ઍસિડિક લાવા : વધુ સિલિકાદ્રવ્ય ધરાવતો લાવા. પૃથ્વીના પોપડાના પડમાં ક્યારેક થતી રહેતી વિક્ષેપજન્ય અસરોને કારણે ત્યાં રહેલા જે તે ખડકો પીગળી જઈ તૈયાર થતો ભૂરસ મૅગ્મા તરીકે અને તે જ્યારે ભૂપૃષ્ઠ પર નીકળી આવે ત્યારે લાવા તરીકે ઓળખાય છે. લાવા(કે મૅગ્મા)ના ઍસિડિક કે બેઝિક હોવાનો આધાર તે જેમાંથી ઉદભવે છે તે માતૃખડકો ઉપર રહેલો હોય છે. જેમાં સિલિકાનું પ્રમાણ વધુ પડતું (66 % કે તેથી વધુ) હોય તે લાવાને ઍસિડિક બંધારણવાળો કહેવાય છે. બેઝિક ઘટકોનું પ્રમાણ ઓછું હોવાથી તે તરલ (mobile) હોતો નથી. ઉપરાંત પેટાળમાં મૅગ્મામાં વરાળ અને વાયુઓ દબાણ હેઠળ પ્રવાહી સ્થિતિમાં રહેતા હોઈ, તે તરલ મૅગ્મા જ્યારે બહાર સપાટી પર નીકળી આવે છે ત્યારે ગરમી, દબાણ અને વાયુઓની હાજરી ઘણી ઓછી થઈ જાય છે. પરિણામે લાવા ઘટ્ટ અને ચીકણો બની રહે છે. આમ સિલિકાનાં વધુ પ્રમાણ, ઘટ્ટતા અને ચીકાશને કારણે તે ઝડપથી વહી શકતો નથી. તેથી તે જ્યાંથી નીકળે છે તેની આજુબાજુ તેની જમાવટ અને તેનું ઘનીભવન થતું જાય છે. જ્વાળામુખી-નળી દ્વારા નીકળે તો શંકુ-આકાર ટેકરીઓ રચાય છે અને પોપડાની ફાટો દ્વારા નીકળે તો અમુક સમય સુધી મંદ ગતિથી વહ્યા બાદ ઢગ-સ્તર રચાય છે. ઠરતા જતા લાવાની ઉપરની સપાટી ઝડપથી ઠરે છે, જ્યારે અંદરનો ભાગ પ્રવાહી સ્થિતિમાં કેટલોક વખત રહી મોડો ઠરે છે. આ ક્રિયા દરમિયાન વહેતા રહેતા લાવાની પ્રવાહરચના (flow structure) તૈયાર થાય છે, ઠરવાની ક્રિયામાં ઉપરનું ઠરેલું આવરણ પૃષ્ઠતાણનાં બળોને કારણે ફાટતું રહે છે. અંતે સાંધાઓની રચનાનો વિકાસ થાય છે, જેને ખંડ લાવા (block lava) કહે છે.

રહાયોલાઇટ અને પીચસ્ટોન ઍસિડિક લાવામાંથી ઠરેલા બહિષ્કૃત (જ્વાળામુખી) ખડકોનાં ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રકારના ખડકો પાવાગઢના ઉપરના સ્તરોમાં તેમજ દખ્ખણના લાવાના ઉચ્ચ સપાટ પ્રદેશમાં સારા પ્રમાણમાં જોવા મળે છે.

મહેન્દ્ર રા. શાહ