એશિયન ચલચિત્ર : ભારત સહિત એશિયા ખંડના તમામ દેશોમાં ચાલતી ચલચિત્ર-નિર્માણની પ્રવૃત્તિ. ભારત આ ક્ષેત્રે ચિત્રનિર્માણની સંખ્યાની ર્દષ્ટિએ તો હૉલિવુડની બરાબરી કરે છે અને એકવીસમી સદીનો આરંભ થતા સુધીમાં તો વિશ્વ સિનેમામાં ભારતીય ચલચિત્રે તેની ઓળખ પણ ઊભી કરી દીધી છે. ભારતીય કલાકારો તથા કસબીઓની હૉલિવુડમાં પણ માંગ ઊભી થવા માંડી છે. ભારતે આ સિદ્ધિ મેળવી તેનાં ઘણાં વર્ષો પહેલાં જાપાની ચિત્રોએ ગુણવત્તા, ટેકનિક અને દિગ્દર્શનને કારણે દુનિયાભરમાં નામના મેળવી હતી.

પચાસના દાયકામાં તો જાપાન ચિત્રનિર્માણમાં સંખ્યાની ર્દષ્ટિએ મોખરે હતું. એ સમયે જાપાન વર્ષે સરેરાશ 500 ચિત્રો બનાવતું, ભારતનો એ પછી બીજો અને અમેરિકાનો ત્રીજો નંબર આવતો. 1980 પછી વર્ષે સરેરાશ 800થી વધુ ચિત્રો બનાવીને ભારતે પહેલું સ્થાન મેળવી લીધું. શરૂઆતનાં વર્ષોમાં એટલે કે ત્રીસી અને ચાલીસીના દાયકામાં જાપાની ચલચિત્ર-ઉદ્યોગની વિતરણવ્યવસ્થા અને થિયેટરોના સંચાલનનું કામ છ મોટી કંપનીઓ દ્વારા થતું. શરૂઆતનાં જાપાની ચિત્રો બે ભાગમાં વહેંચાયેલાં હતાં : ઐતિહાસિક કથાનક ધરાવતાં ચિત્રો અને આધુનિક ચિત્રો. આંતરરાષ્ટ્રીય નામના મેળવનાર પ્રથમ જાપાની ચિત્ર ‘રશોમોન’ હતું. 1950માં નિર્માણ પામેલા આ ચિત્રે જ્યારે વેનિસ ચિત્રમહોત્સવમાં ‘શ્રેષ્ઠ ચલચિત્ર’નું પારિતોષિક મેળવ્યું, ત્યારે સમગ્ર વિશ્વને આ ચિત્રના દિગ્દર્શક અકીરા કુરોસાવા(1910-98)ની તેજસ્વી પ્રતિભાનો પરિચય થયો. જોકે ‘રશોમોન’ પહેલાં કુરોસાવાએ અગિયાર ચિત્રો બનાવ્યાં હતાં, પણ પશ્ચિમના દેશો સુધી તે પહોંચ્યાં નહોતાં. કુરોસાવા પછી આંતરરાષ્ટ્રીય નામના મેળવનાર ચિત્રસર્જક કેનજી મિઝોગુચી હતા. મિઝોગુચીએ તેમની ચોત્રીસ વર્ષની કારકિર્દીમાં નેવું જેટલાં ચિત્રો બનાવ્યાં હતાં. તે પછી બીજા બે નોંધપાત્ર જાપાની ચિત્રસર્જકોમાં ટીનોસુકે કિનુગાસા અને યસુજિરો ઓઝુનાં નામ આવે છે. કુરોસાવાનું નિધન થયું ત્યાં સુધી તેઓ ચિત્રનિર્માણક્ષેત્રે સક્રિય રહ્યા હતા. 1960ના દશક પછી જાપાનમાં ચિત્રોનો નવો પ્રવાહ શરૂ થયો હતો. દિગ્દર્શકો ઓશિમા નાગિસા, ઇમામુરા શોહેઇ અને શિનોડા માસાહિરોએ આ પ્રવાહને આગળ વધાર્યો હતો.

