એસેઝ (બેકન) : વિખ્યાત અંગ્રેજ લેખક બેકનના નિબંધો. કિંગ જેમ્સના શાસન દરમિયાન ઍટર્ની જનરલ ને લૉર્ડ હાઈ ચાન્સેલરના પદ સુધી પહોંચનાર સર ફ્રાન્સિસ બેક(1561-1626)ના નિબંધોથી અંગ્રેજી ભાષામાં નવું સાહિત્યસ્વરૂપ શરૂ થયેલ. તેના લેખકને 1621માં લાંચ લેવાના આરોપસર 40,000 પાઉન્ડ દંડ ને કેદની સજા થાય છે. તે વિપરીત સંજોગો તેમને લેખન તરફ વાળે છે. ઇતિહાસ અને વિજ્ઞાનવિષયક લખાણો તેમણે આપ્યાં છે, પણ તે સૌથી વધુ જાણીતા બન્યા છે તેમના નિબંધલેખનને કારણે. નિબંધોની, તેમના આયુષ્યકાળ દરમિયાન જ ત્રણેક જુદી જુદી આવૃત્તિઓ થઈ હતી. પહેલી આવૃત્તિ 1597માં પ્રકાશિત થઈ, જેમાં દસેક નિબંધો હતા. બીજી આવૃત્તિ 1612માં પ્રકાશિત થઈ, તેમાં બીજા ઓગણત્રીસ જેટલા નિબંધો ઉમેરાયેલા ને એક રદ થયેલો. 1925માં ત્રીજી આવૃત્તિ પ્રસિદ્ધ થઈ તેમાં બધા મળી 55 નિબંધો સંઘરાયેલા છે.

એમના આ નિબંધો રાજકારણ, અર્થકારણ, ધર્મ, પ્રેમલગ્ન, મૈત્રી, શિક્ષણ, મુસાફરી જેવાં જીવનનાં અનેક પાસાંને સ્પર્શે છે. એમની આ બધી રચનાઓ ટૂંકી અને સૂત્રાત્મક શૈલીમાં લખાયેલી છે. એની લખાવટ સરળ છે; છતાં આ રચનાઓ ધીરજપૂર્વક વાંચવી પડે તેવી વિચારસમૃદ્ધિ દાખવે છે. તે રચનાઓ દુનિયાદારી અનુભવો તેમજ ડહાપણથી છલકાય છે. ત્રીજી આવૃત્તિમાં પાછળથી ઉમેરાયેલી રચનાઓની શૈલી, અગાઉની શૈલીથી સહેજ જુદી પડી જાય છે. પાછળથી એની શૈલી ઉષ્માવાળી ને વધુ સર્જનાત્મક બની છે. આ લેખકની રચનાઓમાં સર્વકાળના મનુષ્યને સ્પર્શી રહે એવું શુદ્ધ ચિંતન કેન્દ્રમાં હોય છે. ‘જે વ્યક્તિ વેરભાવને ટકાવી રાખે છે, એ પોતાના જ ઘાને દૂઝતો રાખે છે.’ ‘સોના કે ચાંદીમાં થતું મિશ્રણ એ ધાતુને ઘાટ માટે વધુ યોગ્ય બનાવે છે, પણ એના મૂલ્યને ઘટાડી નાખે છે, એવું જ અસત્યનું પણ છે.’ અથવા ‘બાળકો અંધારામાં જતાં ડરે છે, તેમ મોટેરાં મૃત્યુથી ગભરાય છે.’ એવાં ચિંતનગર્ભ સંખ્યાબંધ વાક્યો એમના લઘુ નિબંધોમાંથી મળી આવે છે. વિચારવૈભવની સાથે સરળ છતાં રૂપક-ઉપમાવાળા ગદ્યના વૈભવની પણ તે ઝાંખી કરાવે છે. તેમનો પ્રખ્યાત ‘એથિઇઝમ’ (નાસ્તિકતા) નામનો નિબંધ સૌપ્રથમ 1612ની આવૃત્તિમાં પ્રસિદ્ધ થયો હતો.

આ રચનાઓમાં તર્કપ્રવણ ચિંતક તરીકે લેખકનું વ્યક્તિત્વ અભિવ્યક્ત થયું છે. તેમની સુઘડ અને ઘાટીલી રચનાઓએ એલિઝાબેથ યુગના પ્રજામાનસને ઘણી રીતે પુષ્ટ કરવામાં ફાળો આપ્યો છે. ઉચિત રીતે જ તે અંગ્રેજી નિબંધનો પિતા લેખાયો છે.

પ્રવીણ દરજી