એશિયન ડેવલપમેન્ટ બૅંક (ADB) : સંયુક્ત રાષ્ટ્રસંઘના વિકાસ કાર્યક્રમો અમલમાં મૂકતી, એશિયા તથા પૅસિફિક વિસ્તારની પરિયોજનાઓની દેખરેખ રાખતી અને તે માટે જરૂરી વહીવટી સત્તા ધરાવતી સંસ્થા.

સંયુક્ત રાષ્ટ્રસંઘના એશિયા તથા પૅસિફિક વિસ્તારના આર્થિક તથા સામાજિક કમિશન(United Nations Economic and Social Commission for Asia and the Pacific – UNESCAP)ને ઉપક્રમે ડિસેમ્બર, 1966માં સ્થાપના. 1968થી સભ્ય દેશોને ધિરાણ તથા સહાય આપવાનું શરૂ કર્યું. 1969થી રાહત દરે ધિરાણ આપવાનું ચાલુ કર્યું. સ્થાપના-સમયે સંસ્થાની અધિકૃત મૂડી 110 કરોડ ડૉલર તથા ભરપાઈ થયેલી મૂડી 100.53 કરોડ ડૉલર હતી. બૅંકની અધિકૃત મૂડી 31 માર્ચ, 2000ના રોજ 3,490 કરોડ ડૉલર અને ભરપાઈ થયેલ મૂડી 3,476 કરોડ ડૉલર હતી. તે જ વર્ષમાં 43 પ્રાદેશિક અને 16 બિનપ્રાદેશિક (યુરોપ તથા અમેરિકાના) સભ્યો સાથે કુલ સભ્યસંખ્યા 59 થઈ હતી. તુર્કમેનિસ્તાન(Turkmenistan)ના સભ્યપદની દરખાસ્ત સ્વીકાર થયા બાદ સંસ્થાની કુલ સભ્યસંખ્યા 60 થશે.

બૅંકે સભ્યરાષ્ટ્રોના વિકાસ માટે 2001-2005નાં વર્ષો માટે નવો અભિગમ દર્શાવી નીચેનાં કાર્યોને પ્રાથમિકતા આપવાનું નક્કી કર્યું છે. (1) નાણાકીય ફાળવણી સામે સંયોજિત કાર્યસિદ્ધિની તુલના, (2) સંતોષપ્રદ પ્રાદેશિક સંચાલન, (3) જાતીય સમાનતાને અગ્રતા, (4) પર્યાવરણનું આરક્ષણ, (5) ગરીબીનાબૂદીની વિભાવનાને મૂર્ત કરવા સામાજિક વિકાસ અને સંતોષપ્રદ સંચાલન સહિત સાતત્યપૂર્ણ આર્થિક સુધારણા, (6) ખાનગી ક્ષેત્રનો વિકાસ.

બૅંકનું આયોજન આવતા 5 વર્ષમાં 50 ટકા મૂડીરોકાણ જાહેર ક્ષેત્રે અને બાકીનું ખાનગી ક્ષેત્રમાં પાયાની સુવિધાઓ જેવી કે વીજળી-ઉત્પાદન તથા વિતરણ અને બંદરોના વિકાસ અર્થે ફાળવવાનો છે. શક્ય હોય ત્યાં રાજ્ય અને ખાનગી ક્ષેત્ર વચ્ચે ભાગીદારીની યોજનાઓને મહત્વ આપવામાં આવશે. 2000ના વર્ષમાં બૅંકે વિવિધ સભ્યદેશોની 74 યોજનાઓને 90 લોનો દ્વારા 585 કરોડ ડૉલરની સહાય મંજૂર કરી હતી. તેમાં 426 કરોડ ડૉલર સામાન્ય મૂડી ફંડ અને 159 કરોડ ડૉલર એશિયન ડેવલપમેન્ટ ફંડમાંથી ફાળવવામાં આવ્યા હતા. આ રકમમાં 291 કરોડ ડૉલર સભ્યોના ફાળા દ્વારા અને 274 કરોડ ડૉલર ચાલુ તેમજ આંતરિક સાધનો દ્વારા એકત્ર કરવામાં આવ્યા હતા. આશરે 40 ટકા લોનો ગરીબીનાબૂદી યોજનાઓ માટે હતી, જ્યારે 7.82 કરોડ ડૉલર ખાનગી ક્ષેત્રના 7 સાહસોના શૅરભંડોળ માટે ફાળવવામાં આવ્યા હતા. 306 તકનીકી યોજનાઓ માટે 17.2 કરોડ ડૉલરની સહાય મંજૂર કરવામાં આવી હતી. ઉપર મુજબ મંજૂર કરેલી રકમમાંથી બૅંકે 2000ના વર્ષ દરમિયાન 400 કરોડ ડૉલર ચૂકવ્યા હતા.

