અપરાજિતપૃચ્છા

January, 2001

અપરાજિતપૃચ્છા (12મી સદીનો ઉત્તરાર્ધ) : ગુજરાતમાં રચાયેલો પશ્ર્ચિમ ભારતીય વાસ્તુ, શિલ્પ, ચિત્ર, સંગીત અને નૃત્યકલાને લગતો સર્વસંગ્રહરૂપ ગ્રંથ. ગુજરાતના સોલંકી રાજા મૂળરાજ બીજા (1161)ના પુત્ર અપરાજિતને પ્રસન્ન કરવાના ઉદ્દેશથી કોઈ વાસ્તુવિદ્યાવિદે ‘ભુવનદેવાચાર્ય’ના ઉપનામથી આ અજોડ ગ્રંથ રચ્યો હોવાનું મનાય છે. ગ્રંથમાં પોતાના સહુથી નાના માનસપુત્ર અપરાજિતે પૂછેલા પ્રશ્નોના વાસ્તુવિદ્યાના દેવતા વિશ્વકર્માએ વિસ્તારથી આપેલા ઉત્તરો સમાવિષ્ટ છે. ગ્રંથકર્તા ભુવનદેવાચાર્યનું નામ પણ વિશ્વકર્માનું સૂચક છે. માળવાના રાજા ભોજે (આશરે 1000થી 1050) વાસ્તુવિદ્યાને લગતો ‘સમરાંગણસૂત્રધાર’ નામે પ્રસિદ્ધ ગ્રંથ રચ્યો તેની સ્પર્ધામાં ‘અપરાજિતપૃચ્છા’ની રચના થઈ છે તેથી એમાં ‘સમરાંગણસૂત્રધાર’ કરતાં પણ વિશદ અને સૂક્ષ્મ નિરૂપણ થયું છે. કુલ 239 અધ્યાયો અને 7,650 શ્લોક ધરાવતા આ ગ્રંથમાં વાસ્તુવિદ્યાનું 196, પ્રતિમાવિધાનનું 30 અને ચિત્ર, સંગીત તથા નૃત્યકલાનું 13 અધ્યાયોમાં નિરૂપણ થયું છે. વાસ્તુવિદ્યાને ક્ષેત્રે પદાર્થપસંદગી, સ્થાનપરિયોજના અને નિર્માણપરિયોજના પરત્વે ભવન, રાજભવન, નગર, ગૃહ અને મંદિરોનું નિર્માણ તેમજ આનુષંગિક વાસ્તુજ્યોતિષનું તલસ્પર્શી અને સૂક્ષ્મ વિવરણ અપાયું છે. આમાં પૂર્વવર્તી બધાં શાસ્ત્રો અને પ્રચલિત પરંપરાઓનો અનુપમ સમન્વય સાધવામાં આવ્યો છે. પ્રતિમાવિધાનને ક્ષેત્રે હિંદુ તેમજ જૈન પ્રતિમાઓનાં 255 પ્રતિમાસ્વરૂપોનું વિશદ નિરૂપણ થયું છે. એમાં શિવલિંગનાં શિલાનિર્મિત અને રત્નજ સ્વરૂપોમાં શિલા તેમજ રત્નોની પરીક્ષા અને વિધિ-નિષેધનું વર્ણન, વિશ્લેષણ અને તાત્પર્ય અપરાજિતપૃચ્છામાં જે સૂક્ષ્મતાપૂર્વક થયું છે તે અનુપમ છે. બ્રહ્માના યુગ અને વેદને અનુરૂપ સ્વરૂપોનું નિરૂપણ, 50 હાથ ધરાવતા સ્વચ્છંદ ભૈરવ, શેષશાયી વિષ્ણુ, વ્યૂહવાદને અનુરૂપ 24 વિષ્ણુસ્વરૂપોનું સૂક્ષ્મ પ્રતિમાવિધાન, કાર્તિકેયનું ભવ્ય નાગરકદેવસ્વરૂપ, દ્વાદશ ગૌરી, મહિષમર્દિની દેવી કાત્યાયની, મહાદેવી ચામુંડા, દેવતાઓની સંયુક્ત પ્રતિમાઓ, જૈન દિગંબર પ્રતિમાઓની સાથે શ્વેતાંબર પરંપરાની પ્રતિમાઓની તુલના, પ્રતિહારોનું અન્યત્ર દુર્લભ એવું મૂર્તિવિધાન, પ્રત્યેક દેવીદેવતાના રૂપનિર્માણના સિદ્ધાંતો, તાલમાનનો પ્રયોગ અને તેની સાથે તેમની પૂજા-ઉપાસનાના મહિમાનું નિરૂપણ અદ્વિતીય છે. ચિત્રકલા પરત્વે અપરાજિતપૃચ્છામાં નાગર, દ્રવિડ, વેસર, કલિંગ, યામુન અને વ્યંતર ચિત્રશૈલીઓનું પ્રતિપાદન થયું છે. સંગીતક્ષેત્રે સપ્તસ્વર, તાલ, વાદ્ય, રાગ-રાગિણી તેમજ ગીતદોષોનો પરિચય અપાયો છે, જ્યારે નૃત્યક્ષેત્રે તાંડવાદિ નૃત્યનો પરિચય અપાયો છે. વસ્તુત: અપરાજિતપૃચ્છામાં વાસ્તુ, પ્રતિમાવિધાન અને ચિત્રકલા અને સંગીત તેમજ નૃત્યને ક્ષેત્રે પ્રશિષ્ટ કલાસ્વરૂપોનું નિરૂપણ થયું છે.

પ્રવીણચંદ્ર પરીખ