15 રમતોમાં ભારતના કુલ 117 ખેલાડીઓએ ભાગ લીધો હતો. એમાં 63 પુરુષ ખેલાડીઓ અને 54 મહિલા ખેલાડીઓનો સમાવેશ થતો હતો. એમાંથી ભારતને માત્ર બે જ ચંદ્રક મળ્યા હતા. બૅડમિન્ટનમાં પી.વી.સિંધુને રજત અને કુસ્તીમાં સાક્ષી મલીકને કાંસ્ય ચંદ્રક મળ્યો હતો. એ સિવાયના ઘણા ખેલાડીઓ ચંદ્રકની સાવ નજીક પહોંચ્યા હતા, પરંતુ  મેળવવામાં અસફળ રહ્યા હતા. બે ચંદ્રક સાથે ચંદ્રકોની સૂચિમાં ભારતને 67મું સ્થાન મળ્યું હતું.

2020માં કોરોના મહામારીના કારણે ઑલિમ્પિક રમતોત્સવ મોકૂફ રહ્યો હતો. એક વર્ષ પછી 2021માં જાપાનના ટોક્યોમાં 32મો ઑલિમ્પિક રમતોત્સવ યોજાયો હતો.  23મી જુલાઈથી 8મી ઑગસ્ટ દરમિયાન યોજાયેલા આ રમતોત્સવમાં 206 દેશોના 11,656 ખેલાડીઓએ ભાગ લીધો હતો. 33 રમતોમાં 339 ચંદ્રકો અપાયા હતા. 39 સુવર્ણચંદ્રકો સાથે અમેરિકા પ્રથમ, 38 સુવણચંદ્રકો સાથે ચીન બીજા અને 27 સુવણચંદ્રકો સાથે યજમાન દેશ જાપાન ત્રીજા ક્રમે રહ્યા હતા.

એક સુવર્ણચંદ્રક, બે રજતચંદ્રક અને ચાર કાંસ્ય ચંદ્રક સાથે ભારતે કુલ સાત ચંદ્રકો મેળવ્યા હતા. મેડલની યાદીમાં 48મા ક્રમે રહ્યું હતું. ભારતના 126 ખેલાડીઓએ ટોક્યો ઑલિમ્પિકમાં ભાગ લીધો હતો. આટલી મોટી સંખ્યામાં ભારતીય ખેલાડીઓએ ઑલિમ્પિકમાં ભાગ લીધો હોય એવું પ્રથમ વખત બન્યું હતું. આ ઑલિમ્પિક રમતોત્સવ ભારત માટે સૌથી સફળ બની રહ્યો હતો. ઑલિમ્પિકના ઇતિહાસમાં ભારતે પ્રથમ વખત સુવર્ણચંદ્રક, રજતચંદ્રક અને કાંસ્યચંદ્રક – એમ ત્રણેય ચંદ્રકો મેળવ્યા હતા. 2012ના લંડન ઑલિમ્પિક પછી બીજી વાર ભારતના ખેલાડીઓએ છ કરતાં વધુ ચંદ્રક જીત્યા હતા. મહિલા હૉકી ટીમ પણ ચંદ્રકની નજીક પહોંચી ગઈ હતી. પુરુષ હૉકીની ટીમે 1980 પછી કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો. ઑલિમ્પિકમાં અભિનવ બિન્દ્રા પછી સુવર્ણચંદ્રક મેળવનારો નીરજ ચોપરા માત્ર બીજો ખેલાડી બન્યો હતો. નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં ઐતિહાસિક સુવર્ણચંદ્રક જીત્યો હતો. ભારત વતી ઍથલેટિક્સમાં ઑલિમ્પિક સુવર્ણચંદ્રક જીતનારો એ પ્રથમ ખેલાડી બન્યો હતો. તે ઉપરાંત મીરાબાઈ ચાનુએ વેઇટલિફ્ટિંગમાં રજત ચંદ્રક મેળવીને ઇતિહાસ સર્જ્યો હતો. બૅડમિન્ટનમાં પી. વી. સિંધુએ કાંસ્ય ચંદ્રક અંકે કર્યો હતો. પુરુષ હૉકી ટીમે કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો. રવિકુમાર દહિયાએ રેસલિંગમાં રજત ચંદ્રક, લવલીના બોર્ગોહાને બૉક્સિંગમાં કાંસ્ય ચંદ્રક  અને બજરંગ પુનિયાએ કુસ્તીમાં કાંસ્યચંદ્રક મેળવીને ભારતને પૉઇન્ટ ટેબલમાં 48મો ક્રમ આપવામાં મદદ કરી હતી.

