ઓટાવા : કૅનેડાનું પાટનગર તથા તેના કાર્લટન પરગણાનું મથક. ભૌગોલિક સ્થાન : 450 25’ ઉ. અ. અને 750 42’ પ. રે.. તે ઓન્ટારિયો પ્રાંતના દક્ષિણ પૂર્વમાં, ટોરૉન્ટોની ઉત્તર-પૂર્વે 355 કિમી. તથા મોન્ટ્રિયલની પશ્ચિમે 177 કિમી.ના અંતરે આવેલું છે. સત્તરમી અને અઢારમી સદીમાં ભૌગોલિક સાહસ ખેડનારાઓ તથા વ્યાપારીઓના ઉપયોગમાં લેવાતી ત્રણ નદીઓ ઓટાવા, ગેટિનો તથા રિડોના સંગમસ્થાન પર આ નગર વસેલું છે. 1826માં બ્રિટનના રૉયલ એન્જિનિયર્સની ટુકડીએ લેફટેનન્ટ કર્નલ જૉન બાયના નેતૃત્વ હેઠળ જે સ્થળે રિડો નદીની નહેરની શરૂઆત કરી હતી. ત્યાં આ વિસ્તારની પહેલી વસાહત-બાયટાઉન નામથી ઊભી થઈ હતી. તે પછીનાં ચાર વર્ષ(1826-32)માં નહેરોનું તે કાર્ય પૂરું થતાં ત્યાં નવી વસાહતો ઊભી થવા લાગી હતી. ત્યાંની મૂળ રહેવાસી જનજાતિ ઓટાવા પરથી 1855માં આ નગરને ઓટાવા નામ આપવામાં આવ્યું હતું. 1867માં કૅનેડા સ્વાયત્ત સંસ્થાન બનતાં રાણી વિક્ટોરિયાએ દેશના પાટનગર તરીકે ઓટાવાની પસંદગી જાહેર કરી હતી.

કૅનેડાનું સંસદ ભવન, ઓટાવા

ઓટાવા નદી કૅનેડાના ઓન્ટારિયો તથા ક્વીબેક પ્રાંતોની સરહદ નક્કી કરે છે. ઓન્ટારિયો પ્રાંતની હદમાં ઓટાવા તથા ક્વીબેક પ્રાંતની હદમાં હલ ઉપનગર વિકસ્યું છે. ઓટાવા દેશનાં ચાર મોટાં નગરોમાંનું એક છે. આ નગરને ઘણા મહત્વના રેલ તથા હવાઈ માર્ગથી સાંકળી લેવામાં આવ્યું છે. બીજા વિશ્વયુદ્ધ પછી આ નગરનો ઝડપી તથા સુયોજિત વિકાસ થયો છે. વસ્તી : 9.95 લાખ (2020).

નગરની વસ્તીમાં આશરે 55 ટકા બ્રિટિશ, 25 ટકા ફ્રેન્ચ તથા 20 ટકા અન્ય પ્રજા છે. કૅનેડાનું તે દ્વિભાષી નગર છે. અહીં ઇંગ્લિશ તથા ફ્રેન્ચમાં વ્યવહાર થાય છે.

શહેરની આજુબાજુમાં વિપુલ વનસંપત્તિ છે. ઘણા લાંબા સમય સુધી આ શહેર દેશના ઇમારતી લાકડાનું મુખ્ય કેન્દ્ર ગણાતું હતું. નેપોલિયન સામેનાં યુદ્ધોમાં યુદ્ધનૌકા બનાવવા માટે ઇંગ્લૅન્ડે જરૂરી લાકડું ઓટાવાની ખીણમાંથી મેળવ્યું હતું. નગરમાં કાગળ, ફર્નિચર, સીમેન્ટ, મશીન ટૂલ્સ, એન્જિનિયરિંગ, ખાદ્ય પદાર્થો પર પ્રક્રમણ, કાપડ તથા ચામડાની વસ્તુઓનું ઉત્પાદન કરતાં કારખાનાં વગેરે વિકસ્યાં છે. પ્રવાસનનો પણ નોંધપાત્ર વિકાસ થયો છે.

નગરમાં ઓટાવા, સેન્ટ પોલ કાર્લટન યુનિવર્સિટીઓ અને ટેકનિકલ ટ્રેનિંગ કૉલેજ છે. દેશ-વિદેશના પર્યટકો માટે આકર્ષણનાં સ્થળોમાં નૅશનલ લાઇબ્રેરી (પુસ્તકો 4,30,000), નૅશનલ આર્ટ સેન્ટર, પબ્લિક આર્કાઇવ્ઝ બિલ્ડિંગ, નૅશનલ મ્યુઝિયમ ઑવ્ સાયન્સ ઍન્ડ ટેક્નૉલોજી, નૅશનલ ગેલેરી ઑવ્ કૅનેડા, પાર્લમેન્ટ હાઉસ, ખ્રિસ્તી દેવળો, સેન્ટ્રલ એક્સ્પેરિમેન્ટલ ફાર્મ ઍન્ડ ડોમિનિયન ઑબ્ઝર્વેટરી, અનેક ઉદ્યાનો તથા સ્મારકોનો ઉલ્લેખ કરી શકાય.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે