ઍલેક્ઝાંડ્રિયા (Alexandria) : ભૂમધ્ય સમુદ્રકાંઠે આવેલું ઇજિપ્તનું મુખ્ય બંદર અને ઔદ્યોગિક શહેર. અરબી નામ અલ્-ઇસ્કન-દરિયાહ. તે 31° 12’ ઉ. અ. અને 29° 54’ પૂ. રે.ની આજુબાજુનો 314 ચોકિમી.નો શહેરી વિસ્તાર તથા 2,679 ચોકિમી. બૃહદ શહેરી વિસ્તાર આવરી લે છે. કેરોથી વાયવ્યમાં 208 કિમી. અંતરે આવેલું આ શહેર નાઈલ નદીના મુખત્રિકોણના પશ્ચિમ ભાગમાં માર્યુત-મેરોટિસ સરોવર અને ભૂમધ્ય સમુદ્ર વચ્ચે, 16 કિમી. લાંબી રેતાળ પટ્ટી પર વસેલું છે. મેરોટિસ સરોવર શહેરની દક્ષિણ આવેલું છે. ઍલેક્ઝાંડ્રિયાની મુખ્ય ભૂમિ અને નજીકના ફૅરૉસ ટાપુ વચ્ચે સંયોગીભૂમિ આવેલી છે. આ સંયોગીભૂમિ ઇજિપ્તની એક લાક્ષણિકતા ગણાય છે. ઍલેક્ઝાંડ્રિયાની પશ્ચિમેથી રણવિસ્તાર શરૂ થાય છે.

આબોહવા : ઍલેક્ઝાંડ્રિયા શહેર ભૂમધ્ય પ્રકારની ખુશનુમા આબોહવા ધરાવે છે. અહીંનું જાન્યુઆરી અને ઑગસ્ટનું સરેરાશ તાપમાન અનુક્રમે 18° સે. અને 31° સે. જેટલું રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ 250 મિમી. જેટલો પડે છે.

અર્થતંત્ર : આ શહેરના બૃહદ વિસ્તારને ગણતરીમાં લેતાં ઔદ્યોગિક ર્દષ્ટિએ કેરો પછી તે ઇજિપ્તનું બીજા ક્રમે આવતું શહેર છે. શહેરના પશ્ચિમ ભાગમાં તેલ શુદ્ધીકરણના તેમજ કાપડ-ઉદ્યોગના મહત્વના એકમો આવેલા છે. આ ઉપરાંત અહીં ખાદ્યપદાર્થો, સિગારેટ, દારૂ, પગરખાં, ટાયર, પરિવહનનાં સાધનો, કાગળ અને મીઠું બનાવવાનાં અનેક કારખાનાં પણ છે. વળી તે ખાદ્યપાકોનું મુખ્ય બજાર પણ ગણાય છે.

ઍલેક્ઝાંડ્રિયા બંદરનું વિહંગદર્શન

પરિવહન : આ શહેર ઇજિપ્તનાં અન્ય શહેરો સાથે રેલ, સડક, હવાઈ અને જળમાર્ગોથી સંકળાયેલું છે. તે ઇજિપ્તનું મહત્વનું મત્સ્યબંદર પણ છે. આ શહેરને પૂર્વ અને પશ્ચિમ – એમ બે બારાંનો લાભ મળે છે. આધુનિક સગવડો ધરાવતું પશ્ચિમનું બારું શહેર સાથે સંકળાયેલું છે. આ બારું ભૂમધ્ય સમુદ્રનાં તોફાનો સામે બ્રેકવૉટર, ફૅરૉસ અને સંયોગીભૂમિ – એમ ત્રણ બાજુએથી સુરક્ષિત છે. 19મી સદી પહેલાં તે નાઈલ નદી સાથે નહેરો દ્વારા સંકળાયેલું હતું. ‘T’ આકારના દ્વીપકલ્પ સમાન આ બારું ઇજિપ્તનું મુખ્ય નૌકામથક બન્યું છે; પરિણામે અહીં કસ્ટમ વિભાગની, વિદેશ વિભાગની અને વિદેશી વેપારની કચેરીઓ આવેલી છે.

પ્રવાસન : આ શહેરમાં ઘણી મસ્જિદો, બગીચા અને રમતગમતનાં કેન્દ્રો આવેલાં છે. અલ્-રામલ અહીંનો ખૂબ સુંદર રેતપટ ગણાય છે. મ્યુઝિયમ, થિયેટરો, મત્સ્યઘર, પુસ્તકાલય, પ્રાચીન સમયની અજાયબી ગણાતી શ્વેત આરસની ફૅરૉસની દીવાદાંડી અહીંનાં જોવાલાયક સ્થળો છે. આ ઉપરાંત કેટલાંક કલાત્મક સ્થાપત્યો પણ અહીં આવેલાં છે. અહીં પ્રવાસીઓની ખૂબ અવરજવર રહે છે.

