ઑટોરેડિયોગ્રાફી
January, 2004
ઑટોરેડિયોગ્રાફી (autoradiography) : કોષના ગતિશીલ તંત્ર તથા સંશ્લેષણ અને ચયાપચયનાં સોપાનોની પરખ માટેની કિરણોત્સર્ગી (radioactive) પદ્ધતિ. તેને જૈવતંત્રના આત્મસંવેદનરૂપ આલેખ ગણી શકાય.
મહાકાય અણુઓ(macromolecules)ના જૈવ-સંશ્લેષણ (biosynthesis) દરમિયાન યોગ્ય સોપાને કિરણોત્સર્ગી સમસ્થાનિકો (isotopes) (દા.ત., P-31, C-14, ટ્રિટિયમ H-3) દાખલ કરવામાં આવે છે. આવાં તત્વોવાળી પેશી અથવા અંગને સ્થાયી (fix) કરી, તેનો છેદ (section) લઈ તેના ઉપર પ્રકાશ-સંવેદી (photosensitive) ઇમલ્સનનો ઢોળ ચડાવી તે છેદોને અંધકારમાં રાખી પછી પ્રકાશમાં મૂક્યા બાદ સામાન્ય ફોટોગ્રાફિક પદ્ધતિથી વ્યક્ત (develop) કરીએ તો કોષની અંદરના કિરણોત્સર્ગી સમસ્થાનિકોમાંથી આવતાં વિકિરણોથી રૂપાના ક્ષારમાંથી દાણાદાર રૂપું (કાળું) છૂટું પડે છે. આ ઉપરથી કોષમાં થતી ક્રમિક ઘટનાઓનું અર્થઘટન શક્ય બને છે. ટ્રિટિયમ કે C-14થી અંકિત (labelled) કરેલા થાયમિડિનનો ઉપયોગ ડી.એન.એ. માટે અને યુરિડિનનો ઉપયોગ આર.એન.એ. માટે વિશિષ્ટ ગણાય છે. પ્રોટીનનું સંશ્લેષણ સમજવા માટે એમીનો ઍસિડને અંકિત કરવામાં આવે છે. કોષમાં કિરણોત્સર્ગી યુરિડિનના પ્રવેશ બાદ કોષકેન્દ્ર ફરતે કણોની જમાવટ સાબિત કરે છે કે આર.એન.એ.નું નિર્માણ કોષકેન્દ્રમાં થાય છે, નહિ કે કોષરસમાં.
સરોજા કોલાપ્પન