એસ્ટ્રોન (estrone અથવા oestrone) : સ્ત્રીજાતીય સ્ટેરોઇડ હોર્મોન. સસ્તનોમાં ઋતુચક્ર (menstruation) સાથે સંકળાયેલ એસ્ટ્રોજન સમૂહના અઢાર કાર્બન (C18) ધરાવતા ત્રણ હોર્મોન છે : એસ્ટ્રોન, એસ્ટ્રિયોલ અને એસ્ટ્રાડાયોલ. છેલ્લો પદાર્થ સૌથી વધુ ક્રિયાશીલ હોય છે. બાકીના તેના ચયાપચયી (metabolites) હોવાની શક્યતા છે.
સસ્તનોમાં અંડાશય, અધિવૃક્ક પ્રાંતસ્થા (adrenal cortex), ઓર અને વૃષણમાં તે બને છે. ગર્ભવતી સ્ત્રીઓના મૂત્રમાં તે હોય છે. અશ્વસમૂહના નર પ્રાણીઓના મૂત્રમાં પણ તે મોટા પ્રમાણમાં હોય છે.
તેનું સૂત્ર C18H22O2. ગ.બિં. 254.5 – 2560 સે. કુદરતી એસ્ટ્રોન (d)-પ્રકાશ-ક્રિયાશીલ (UV) λmax 283થી 285. તેનું વલય A ઍરોમેટિક હોઈ તેમાંના હાઇડ્રૉક્સિલ સમૂહને કારણે એસ્ટ્રોન ફીનૉલના ગુણો દર્શાવે છે. આ બાબત તેના અલગનમાં ઉપયોગી છે. કુદરતી એસ્ટ્રોજનના જેવા ગુણો સાદું બંધારણ ધરાવતા સંશ્લેષિત પદાર્થો ડાય-ઇથાઇલ, સ્ટિલ્બેસ્ટ્રોલ (વિપક્ષ trans રૂપ) અને હેક્ઝેસ્ટ્રોલ દર્શાવતા હોઈ સસ્તા હોવાને લીધે ઋતુચક્ર અંગેના રોગોમાં વપરાય છે.
જ. પો. ત્રિવેદી