ઓલિમ્પિક હૉલ, ટોક્યો : અઢારમા ઓલિમ્પિક રમતોત્સવ પ્રસંગે બાંધવામાં આવેલો દુનિયાનો સૌથી મોટો જિમ્નેશિયમ હૉલ. જાપાનના પાટનગર ટોક્યોમાં અઢારમો ઓલિમ્પિક રમતોત્સવ 1964માં ઊજવાયો. એશિયા ખંડમાં આ ઉત્સવ પ્રથમ વાર જ ઊજવાયો હતો. આ ઉત્સવમાં 94 દેશોના 5,541 ખેલાડીઓએ (જેમાં 700 સ્ત્રી-ખેલાડીઓ હતી) ભાગ લીધો હતો. રમતગમત વગેરેના 162 પ્રસંગો યોજાયા હતા. આ ઉત્સવ માટે જાપાને

ઓલિમ્પિક સ્પૉર્ટ્સ હૉલ, ટોક્યો

1959થી તૈયારીઓ કરી હતી અને ‘કોમાઝાપા સ્પૉર્ટ્સ કૉમ્પ્લેક્સ’ તૈયાર કર્યું હતું. ‘મેજી ઉદ્યાન’માં યોયોગોમાં ઓલિમ્પિક શહેરનું નિર્માણ થયું હતું. તેમાં મેટ્રોપૉલિટન જિમ્નેશિયમ, નૅશનલ સ્ટેડિયમ જિમ્નેશિયમ, નૅશનલ સ્ટેડિયમ, નિપ્પોન બુડોકોન હૉલ, નૅશનલ ઇન્ડોર સ્ટેડિયમ વગેરે બાંધવામાં આવ્યાં હતાં. જાપાનના મહાન સ્થપતિ કેન્ઝો ટાંગેએ આ નવીન પ્રકારનાં બાંધકામોનું આયોજન કર્યું હતું. દશમી ઑક્ટોબરે સ્પર્ધાઓનો આરંભ થયો. જાપાનના અને પરદેશના એક લાખ ઉપરાંત પ્રેક્ષકોએ આ રમતો જોવામાં ભાગ લીધો હતો. પરદેશીઓ અને પત્રકારો વગેરે માટે અનેક નવી હોટલો બાંધવામાં આવી હતી.

બધી ઇમારતોનાં સ્થાપત્યો નવી ડિઝાઇનનાં હતાં. સૌથી વધુ ધ્યાન દોરે તેવું સ્થાપત્ય નૅશનલ જિમ્નેશિયમ હૉલનું હતું. તે ઓલિમ્પિક હૉલ તરીકે ઓળખાય છે. તેનો આકાર ઉપરથી દરિયાના છીપલા જેવો હતો, પરંતુ તે દુનિયાનો સૌથી મોટો હૉલ બન્યો હતો. બે બાજુના સામસામા થાંભલા ઉપર લોખંડી જાડા તારના દોરડા બાંધી તેની નીચે ત્રાંબાનું છાપરું ઝૂલતું રાખ્યું હતું. તેમાં વચ્ચે એક પણ થાંભલો ન હતો. તેમાં 15,000 માણસો બેસી સ્વીમિંગની સ્પર્ધા જોઈ શકે એવી વ્યવસ્થા હતી. તરવાની સ્પર્ધા માટે તૈયાર કરેલો સ્વીમિંગ પુલ તદ્દન સ્વચ્છ પાણીથી ભરેલો હતો. સ્પર્ધામાં ઊતરેલા હરીફોનું કાર્ય મોટા ઇલેક્ટ્રિક બૉર્ડ દ્વારા મિનિટ અને સેકન્ડ મુજબ દર્શાવાય તેવી ગોઠવણ હતી. પાણીમાં ફોટો લેવાય તેવી પણ વ્યવસ્થા હતી. જાપાની સ્થપતિનું આ એક અદભુત સ્થાપત્ય ગણાય છે. આ એક જ હૉલ બાંધવાનો ખર્ચ બે કરોડ રૂપિયા થયો હતો. સમગ્ર ઓલિમ્પિક માટે 21 સ્ટેડિયમ અને વિવિધ ખેલકૂદ માટે 33 જગ્યાઓ તૈયાર કરવામાં આવી હતી.

આ સૌમાં ‘નૅશનલ જિમ્નેશિયમ’ એટલે કે ઓલિમ્પિક હૉલનું સ્થાપત્ય બેનમૂન હતું. તેમાં તરણસ્પર્ધા ઉપરાંત બીજી ‘ઇન્ડોર’ રમતગમતો માટે પણ આયોજન હતું. જૂડો સ્પર્ધા માટે પેગોડા જેવું સ્ટેડિયમ બંધાયું હતું.

કૃષ્ણવદન જેટલી

રવીન્દ્ર વસાવડા