ભારતીય ચિત્રસર્જકોમાં આંતરરાષ્ટ્રીય નામના મેળવવામાં પહેલ કરવાનો યશ ખ્વાજા અહમદ અબ્બાસને મળે છે, પણ વિશ્ર્વના ઉત્તમ ચિત્રસર્જકોમાં બંગાળી ચિત્રસર્જક સત્યજિત રાય મોખરે હતા. અર્થશાસ્ત્ર સાથે સ્નાતક થયા બાદ સત્યજિત રાયે જાહેરાતની કંપનીમાં કામ કર્યું. રૉબર્ટ ફ્લેહર્ટીનાં ચિત્રોએ તેમને ચિત્રસર્જનની પ્રેરણા આપી. તેમની તમામ અંગત બચત તેમના પ્રથમ ચિત્ર ‘પથેર પાંચાલી’માં ખર્ચી અને 1955માં ચિત્ર પૂરું કર્યું. આ ચિત્ર વિશ્વના અનેક ચિત્રમહોત્સવોમાં પ્રદર્શિત થતાં તે અનેક માનસન્માન અને પુરસ્કારોને પાત્ર ઠર્યું. રાયે એ પછી બીજાં પણ ઉત્તમ ચિત્રો આપ્યાં અને વિશ્વના ચલચિત્રક્ષેત્રે તેમના નોંધપાત્ર પ્રદાન બદલ તેમને માનદ ઑસ્કર એવૉર્ડ પણ એનાયત કરાયો. મૃણાલ સેન, રાજ કપૂરનાં ચિત્રોએ તથા સમય જતાં શેખર કપૂર સહિતના દિગ્દર્શકોએ ભારતીય ચિત્રોને આંતરરાષ્ટ્રીય ઓળખ અપાવવામાં મોટો ભાગ ભજવ્યો છે.

એશિયન ચિત્રોમાં ચીનનું પ્રદાન પણ મહત્વનું છે. જોકે ચીનના ચિત્રઉદ્યોગને આંતરરાષ્ટ્રીય ઓળખ થોડી મોડી મળી. બીજા વિશ્વયુદ્ધના સમય સુધી ચીનમાં કોઈ અમેરિકન ચિત્ર પ્રવેશી શક્યું નહોતું. આખી દુનિયા જ્યારે ચાર્લી ચૅપ્લિનનાં ચિત્રો હોંશભેર માણી રહી હતી ત્યારે ચીનની પ્રજા ચાર્લી ચૅપ્લિનથી તદ્દન અજાણ હતી. તે જમાનામાં માઓ ત્ઝે દોંગ ચિત્રઉદ્યોગના ઉગ્ર વિરોધી હતા. ત્યાં 1966માં સાંસ્કૃતિક ક્રાંતિના જુવાળમાં આ ઉદ્યોગ ફરી પાછો કાર્યરત બન્યો. માઓના શાસનકાળ પછી જે પ્રથમ નોંધપાત્ર ચિત્ર 1975માં બન્યું તે હતું ‘બ્રેકિંગ વિથ ઓલ્ડ આઇડિયાઝ’. 1980 પછીનાં વર્ષોમાં ચીનનાં ચિત્રોએ દુનિયાના લગભગ દરેક ચિત્રમહોત્સવમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી. ચેન કેઇઝ, ઝાંગ યિમોઉ અને તિયાન ઝુઆંગઝુઆંગે બનાવેલાં ચિત્રો વિશ્વસિનેમામાં પોતાની છાપ ઊભી કરી શક્યાં છે. તેમણે પરંપરાગત કથાનકો છોડીને તથા માત્ર સ્ટુડિયોમાં ચિત્રો બનાવવાને બદલે લોકોની વચ્ચે જઈને તેમની સમસ્યાઓનું તેમનાં ચિત્રોમાં નિરૂપણ કર્યું. હૉંગકૉંગમાં મોટા ભાગે માર્શલ આર્ટની મારધાડનાં ચિત્રોનું નિર્માણ થતું રહ્યું, પણ સ્ટેનલી ક્વાન જેવા સર્જકોએ સામાજિક ચિત્રો પણ બનાવ્યાં.

