ઍલેક્ઝાંડર દ્વીપસમૂહ : અમેરિકાના અલાસ્કા રાજ્યના અગ્નિ ખૂણે આવેલા આશરે 1,100 ટાપુઓનો સમૂહ. હકીકતમાં દરિયાના પાણીમાં ડૂબી ગયેલી પર્વતમાળાનાં શિખરોનો તે સમૂહ છે. 1741માં રશિયાના સાહસિકોએ તેની શોધ કરી. રશિયાના ઝાર ઍલેક્ઝાંડર-બીજાની સ્મૃતિમાં આ દ્વીપપુંજને ઍલેક્ઝાંડર દ્વીપસમૂહ નામ અપાયું છે. અસમ તથા સીધા ચઢાણવાળા કિનારા અને લીલાંછમ ગીચ જંગલોથી આચ્છાદિત આ પ્રદેશમાંથી ઇમારતી લાકડું, ખનિજો, રૂવાં (fur) તથા માછલીઓ પ્રાપ્ત થાય છે. મોટા ગણાય તેવા નવ ટાપુઓમાં પ્રિન્સ ઑવ્ વેલ્સ સૌથી મોટો ટાપુ છે. કેટચિકન અને સિટકા એ બે મોટાં ગામો છે, જેમની વસ્તી અનુક્રમે 7,198 તથા 7,803 છે. બધા જ ટાપુઓની એકંદર વસ્તી છે આશરે 40,000. દર ચોકિમી દીઠ વસ્તી 14ની છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે