ઍસેટિલીન (acetylene) : ત્રિબંધયુક્ત (triple bond) અસંતૃપ્ત હાઇડ્રૉકાર્બન. સમાનધર્મી (homologus) શ્રેણી ઇથાઇનનું પ્રથમ સભ્ય. તેનું શાસ્ત્રીય નામ પણ ઇથાઇન છે. સૂત્ર CH ≡ CH; અ. ભાર 26.04; રંગવિહીન, લાક્ષણિક વાસવાળો, સળગી ઊઠે તેવો વાયુ; ગ.બિં. 820 સે.; ઉ.બિં. 840 સે.; હવા સાથે 2.3 %થી 80 % ઍસેટિલીનનું મિશ્રણ વિસ્ફોટક હોય છે. હવાની ગેરહાજરીમાં પણ 2 વાતાવરણ ઉપરના દબાણે પ્રવાહી કે વાયુરૂપ ઍસેટિલીન વિસ્ફોટક બને છે. આમ તેના સંગ્રહ કે ઉપયોગમાં મોટું જોખમ રહેલું છે.

કૅલ્શિયમ કાર્બાઇડ અને પાણી વચ્ચેની અસલ પદ્ધતિ હજુ પણ વપરાય છે. CaC2 + 2H2O → Ca(OH)2 + C2H2. હલકા પેરેફિન્સ વરાળની હાજરીમાં તાપવિઘટન (pyrolysis), મિથેનનું આંશિક ઉપચયન અને વિદ્યુતચાપ(arc)ની હાજરીમાં હાઇડ્રૉકાર્બનનું ભંજન (cracking) નવીન પદ્ધતિઓમાં અગત્યનું ગણાય છે.

તેની સંભવત: ઉષ્મા (heat of formation) ઊંચી છે તેથી તે અત્યંત અસ્થાયી છે.

ઍસિટિલીનમાં ત્રિબંધ હોઈ યોગશીલ પ્રક્રિયા તેની લાક્ષણિક પ્રક્રિયા છે. વળી ઍસિટિલીનનો H વિસ્થાપનીય છે અને HC ≡ CNa તથા HC ≡ CMgX જેવા સંશ્લેષણમાં ઉપયોગી વ્યુત્પન્નો મળે છે. સિલ્વર અને કૉપર ઍસેટિલાઇડ વિસ્ફોટક છે. ઍસેટિલીનના ઇલેક્ટ્રૉન ઇથિલીનના દ્વિબંધના ઇલેક્ટ્રૉનના મુકાબલે વધુ ઇલેક્ટ્રૉન-અનુરાગી (electrophilic) છે. હાઇડ્રોજન, હેલોજન, હેલોજન ઍસિડ, પાણી, હાઇડ્રોજન સાયનાઇડ, આલ્કોહૉલ, ઍસેટિક ઍસિડ વગેરે સાથે યોગશીલ પ્રક્રિયા કરીને તે ઔદ્યોગિક અગત્ય ધરાવતાં સંયોજનો જેવાં કે વાઇનાઇલ ક્લોરાઇડ, વાઇનાઇલ ઍસેટેટ, ક્લૉરોપ્રીન, એક્રિલોનાઇટ્રાઇલ, ટ્રાઇક્લોરોઇથિલીન, પરક્લોરોઇથિલીન, એક્રિલિક એસ્ટરો વગેરે બનાવે છે. આ પ્રક્રિયાઓ ઉદ્દીપકની હાજરીમાં વધુ સારી રીતે થાય છે.

જર્મન રસાયણજ્ઞ રેપેએ ઍસેટિલીન જેવા વિસ્ફોટક પદાર્થને સલામત રીતે વાપરી શકાય એ માટેની ખાસ પદ્ધતિ તથા વિશિષ્ટ ઉદ્દીપકો શોધી કાઢીને તેને પાયામાં રાખીને વિવિધ પ્રકારનાં રસાયણો મેળવવા માટેની રસાયણની એક આગવી શાખા (રેપે રસાયણ) વિકસાવી હતી. આ પદ્ધતિઓના ઉપયોગથી બ્યુટિરોલૅક્ટોન, 1, 4-બ્યુટાડાઇન, વાઇનાઇલ આલ્કાઇલ ઇથર, પાયરોલિડોન અને સાઇક્લોઑક્ટાટેટ્રીન મેળવી શકાય છે. સાઇક્લોપેન્ટાડાઇન અને ઍસેટિલીન વચ્ચેની ડીલ્સ-એલ્ડર પ્રક્રિયાથી જે બાયસાઇક્લો [2, 2.1-2, 5] હેપ્ટાડાઇન મળે છે, તેમાંથી કીટનાશકો બનાવી શકાય છે.

જ. પો. ત્રિવેદી