એસેઝ (મૉન્તેન) : નિબંધનો સૌપ્રથમ પ્રયોગ કરનાર ફ્રેન્ચ લેખક માઇકેલ-દ-મૉન્તેન(જ. 28 ફેબ્રુઆરી 1533, બારેદા, ફ્રાન્સ; અ. 13 સપ્ટેમ્બર 1592)ના નિબંધો. તેમના ઘડતરમાં જ્યૉર્જ બૂચનાન, માર્ક આન્તવેન મૂર જેવા શિક્ષકોનું માર્ગદર્શન અને બોએટીની મૈત્રી નોંધપાત્ર પરિબળો હતાં. દેશની લગભગ આંતરવિગ્રહ જેવી અરાજકતાથી તથા કૌટુંબિક જીવનમાં ઉપરાઉપરી મૃત્યુની કરુણ ઘટનાઓથી અત્યંત ખિન્ન થઈને મૉન્તેન નિવૃત્ત જીવન ગાળવાનો નિર્ણય કરે છે. 1570માં રાજકારણ ત્યજીને પૅરિસથી પોતાને વતન આવી મૃત્યુ પર્યંત પુસ્તકો સાથે જ જીવન વિતાવે છે.

માનવીની ન્યૂનતા અને મૂર્ખતા વિશે પ્રકૃતિ વચ્ચે વિચારવાનું શરૂ થતાં અને જીવનમાં વિવિધ ક્ષેત્રે થયેલા અનુભવોને વાગોળતાં, મૉન્તેનની કલમે 1572માં નિબંધના એક નવા સાહિત્યસ્વરૂપને જન્મ આપ્યો. પોતાના વિચારો તથા અનુભવોને વાચા આપવાનો આ રચનાઓમાં ‘પ્રયાસ, પ્રયત્ન કે પ્રયોગ’ કરાયો હતો તેમણે એ માટે ‘essai’ શબ્દ પ્રયોજ્યો હતો. આ પ્રકાર તેમણે ફ્રાન્સના ઉત્તર મધ્યકાલીન સાહિત્યના સંકલન (compilation) પરથી વિકસાવ્યો. 1580માં સમગ્ર સાહિત્યજગતમાં શકવર્તી ઘટના રૂપે નિબંધના બે સંગ્રહો તેઓ પ્રગટ કરે છે. ત્રીજા સંગ્રહની પાંચમી આવૃત્તિ 1588માં પ્રગટ થાય છે અને 1595માં તેની મરણોત્તર આવૃત્તિ બહાર પડે છે.

જે જૂજ પુસ્તકોએ વિશ્વસાહિત્ય અને વિચારસરણી પર સ્થાયી પ્રભાવ જન્માવ્યો છે તેમાં મૉન્તેનના ‘Essais’નો સમાવેશ થાય છે. ભાવકને ઉદ્દેશીને તેઓ કહે છે : ‘હું મારી જાતને ચીતરું છું. મારા પુસ્તકનો વિષય હું – મારી જાત પોતે જ છે.’ આમ નિબંધને તેઓ સર્જકના વ્યક્તિત્વના સ્ફુરણ રૂપે જુએ છે. પાછળથી નિબંધ આ દિશામાં વિસ્તરતો રહ્યો છે. તે કોઈ પણ વિષયને પોતાના વ્યક્તિત્વના સ્પર્શથી આકર્ષક નિબંધરૂપ આપી શકે છે. પોતાના વિશે લખવામાં તેમણે અત્યંત નિખાલસતા દાખવી છે. તેમણે લઘુ અને દીર્ઘ એમ બંને પ્રકારના નિબંધો લખ્યા છે. તેમાં અનેક ચિંતનાત્મક તથા અમૂર્ત વિષયો પર તેમણે કલમ ચલાવી છે. સિસેરો, પ્લેટો, દાન્તે, હૉરેસ, વર્જિલ જેવા અનેક ચિંતકો-સર્જકોનાં અવતરણો પણ તેમણે ટાંક્યાં છે. ગ્રીક કહેવતોનો એમાં પાર વિનાનો ઉપયોગ કરાયો છે. આમ છતાં તેમની નિબંધરચનાઓ વિશૃંખલ બનતી નથી. બધું સ્વાભાવિક રીતે નિબંધમાં ગૂંથાતું આવતું લાગે છે. એમાંના ભર્યાભાદર્યા ‘હું’ને લઈને તેની આસ્વાદ્યતા છેક સુધી ટકી રહે છે. આ રચનાઓમાંનો તેમનો નર્મમર્મ રચનાઓને ભારઝલી થવા દેતો નથી.

આ નિબંધો અંગ્રેજીમાં સૌપ્રથમ સુલભ કરી આપ્યા જૉન ફ્લોરિયોએ 1603માં. 1613માં બીજો સંગ્રહ પ્રગટ થયો. અંગ્રેજી ભાષાંતર પ્રગટ થતાંવેંત બાઇબલની જેમ આ નિબંધો ઘેર ઘેર વંચાતા હતા. શેક્સપિયરને ‘ધ ટેમ્પેસ્ટ’ નાટક માટેની સામગ્રી તથા પ્રેરણા ‘Des Cannibales’ નિમિત્તે આ અનુવાદ-સાહિત્યમાંથી જ મળી હતી.

પ્રવીણ દરજી