એસિરિયન સંસ્કૃતિ : મેસોપોટેમિયાનો એક ભૌગોલિક પ્રદેશ. તે બૅબિલૉનથી આશરે 980 કિમી. ઉત્તરે આવેલો છે. પ્રાચીન કાળમાં યુફ્રેટીસ અને ટાઇગ્રિસ નદીઓના તટપ્રદેશ પર જે સંસ્કૃતિનો વિકાસ થયો તે મેસોપોટેમિયા(બે નદીઓ વચ્ચેનો પ્રદેશ)ની સંસ્કૃતિ તરીકે ઓળખાય છે. અહીં વસતી પ્રજાનો મુખ્ય દેવ ‘અસુર’ હતો. તેના નામ ઉપરથી આ લોકો એસિરિયન કહેવાતા. તેમનો પ્રદેશ ઍસિરિયાના નામથી ઓળખાતો. ટાઇગ્રિસ નદીના કાંઠા ઉપર તેમનાં ચાર મુખ્ય નગરો – આસુર, આરબેલા, તાલાક, નિનેવા. આ નગરોની આસપાસ તેમની સંસ્કૃતિનો વિકાસ થયો. એસિરિયન પ્રજા લડાયક હતી. તેમનો 700 વર્ષનો ઇતિહાસ મુખ્યત્વે યુદ્ધનો ઇતિહાસ હતો. ઍસિરિયાના લોકો પર્વતો ઉપર રહેતા. તેથી તેમણે પથ્થરની સ્થાપત્યકલાનો ખૂબ વિકાસ કરીને પથ્થરના મહેલો અને કિલ્લા બાંધ્યા હતા. તેમના બાંધકામમાં સૌપ્રથમ કમાનનો ઉપયોગ થયો. આ પ્રજાને મનુષ્યો કરતાં પ્રાણીઓનાં શિલ્પોમાં વધારે રસ હતો. સિંહ અને ઘોડા પથ્થરમાંથી ઘડતા. આ લોકો અનેક દેવદેવીઓમાં માનતા. પાપ અને પુણ્યના સિદ્ધાંતમાં માનતા. મૃત્યુ પછીના જીવનમાં પાપની શિક્ષા થાય છે તેવી માન્યતા તેમના વખતમાં ફેલાયેલી હતી. તેઓ શબને દફનાવતા. મંત્ર અને તંત્રમાં માનતા. ઘેટાંનું બલિદાન આપતાં તેના પરથી ભવિષ્યકથન કરતા. આ પ્રજાને તેમના નજીકના વિસ્તારમાં રહેતી સેમેટિક પ્રજાએ હરાવી. એમાં નેબૂખદનેસ્સર નામે પ્રતાપી રાજા થયો. તેણે મહાલયો અને આલીશાન ઇમારતોથી નગરને શણગાર્યું. ઝૂલતા બગીચા બનાવ્યા. તેમનાં મંદિરોમાં વેધશાળાઓ હતી. માનવીના જીવન પર ગ્રહોની કેવી અસર થાય છે તેનો અભ્યાસ કરીને તેમણે ખગોળ જ્યોતિષના ક્ષેત્રે સંશોધન કર્યું હતું.
જ. મ. શાહ