વસ્તી : ઍલેક્ઝાંડ્રિયાની વસ્તી 2021 મુજબ 53 લાખ જેટલી છે. આ શહેરમાં મોટેભાગે ઇજિપ્તનિવાસીઓ વસે છે. વિદેશી પ્રજાનું પ્રમાણ માત્ર 2 % જેટલું છે. અહીંની કુલ વસ્તીના 95 % લોકો મુસ્લિમ છે. તેમની મુખ્ય ભાષા અરબી છે. રોજી-રોટી મેળવવા દેશના અન્ય ભાગમાંથી પણ લોકો આવીને વસ્યા છે, પરિણામે અહીં ઝૂંપડપટ્ટીનું પ્રમાણ વધ્યું છે.

ઇતિહાસ : આ નગરની સ્થાપના ઈ. પૂર્વે 332માં મહાન ગ્રીક વિજેતા ઍલેક્ઝાંડરે કરી હતી; તેનો નકશો તે જમાનાના સુવિખ્યાત સ્થપતિ ડાઇનોક્રેટસે તૈયાર કર્યો હતો. લગભગ 1,000 વર્ષ સુધી તે દેશનું પાટનગર હતું. ઈ. પૂ. 323-330 દરમિયાન કેન્દ્રીય બંદર તરીકે તેનો વિકાસ કરવામાં આવ્યો હતો. આ નગર પૂર્વ તથા પશ્ચિમના દેશોને જોડતું હોવાથી ભૂમધ્ય સાગર તથા પૂર્વના દેશો વચ્ચેના આયાત-નિકાસ માટેના વ્યાપારી કેન્દ્ર તરીકે તેનો ફાળો નોંધપાત્ર રહ્યો હતો. વિશ્ર્વનાં શ્રેષ્ઠ બંદરોમાં તેની લાંબા સમય સુધી ગણના થતી હતી. નગરના વ્યાપારના તેમજ વ્યાવસાયિક વિકાસમાં ગ્રીક અને યહૂદી પ્રજાનો મોટો ફાળો હતો. ઈ. પૂર્વે 280માં ત્યાં વિશ્વવિખ્યાત ફૅરૉસ દીવાદાંડી બાંધવામાં આવી હતી, જે વિશ્વની સાત અજાયબીઓ પૈકીની એક ગણાતી હતી. તેની સમગ્ર બાંધણી સફેદ સંગેમરમરથી કરવામાં આવી હતી. દ્વીપકલ્પની પૂર્વ તરફના છેડા પર તેની રચના કરવામાં આવી હતી. 1324ના ભૂકંપમાં તેની મોટા પાયા પર બરબાદી થઈ હતી, તે પછી ત્યાં નવી દીવાદાંડી બાંધવામાં આવી હતી. ઈ. પૂ. 300માં ટૉલેમીના શાસન દરમિયાન નગરમાં એક વિશાળ ગ્રંથાલય ઊભું કરવામાં આવ્યું હતું. તેમાં ગ્રીક ભાષામાં લખાયેલી હસ્તપ્રતોનો વિશાળ સંગ્રહ હતો. રાણી ક્લિયોપેટ્રાના મૃત્યુ પછી ઈ. પૂ. 30માં રોમન સામ્રાજ્ય અસ્તિત્વમાં આવ્યું ત્યારે આ નગર વિદ્વત્તા, સંસ્કૃતિ, સભ્યતા તથા વ્યાપારની ટોચ પર હતું. રોમન સામ્રાજ્યના સમયમાં (ઈ. પૂ. 30-ઈ. સ. 300) સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે તેનું સ્થાન રોમ પછી બીજું હતું. જોકે ઇજિપ્તના શાસનકેન્દ્ર તરીકે તે ચાલુ રહ્યું હતું. બાઇઝેન્ટાઇન શાસનકાળ (ઈ. સ. 300-639) દરમિયાન પાટનગર તથા મધ્યવર્તી બંદર તરીકે કૉન્સ્ટૅન્ટિનોપલનો ઉદય થતાં ઍલેક્ઝાંડ્રિયાનું મહત્વ ઘટી ગયું હતું. ઈ. સ. 640માં અરબ મુસલમાનોએ અમર ઇબ્ન અલ-અસના નેતૃત્વ હેઠળ સતત 24 માસ સુધી નગરને ઘેરો નાખ્યો હતો. અમર ઇબ્ન અલ-અસના કથન મુજબ તેણે નગરનો કબજો લીધો ત્યારે ત્યાં 4,000 રાજપ્રાસાદ, 4,000 જાહેર સ્નાનાગાર, 400 નાટ્યગૃહો અને 12,000 ઉદ્યાનો હતાં. નગરની આવી જાહોજલાલી ઉપરાંત વ્યાપારના પ્રમુખ કેન્દ્ર તરીકે તેનો ખ્યાલ આપતાં તે જણાવે છે કે માત્ર શાકભાજીનો વ્યાપાર કરનારાઓની સંખ્યા 12,000 જેટલી હતી; પરંતુ ઈ. સ. 969માં ઇજિપ્તના ખલીફાઓ દ્વારા દેશના પાટનગર તરીકે કૅરોની પસંદગી થતાં ઍલેક્ઝાંડ્રિયાના સ્થાનિક વ્યાપારમાં ભારે ઓટ આવી હતી. ઈ. સ. 1498માં કેપ ઑવ્ ગુડ હોપની તથા લગભગ તે જ અરસામાં અમેરિકા ખંડની શોધ થતાં પૂર્વ અને પશ્ચિમના વ્યાપારી મથક તરીકેનું આ નગરનું શેષ મહત્વ પણ ઘટી ગયું હતું. ઈ. સ. 1517માં તુર્કોએ તેના પર કબજો કર્યો હતો. 1798-1801 દરમિયાન આ નગર નેપોલિયન બોનાપાર્ટના કબજામાં હતું. મહમ્મદઅલીના શાસનકાળ દરમિયાન (1805-49) તેના પ્રયત્નથી ઇજિપ્તને સ્વાયત્તતા પ્રાપ્ત થતાં ઓગણીસમી સદીમાં ફરી આ નગરનો ઉત્કર્ષ થયો હતો. નગર માટે તાજા પાણીનો પુરવઠો પ્રાપ્ત કરવાના હેતુથી 1820માં નાઇલ નદીને જોડતી નહેર બાંધવામાં આવી હતી. 1852માં આ નગર રેલમાર્ગ દ્વારા કૅરો સાથે જોડવામાં આવ્યું હતું. ખેદિવ ઇસ્માઇલના શાસનકાળ (1863-1879) દરમિયાન બંદરના પશ્ચિમ તરફના વિસ્તારમાં ઘણી નવી તથા વધારાની સગવડો (ગોદી, બ્રેકવૉટર વગેરે) ઊભી કરવામાં આવી હતી; તેને લીધે આ બંદરના વ્યાપારને પ્રોત્સાહન મળ્યું હતું. 1882માં અરબી પાશા અને બ્રિટન વચ્ચે ઘર્ષણ થતાં બ્રિટિશ નૌકાદળે નગર પર બૉંબમારો કર્યો હતો અને નગરમાં મોટા પાયા પર આગ લાગી હતી. આ બંને બનાવોમાં પ્રાચીન સમયની ઐતિહાસિક મહત્વની ઘણી પુરાવસ્તુઓ તથા ઇમારતો નષ્ટ થઈ હતી. એમાંથી બચી ગયેલા અવશેષો પૈકી 28 મીટર ઊંચો પૉમ્પી સ્તંભ (Pompey’s Pillar), ગ્રીક તથા રોમન શાસનકાળ દરમિયાનની અગાઉ સંગ્રહાલયમાં મૂકેલી કેટલીક પુરાવસ્તુઓ, ‘ક્લિયૉપેટ્રાઝ નીડલ્સ’ નામથી પ્રસિદ્ધ થયેલા બે શિલ્પસ્તંભો વગેરે અલ્પસંખ્ય અવશેષો છે. ક્લિયોપૅટ્રાઝ નીડલ્સનો એક સ્તંભ ટેમ્સ નદીના બંધ પર અને બીજો સ્તંભ ન્યૂયૉર્કમાં છે.