2021માં આઝાદીના અમૃતમહોત્સવની ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઑલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા તમામ ખેલાડીઓને વિશેષ આમંત્રણ આપ્યું હતું. બધા ખેલાડીઓ 15મી ઑગસ્ટના ઐતિહાસિક દિવસે ઉજવણીમાં સહભાગી બન્યા હતા. વર્તમાન યુગમાં વિશ્વશાંતિ અને ભાતૃભાવને ઉત્તેજન આપવાનું ઉમદા કાર્ય આ રમતોત્સવ કરે છે અને આ જ તેનું સાચું યોગદાન છે.

ઓલિમ્પિક રમતોત્સવ : વર્ષ, સ્થળ અને તારીખો

અનુ. વર્ષ સ્થળ દેશ તારીખો
1. 1896 ઍથેન્સ ગ્રીસ 6-215 એપ્રિલ
2. 1900 પૅરિસ ફ્રાન્સ 20 મે – 28 ઑક્ટોબર
3. 1904 સેન્ટલુઈસ અમેરિકા 1 જુલાઈ – 28 નવેમ્બર
4. 1908 લંડન ઇંગ્લૅન્ડ 27 એપ્રિલ – 31 ઑક્ટોબર
5. 1912 સ્ટૉકહોમ સ્વીડન 5 મે – 22 જુલાઈ
6. 1916 બર્લિન જર્મની પ્રથમ વિશ્વયુદ્ધને કારણે રદ
7. 1920 એન્ટવર્પ બેલ્જિયમ 20 એપ્રિલ – 12 સપ્ટેમ્બર
8. 1924 પૅરિસ ફ્રાન્સ 4 મે – 27 જુલાઈ
9. 1928 એમ્સ્ટર્ડમ નેધરલૅન્ડ્ઝ 17 મે – 12 ઑગસ્ટ
10. 1932 લૉસ એન્જિલસ અમેરિકા 30 જુલાઈ – 14 ઑગસ્ટ
11. 1936 બર્લિન જર્મની 1 – 16 ઑગસ્ટ
12. 1940 ટૉકિયો જાપાન દ્વિતીય વિશ્વયુદ્ધને કારણે રદ
13. 1944 લંડન ઇંગ્લૅન્ડ દ્વિતીય વિશ્વયુદ્ધને કારણે રદ
14. 1948 લંડન ઇંગ્લૅન્ડ 27 જુલાઈ – 14 ઑગસ્ટ
15. 1952 હેલ્સિન્કી ફિનલૅન્ડ 19 જુલાઈ – 3 ઑગસ્ટ
16. 1956 મેલબોર્ન ઑસ્ટ્રેલિયા 10 – 17 જૂન
17. 1960 રોમ ઇટાલી 25 ઑગસ્ટ – 11 સપ્ટેમ્બર
18. 1964 ટોકિયો જાપાન 10 – 24 ઑક્ટોબર
19. 1968 મેક્સિકો સિટી મેક્સિકો 12 – 27 ઑૅક્ટોબર
20. 1972 મ્યૂનિક પ. જર્મની 26 ઑગસ્ટ – 10 સપ્ટેમ્બર
21. 1976 મૉન્ટ્રિયલ કૅનેડા 17 જુલાઈ – 1 ઑગસ્ટ
22. 1980 મૉસ્કો રશિયા 19 જુલાઈ – 3 ઑગસ્ટ
23. 1984 લૉસ એન્જિલસ અમેરિકા 28 જુલાઈ – 12 ઑગસ્ટ
24. 1988 સિઓલ દક્ષિણ કોરિયા 17 સપ્ટેમ્બર – 2 ઑક્ટોબર
25. 1992 બાર્સેલોના સ્પેન 25 જુલાઈ – 8 ઑગસ્ટ
26. 1996 ઍટલાન્ટા અમેરિકા 19 જુલાઈ – 4 ઑગસ્ટ
27. 2000 સિડની ઑસ્ટ્રેલિયા 15 સપ્ટેમ્બર – 1 ઑક્ટોબર
28. 2004 ઍથેન્સ ગ્રીસ 13 ઑગસ્ટ – 29 ઑગસ્ટ
29. 2008 બેજિંગ ચીન 8 ઑગસ્ટ – 24 ઑગસ્ટ
30. 2012 લંડન બ્રિટન 27 જુલાઈ – 12 ઑગસ્ટ
31. 2016 રિયો બ્રાઝિલ 5ઑગસ્ટ – 21 ઑગસ્ટ
32. 2020 ટોક્યો જાપાન 23 જુલાઈ (2021) 8 ઑગસ્ટ (2021)

જ. જ. જોશી

પ્રભુદયાલ શર્મા