જાપાન ગરીબીઘટાવ ફંડ (Japan Poverty Reduction Fund – JPFR) અન્વયે જાપાને 1,000 કરોડ યેન(9. 26 કરોડ ડૉલર)ની સહાય બૅંક માટે મંજૂર કરી છે. તેમાંથી બૅંકે 5 યોજનાઓ તથા કાર્યક્રમો હેઠળ 75 લાખ ડૉલરની સહાય મંજૂર પણ કરી દીધી છે.

બૅંકે તેના આરંભકાળથી ડિસેમ્બર 2000 સુધીમાં ભારતને વિવિધ ક્ષેત્રે સારણી 1 મુજબ ધિરાણ કર્યું હતું.

2000ના વર્ષમાં બકે જે લોનો મંજૂર કરી હતી તેમાં ભારતનો ફાળો 133 કરોડ ડૉલર(23 ટકા)ની રકમ સાથે સૌથી વધુ હતો. બૅંકના અવલોકન અનુસાર ભારતની બૅંક સાથેની યોજનાઓના અમલમાં સલાહકાર પેઢીની પસંદગી, સલાહકારોની નિમણૂક તેમજ કરારો કરવામાં ઠીકઠીક ઢીલ વર્તાય છે, જેને પરિણામે યોજનાઓના અમલીકરણમાં વિલંબ થાય છે. તેમાં સુધારણા માટે સ્થાનિક મિશન દ્વારા સમયબદ્ધ કાર્યક્રમને અમલમાં મૂકવાનું નિયત કરવામાં આવ્યું છે.

સારણી 1

  વિભાગ ધિરાણસંખ્યા

રકમ

(કરોડ ડૉલરમાં)

1. ઊર્જા 19 341.7
2. પરિવહન અને

સંદેશવ્યવહાર

13 215.6
3. નાણાકીય 11 133
4. સામાજિક સુવિધાઓ 14 133
5. અન્ય 2 50
6. મિશ્રક્ષેત્ર 2 25
7. ઉદ્યોગ અને

બિનઇંધન ખનિજ

4 17.6
કુલ 915.9

1973ના એક સુધારા મુજબ અધિકૃત મૂડી 336.5 કરોડ ડૉલર કરવામાં આવી, જે 150 ટકા જેટલો વધારો સૂચવે છે. સંસ્થાના સભ્યોમાં 30 પ્રાદેશિક સભ્ય દેશો તથા 14 પશ્ચિમ યુરોપ અને ઉત્તર અમેરિકાના દેશોનો સમાવેશ થાય છે. 1986માં ચીને સંસ્થાનું સભ્યપદ સ્વીકાર્યું છે. સંસ્થાનું મુખ્ય મથક મનીલા ખાતે છે.

સંસ્થાના નિયામક મંડળ પર દરેક સભ્ય દેશ એક નિયામક (governor) તથા એક વૈકલ્પિક પ્રતિનિધિની નિયુક્તિ કરે છે. નિયામક મંડળ 12 સભ્યોનું સંચાલક મંડળ (board of directors) નિયુક્ત કરે છે. નિયામક મંડળના સભ્યનો કાર્યકાળ બે વર્ષનો હોય છે, પરંતુ તે ફરી નિયુક્તિ માટે ઉમેદવારી કરી શકે છે. નિયામક મંડળ વર્ષમાં એકવાર મળે છે. નવા સભ્ય દેશોને પ્રવેશ આપવાની અધિકૃત મૂડીના કદમાં ફેરફાર કરવાની તથા સંસ્થાના ચાર્ટરમાં સુધારાવધારા કરવાની સત્તા નિયામક મંડળ ધરાવે છે.