વીસમી સદીમાં નગરનો ઝડપી વિકાસ થયો છે. ત્યાંની સમધાત આબોહવા, રેતાળ દરિયાકિનારો તથા આવાગમન માટેની અદ્યતન સુવિધાઓને લીધે તે હવે સહેલાણીઓ માટેનું આકર્ષણ બન્યું છે. 1942માં ત્યાં યુનિવર્સિટી ઑવ્ ઍલેક્ઝાંડ્રિયાની સ્થાપના થઈ હતી. ઉપરાંત નર્સિંગ કૉલેજ તથા ઉચ્ચ શિક્ષણની અન્ય સંસ્થાઓ પણ વિકસી છે. નાઇલ નદીના મુખપ્રદેશના વિકાસ માટેના થતા પ્રયાસોનું તે મુખ્ય મથક છે. 1973માં ત્યાં તેલશુદ્ધીકરણ માટેનું એકમ ઊભું કરવામાં આવ્યું હતું. ઉપરાંત મોટરવાહન સંયોજન (assembling), ખાદ્યચીજોની પ્રક્રિયા તથા કાપડ, કાગળ વગેરે વસ્તુઓ માટેનાં ઔદ્યોગિક એકમોનો વિકાસ પણ થયો છે.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભૂમધ્યસાગર વિસ્તારમાં ગ્રેટ બ્રિટન સહિત મિત્ર રાષ્ટ્રોનું તે નૌકાદળનું મુખ્ય મથક હતું.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

મહેશ મ. ત્રિવેદી

નીતિન કોઠારી