ઓલિમ્પિક નાટ્યગૃહ, વિચેન્ઝા

January, 2004

ઓલિમ્પિક નાટ્યગૃહ, વિચેન્ઝા : પુરાતન કાળના રોમન થિયેટર પરથી પ્રેરણા લઈને 1579-80 દરમિયાન મહાન સ્થપતિ આન્દ્રે પલ્લાડિયો દ્વારા આયોજિત નાટ્યગૃહ. સ્થાપત્યકલાની એક સૈદ્ધાન્તિક પ્રતિકૃતિ તરીકે ગણાતું આ થિયેટર રોમન બાંધકામકલાનો પણ અગત્યનો નમૂનો છે.

ઓલિમ્પિક નાટ્યગૃહનો આંતરભાગ

વિચેન્ઝાની ઍકેડેમિયા ઓલિમ્પિકાએ 1579માં તેની સંસ્થાકીય જરૂરિયાત માટે આ થિયેટરનું આયોજન આન્દ્રે પલ્લાડિયોને સોંપેલું. તે વખતની હ્યૂમેનિસ્ટ નાટ્યશૈલી ગ્રીક ટ્રૅજેડીને અનુસરતી શૈલી હતી. તેને માટે પુરાતન કાળના રંગમંચના નમૂના પ્રમાણે રંગમંચ પર શહેરી અને ઉપવનસૃષ્ટિનું વાસ્તવિક ર્દશ્ય ખડું કરવાના ઉદ્દેશથી સમસ્ત મકાનનું આયોજન થયું હતું. અંદરનું બધું જ બાંધકામ પુનરુત્થાન કાળનાં બીજાં થિયેટરોની જેમ લાકડાંનું છે. સંસ્થાની ચીવટભરી દેખભાળને લીધે તે અદ્યાપિ પર્યન્ત ટકી રહેલું છે.

રવીન્દ્ર વસાવડા