સંસ્થાના હેતુઓ : (1) પ્રાદેશિક આર્થિક વિકાસનું પોષણ થાય તે હેતુથી સભ્ય દેશોનાં જૂથોને પ્રત્યક્ષ ધિરાણ તથા ટેકનિકલ સહાય, તેનો ઉપયોગ પરિયોજનાઓ (projects) તૈયાર કરવા અને તેનો અમલ કરવા માટે, નીતિનિર્ધારણ માટે, કૃષિઉદ્યોગ તથા પ્રશાસનવિષયક રાષ્ટ્રીય તથા પ્રાદેશિક સંસ્થાઓ સ્થાપવા માટે, તેનો વિકાસ કરવા માટે અને અભ્યાસ તથા સંશોધન જેવી પ્રવૃત્તિઓ માટે કરવામાં આવે છે. (2) ખાનગી તથા જાહેર ક્ષેત્રમાં મૂડીરોકાણને પ્રોત્સાહન. (3) આર્થિક તથા ટેકનિકલ સહાય દ્વારા વિદેશવ્યાપાર તથા આંતરપ્રાદેશિક વ્યાપારને ઉત્તેજન. (4) આર્થિક વિકાસનાં સાધનોના ઇષ્ટતમ ઉપયોગને પ્રોત્સાહન.

અમેરિકા, ઇંગ્લૅન્ડ, પશ્ચિમ જર્મની અને કૅનેડા જેવા દેશોની મદદથી આ સંસ્થાના ઉપક્રમે ત્રણ વિશિષ્ટ ભંડોળ ઊભાં કરવામાં આવ્યાં છે : (1) કૃષિવિકાસ (2) ટેકનિકલ સહાય તથા (3) અન્ય વિવિધ હેતુઓ માટેનું ભંડોળ. ઉપરાંત 1973માં મનિલા ખાતે આયોજિત સભામાં એક ખાસ એશિયન વિકાસ ભંડોળ (ADF) ઊભું કરવામાં આવ્યું, જેનો ઉપયોગ સભ્ય દેશોની વિકાસ પરિયોજનાઓ તથા વિકાસ કાર્યક્રમો માટે રાહત દરે ધિરાણ પૂરું પાડવા માટે કરવાનો છે. જુલાઈ, 1974થી આ ભંડોળની કાર્યવિધિ શરૂ કરવામાં આવી છે. ડિસેમ્બર, 1989 સુધી આ ભંડોળમાંથી 9.37 અબજ ડૉલર જેટલી લોન આપવામાં આવી હતી, તેનો વધુમાં વધુ લાભ બાંગલાદેશ તથા પાકિસ્તાને લીધો હતો. ભારતે હળવી લોન(soft loans)ની સગવડનો એપ્રિલ, 1990 સુધી લાભ લીધો નહોતો, પરંતુ કડક શરતો(hard loans)વાળી લોનની સગવડમાંથી 14.60 કરોડ ડૉલર જેટલી લોન મેળવી હતી. આવી લોન લેતા દેશોમાં ઇન્ડોનેશિયા મોખરે હતું. તેણે 13.6 અબજ ડૉલરની લોન લીધી હતી, જે સંસ્થાએ આપેલી કુલ લોનના 33 ટકા જેટલી થતી હતી (એપ્રિલ, 1990).

સંસ્થાએ આ ખાસ ભંડોળ (ADF) માટે અત્યાર સુધી પાંચ વાર સભ્ય દેશો પાસેથી નાણાં મેળવ્યાં છે. પાંચમી વખત મેળવેલી 3.5 અબજ ડૉલર જેટલી રકમ ડિસેમ્બર, 1990 સુધીમાં વપરાઈ જશે તેવી વકી છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

જિગીશ દેરાસરી