ઍસ્ટ્રૉનૉમિકલ સોસાયટી ઑવ્ ઇન્ડિયા

January, 2004

ઍસ્ટ્રૉનૉમિકલ સોસાયટી ઑવ્ ઇન્ડિયા : ખગોળશાસ્ત્રને લોકભોગ્ય બનાવવા માટે સ્થપાયેલી સંસ્થા. 1910માં દેખાયેલા હેલીના ધૂમકેતુએ સમગ્ર જનતામાં ખગોળ અંગે ખૂબ રસ જગાડ્યો હતો; તેના પરિણામે કોલકાતા ખાતે તે વર્ષમાં પ્રથમ ઍસ્ટ્રૉનૉમિકલ સોસાયટી ઑવ્ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી હતી. તેના છ વર્ષના આયુષ્ય દરમિયાન એચ. જી. ટૉમકિન્સ, ડબ્લ્યૂ. જે. સિમોન્સ અને ડબ્લ્યૂ. એ. લી તેના પ્રમુખપદે રહ્યા હતા. થોડાક સમયગાળા માટે સોસાયટીના મંત્રીપદે રહેલા પ્રો. સી. વી. રામન તેના મુખપત્ર ‘જર્નલ’માં નિયમિતપણે લખતા હતા. સંભવત: પ્રથમ વિશ્વયુદ્ધને કારણે 1916માં તેની કામગીરી એકાએક બંધ પડી ગઈ હતી.

અખિલ ભારતીય સ્તરની અને લાંબી અવધિ સુધી કાર્યરત રહી શકે તેવી દ્વિતીય ઍસ્ટ્રૉનૉમિકલ સોસાયટી ઑવ્ ઇન્ડિયાની સ્થાપના કરતાં પહેલાં ભારતભરમાં પથરાયેલા ખગોળવૈજ્ઞાનિકોના અભિપ્રાય મેળવવામાં આવ્યા હતા. ખગોળશાસ્ત્રની પ્રગતિ અને વિકાસ માટે કાર્યશીલ એવી વિવિધ, ખ્યાતનામ સંશોધનસંસ્થાઓમાં તેમજ યુનિવર્સિટીઓમાં કામ કરતા ખગોળશાસ્ત્રીઓને જ્યારે એમ લાગ્યું કે સ્વતંત્રતા પછીનાં પ્રથમ 25 વર્ષ દરમિયાન રાષ્ટ્રમાં ખગોળશાસ્ત્રના અભ્યાસ અને સંશોધન માટે યોગ્ય અને સ્થિર પાયો નંખાઈ ચૂક્યો છે, ત્યારે તેમને આવી સોસાયટીની સ્થાપના આવકાર્ય જણાઈ. ખગોળશાસ્ત્ર અને ખભૌતિકશાસ્ત્ર (astrophysics) જેવી આનુષંગિક શાખાઓનો ભારતમાં સર્વતોમુખી ઉત્કર્ષ થાય એ મુખ્ય હેતુને સાધવા માટે ઑક્ટોબર, 1972માં ઍસ્ટ્રૉનૉમિકલ સોસાયટી ઑવ્ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી. તેનું વડું મથક ડિપાર્ટમેન્ટ ઑવ્ ઍસ્ટ્રૉનૉમી, ઓસ્માનિયા યુનિવર્સિટી, હૈદરાબાદ(આંધ્રપ્રદેશ)માં આવેલું છે. તેના પ્રથમ બે પ્રમુખ પ્રો. એમ. કે. વેણુબાપુ (1973-74) અને પ્રો. ગોવિંદ સ્વરૂપ (1975-76) હતા. તેનું મુખપત્ર ‘બુલેટિન’ સતત 8 વર્ષથી પ્રકાશિત થતું રહ્યું છે. આજ સુધીમાં સંસ્થાનાં 14 વાર્ષિક અધિવેશનો ભરાયાં છે. તેની (સરેરાશ) સભ્યસંખ્યા 280 કરતાં વધારે રહી છે. ખગોળશાસ્ત્રને લોકભોગ્ય બનાવવા માટે પણ આ સોસાયટી કાર્યશીલ છે.

પ્ર. દી. અંગ્રેજી