એસેટિક ઍસિડ (acetic acid) : ઍલિફેટિક કાબૉર્ક્સિલિક ઍસિડ. શાસ્ત્રીય નામ ઇથેનૉઇક ઍસિડ. સૂત્ર CH3COOH; અણુભાર 60.65; રંગવિહીન, તીવ્ર (pungent), ક્ષોભક (irritating) વાસવાળું પ્રવાહી. ગ.બિં. 16.60 સે., ઉ.બિં. 1190, વિ. ઘ. 1.049; nD20 1.3718. 100 ટકા શુદ્ધ એસેટિક ઍસિડને ઠારતાં બરફ જેવો દેખાતો ઘન પદાર્થ બનતો હોઈ તેને ગ્લેસિયલ એસેટિક ઍસિડ કહે છે. ઘન સ્વરૂપમાં આવતાં તેના કદમાં ઘટાડો થાય છે.
તે આલ્કોહૉલ, ઇથર, ગ્લિસરોલ, કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં દ્રાવ્ય છે, જ્યારે કાર્બન ડાયસલ્ફાઇડમાં અદ્રાવ્ય છે. પાણીમાં તે બધા જ પ્રમાણમાં મિશ્રણીય (miscible) છે. Ka = 1.8 × 10–5, 1M દ્રાવણનું pH = 2.4, 0.1M દ્રાવણનું pH 2.9 છે. તે વિષાળુ છે અને ચામડી ઉપર તથા મોંમાં દાહક અસર ઉપજાવે છે. ઘણી ધાતુઓ સાથે પ્રક્રિયા કરીને ઍસિડિક, બેઝિક તથા સામાન્ય ક્ષારો બનાવે છે.
સફરજન, દ્રાક્ષ વગેરે ફળોના આસવ(દારૂ)નું Mycoderma aceti નામના સૂક્ષ્મ જીવાણુઓ મારફત હવા વડે ઉપચયન (oxidation) કરતાં સરકો (vinegar, 3 % – 8 % એસેટિક ઍસિડયુક્ત) પ્રાચીન સમયથી મેળવવામાં આવે છે. જી. ઈ. સ્ટાહલે 1700માં સાંદ્ર એસેટિક ઍસિડ આમાંથી સૌપ્રથમ મેળવ્યો. કાષ્ઠના ભંજક (destructive) નિસ્યંદનથી મિથેનોલ, ઍસિટોનની સાથે આ ઍસિડ પણ મેળવાતો હતો.
હાલમાં આલ્કોહૉલના ઉપચયનથી મળતા ઍસિટાલ્ડિહાઇડનું આગળ ઉપચયન કરીને (ઉદ્દીપક કોબાલ્ટ એસિટેટ) ઍસેટિલીનની પાણી સાથેની પ્રક્રિયાથી મળતા ઍસિટાલ્ડિહાઇડના ઉપચયનથી (600 સે., મૅંગેનીઝ એસિટેટ ઉદ્દીપક) અને બ્યૂટેનના પ્રવાહી કલા(liquid phase)માં ઉપચયનથી (વાતાવરણના દબાણે, 150 − 2500 સે.; ધાતુ ઍસિટેટ ઉદ્દીપક) એસેટિક ઍસિડ વેપારી ધોરણે મેળવવામાં આવે છે.
વાઇનાઇલ એસિટેટ, ઍસિટિક ઍન્હાઇડ્રાઇડ (સેલ્યુલોઝ ઍસિટેટ માટે), એસ્ટર (સુગંધિત પદાર્થો તરીકે અને દ્રાવક તરીકે) સંયોજનો, ધાતુના એસિટેટ ક્ષારો વગેરેની બનાવટમાં તથા દ્રાવક તરીકે ઘણા મોટા પ્રમાણમાં એસેટિક ઍસિડ વપરાય છે.
પ્રવીણસાગર સત્યપંથી