ચલચિત્રોનાં પોતની ર્દષ્ટિએ પાકિસ્તાની ચિત્રો ભારતીય ચિત્રો કરતાં ઘણાં પાછળ રહી ગયાં છે, પણ મોટાભાગે પાકિસ્તાની ચિત્રઉદ્યોગ ભારતીય ચિત્રઉદ્યોગના પડછાયા જેવો બની રહ્યો છે. પાકિસ્તાનમાં જે ચિત્રો બને છે તે ભારતીય ચિત્રોની નબળી નકલ જેવાં હોવાનું ગણાવાય છે. બંને દેશો એક સમયે એક હતા અને અખંડ ભારતમાં લાહોર પણ મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતાની જેમ જ ચિત્રનિર્માણની પ્રવૃત્તિથી ધમધમતું હતું. દેશના ભાગલા પડતાં ઘણાં ચિત્રસર્જકો, કલાકારો અને કસબીઓ પાકિસ્તાન જતા રહ્યા. ભાગલાનાં ચાર વર્ષ પછી લાહોરમાં પ્રથમ સ્ટુડિયો ‘શાનુર’ સ્થપાયો. પાકિસ્તાનમાં પહેલું રંગીન ચિત્ર ‘એક દિલ, દો દીવાને’ 1964માં નિર્માણ પામ્યું. બંને દેશો વચ્ચેના તંગ સંબંધોને કારણે પાકિસ્તાનમાં કાયદેસર રીતે ભારતીય ચિત્રો દર્શાવી શકાતાં નથી, પણ ત્યાં ભારતીય ચિત્રો નિહાળવા લોકો સતત તલપાપડ રહેતા હોય છે. બંને દેશો વચ્ચે શરૂ થયેલી શાંતિપ્રક્રિયાના ભાગરૂપ કેટલાંક એવાં ચિત્રોનું નિર્માણ શરૂ થયું છે, જેમાં બંને દેશનાં કલાકારો અને કસબીઓ સાથે કામ કરતાં હોય. 2003માં પાકિસ્તાનમાં નિર્માણ પામેલ જર્મન-ફ્રેંચ-પાકિસ્તાની ચિત્ર ‘ખામોશ પાની’(દિગ્દર્શિકા સબીહા સુમર)ને સ્વિટ્ઝર્લૅન્ડના લોકાર્નો આંતરરાષ્ટ્રીય ચિત્રમહોત્સવમાં ગોલ્ડન લેપર્ડ એવૉર્ડ અને આ ચિત્રમાં ભૂમિકા ભજવવા બદલ ભારતીય અભિનેત્રી કિરણ ખેરને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવૉર્ડ મળ્યા હતા.

પાકિસ્તાનની જેમ બાંગ્લાદેશ અને નેપાળનાં ચિત્રો પણ ભારતીય ચિત્રોનાં પ્રતિરૂપ જેવાં હોય છે. બાંગ્લાદેશનો જન્મ નહોતો થયો ત્યારે છેક 1946માં ઢાકામાં પહેલું ચિત્ર ‘દુખે જાદેર જીબૉન ગૉમ’નું નિર્માણ થયું હતું. સાઠના દાયકામાં એક ચર્ચાસ્પદ ચિત્ર ‘મુખ ઓ મુખોશ’ બન્યું હતું. 1971માં બાંગ્લાદેશના જન્મ પછી દિગ્દર્શક ઝાહિર રહેમાને પ્રથમ નોંધપાત્ર ચિત્રે ‘જીબૉન થેકે નૈયા’નું નિર્માણ કર્યું હતું.

શ્રીલંકાના ચિત્રઉદ્યોગનો પાયો તો છેક વીસમી સદીના પ્રારંભે જ નંખાઈ ગયો હતો. ત્યાં ચિત્રનિર્માણને પ્રોત્સાહન આપતી પહેલી સંસ્થા સિલોન થિયેટરની સ્થાપના 1928માં થઈ હતી. તેમાં પણ આર્થિક સહયોગ ભારતે જ આપ્યો હતો. શ્રીલંકાના પ્રતિષ્ઠિત ચિત્રસર્જક તરીકેની ખ્યાતિ બેસ્ટર જે. પેખને મળી હતી. 1956માં તેમણે બનાવેલું ચિત્ર ‘રેકાવા’ સિંહાલી ચિત્રોનું આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિત્વ કરતા ચિત્ર તરીકે જાણીતું બન્યું હતું. 1980ના દાયકામાં જેમિની ફોનસેકાએ બનાવેલાં ચિત્રો પણ નોંધપાત્ર ગણાયાં. 1981માં તેમણે બનાવેલા ચિત્ર ‘સાગરમેક મડા’ રાજકીય કથાવસ્તુ ધરાવતું હતું અને તે વિવાદાસ્પદ બનતાં ત્યાંની સરકારે તેના પર પ્રતિબંધ લાદી દીધો હતો.

હરસુખ થાનકી

પીયૂષ વ્યાસ