ઓટક્કુખલ : મલયાળમ કાવ્યસંગ્રહ. રચના (1920-50). ઓટક્કુખલનો અર્થ બંસરી અથવા વાંસળી. કવિ જી. શંકર કુરુપ(1901-1978)નો 60 કાવ્યોનો આ સંગ્રહ છે. 1950માં પ્રગટ થયેલા આ કાવ્યસંગ્રહને 1965માં ભારતીય જ્ઞાનપીઠનો (રૂ. એક લાખનો) પ્રથમ પુરસ્કાર અર્પણ થયેલો. આ કાવ્યો વિચાર અને ભાવની સમૃદ્ધિની ર્દષ્ટિએ મલયાળમના આ મહાન કવિના કવિત્વનું પ્રતિનિધિત્વ કરે છે. કવિમાનસ અને તેમની કલાના વિકાસનો યથાર્થ પરિચય આ કાવ્યસંગ્રહ દ્વારા થાય છે. કવિ પ્રકૃતિના ગાયક છે અને વિશ્વના રહસ્ય પ્રતિ કુતૂહલ અને આનંદ વ્યક્ત કરે છે. કવિવર ટાગોરનો કુરુપ પર ઊંડો પ્રભાવ પડેલો છે. તે કવિતામાં પ્રતીકોનો ઉપયોગ કરે છે. પરંતુ તે પ્રતીકવાદી કવિ નથી. આ કાવ્યો ભવ્યતા અને ગહનતાનાં ઉચ્ચ શિખર સર કરે છે. પોતાને મળેલા પુરસ્કારની રકમમાંથી કવિ કુરુપે ‘ઓટક્કુખલ’ પારિતોષિક સ્થાપ્યું છે, જે દર વર્ષે મલયાળમ ભાષાના ઉત્તમ પુસ્તકને એનાયત થાય છે.
અક્કવુર નારાયણન્